જન્મકુંડળીનો આધારસ્થંભ એટલે જન્મલગ્ન (પ્રથમ સ્થાન)
કવર સ્ટોરી
જ્યોતિષશાસ્ત્રમાં ફ્ળકથન માટે જન્મકુંડળી, હસ્તરેખાશાસ્ત્ર, અંકજ્યોતિષ, હસ્તાક્ષરવિદ્યા (ગ્રાફેલોજી), રમલશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર (અંગલક્ષણ વિદ્યા), પ્રશ્નશાસ્ત્ર (વર્તમાનના પ્રશ્નનો ઉકેલ) એમ વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. આ તમામ શાખાઓમાં જન્મકુંડળી અને હસ્તરેખાશાસ્ત્રનો વ્યાપક ઉપયોગ થાય છે. જન્મકુંડળીની રચના કરવા માટે ખગોળશાસ્ત્રની અમુક વિગતોની ખાસ જરૂર પડે છે.
જન્મકુંડળી એટલે જે તે વ્યક્તિના જન્મસમયે તેના જન્મસ્થળ પરત્વે આકાશી ગ્રહો, રાશિઓ અને નક્ષત્રોની સ્થિતિ સૂચવતો ખગોલીય નકશો છે. જન્મકુંડળી તૈયાર કરવા માટે મુખ્યત્વે ત્રણ વિગતોની ખાસ જરૂર પડે છે. (૧) જન્મતારીખ. (૨) જન્મસમય. (૩) જન્મસ્થળ.(અક્ષાંશ, રેખાંશની જાણકારી માટે). પૃથ્વી પોતાની ધરી ઉપર ચોવીસ કલાકમાં એક ભ્રમણ પુરુ કરે છે. તેની ભ્રમણની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે તેથી આપણને સૌને પૃથ્વી પરથી સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો, નક્ષત્રો, તારાઓ પૂર્વ દિશામાં ઉદય પામીને પશ્ચિમ દિશામાં અસ્ત પામતા (આથમતા) જણાય છે.
આકાશમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ વગેરે ગ્રહો જે નિશ્ચિત માર્ગમાં ભ્રમણ કરે છે તે માર્ગ ક્રાંતિવૃત્ત, ભચક્ર, રાશિચક્ર તરીકે ઓળખાય છે. વૃત્ત એટલે વર્તુળ. રાશિચક્રના ૩૬૦ અંશ હોય છે. આ રાશિચક્રના ૧૨ સરખા ભાગ એટલે બારેય રાશિઓ. આમ પ્રત્યેક રાશિ ૩૦ અંશની હોય છે.
જન્મલગ્ન એટલે શું?
સામાન્ય રીતે સૂર્ય ૩૬૫ દિવસમાં રાશિચક્રનું એક ભ્રમણ કરે છે તેથી સૂર્ય દરેક રાશિમાં લગભગ એક મહિનો રહે છે. ચંદ્ર ૨૮ દિવસમાં રાશિચક્રનું એક ભ્રમણ કરે છે. આથી ચંદ્ર એક રાશિમાં લગભગ સવા બે દિવસ રહે છે. જ્યારે પૃથ્વી પોતાની ધરી ઉપર માત્ર ૨૪ કલાકમાં એક ભ્રમણ પુરુ કરતી હોવાથી રાશિચક્રની બારેય રાશિઓ આપણી સન્મુખ ૨૪ કલાકમાં આવી જાય છે. આમ પૃથ્વીની પૂર્વ ક્ષિતિજે દરેક રાશિ લગભગ ૨ કલાક સુધી રહે છે. આ બે કલાકના સમયગાળાને જ્યોતિષની ભાષામાં ‘જન્મલગ્ન’ કહે છે. જન્મલગ્ન એટલે વ્યક્તિની જન્મકુંડળીનું પ્રથમ સ્થાન ગણાય છે.
જન્મલગ્નનું મહત્વઃ
કોઇ પણ વ્યક્તિની જન્મકુંડળી તૈયાર કરવા માટે સૌ પ્રથમ જન્મલગ્ન શોધવાનું ગણિત કરવું પડે છે. આજ કાલ તો આ અંગેના કોમ્પ્યુટર દ્વારા જન્મકુંડળીના સૂક્ષ્મ ગણિત માટે સોફ્ટવેર બજારમાં તૈયાર મળે છે. વર્ષો અગાઉ આ માટે સૂર્યોદય આધારિત ઇષ્ટઘડી આધારિત અને સ્ટાં. ટાઇમ મુજબ સાંપાતિક પધ્ધતિથી ગણિત કરવામાં આવતું હતું. જન્મ સમયે પૂર્વ ક્ષિતિજે જે રાશિ હોય તે રાશિને જન્મકુંડળીના પ્રથમ સ્થાને મૂકીને બાકીની રાશિઓને ક્રમાનુસાર ધડિયાળના કાંટાની વિરુધ્ધ દિશામાં બારેય સ્થાને મૂકવામાં આવે છે. રાશિના નામને બદલે તેનો ક્રમ નંબર લખવામાં આવે છે. પ્રથમ સ્થાને જે રાશિ હોય તેનો ક્રમ નંબર લખાય છે. તે રાશિનું જન્મલગ્ન ગણાય. આ જન્મલગ્નની વિશેષ અસર વ્યક્તિના સ્વભાવ, પ્રકૃતિ, શરીરનો બાંધો, બાહ્ય દેખાવ, વલણ (એટિટયૂડ) બાબતે જોવા મળે છે. જન્મલગ્નમાં (જન્મકુંડળીના પ્રથમ સ્થાને) રહેલી રાશિનો સ્વામી ગ્રહ તે વ્યક્તિ(જાતક)નો લગ્નેશ કહેવાય છે. આરોગ્ય, વૃત્તિ-પ્રવૃત્તિ, કાર્યક્ષમતા, કાર્યદક્ષતા, વૈચારિક અભિગમ, ગમા અણગમા બાબતે લગ્નેશ વધુ અસરકારક ભૂમિકા ભજવે છે. વર્ષો અગાઉ ઘડિયાળનો વ્યાપ ઓછો હતો ત્યારે છાયાજોષી જે તે વ્યક્તિને આંગણામાં કે અગાસીમાં ઉભી રાખીને ખગોળશાસ્ત્રના સિધ્ધાંતોની મદદથી પડછાયાને આધારે સમય જાણીને જન્મલગ્ન શોધીને (જન્મકુંડળીના પ્રથમ સ્થાને રહેલી રાશિને આધારે) આવેલા મુલાકાતીને જ્યોતિષની અમુક બાબતો જણાવીને પ્રભાવિત કરી શક્તા હતા. આમાં ચમત્કારને બદલે ફ્ળજ્યોતિષશાસ્ત્રના અનુભવેલા સિધ્ધાંતોનો વ્યવસ્થિત ઉપયોગ નીરક્ષીર વિવેકથી સમજદારીપૂર્વક થતો હતો.
જન્મકુંડળીના બાર સ્થાનના નામઃ
જન્મકુંડળીમાં દરેક સ્થાનમાંથી અમુક ખાસ બાબતો અંગે વિગતવાર ફ્ળકથન થાય છે. કુંડળીના બાર સ્થાન જ્યોતિષની પરિભાષામાં સ્થાન, ભાવ, ભુવન, ઘર, હાઉસ એમ વિવિધ નામથી ઓળખાય છે.
(૧) પ્રથમ સ્થાનઃ જન્મલગ્ન, તનુ ભુવન, એસેન્ડન્ટ, રાઇઝીંગ સાઇન.
(૨) બીજુ સ્થાનઃ ધન ભુવન. આવક.
(૩) ત્રીજુ સ્થાનઃ પરાક્રમભુવન, સહજ (સહોદર) સ્થાન.
(૪) ચોથું સ્થાનઃ માતૃ ભુવન, સ્થાવર સંપતિ
(૫) પાંચમું સ્થાનઃ વિદ્યા ભુવન, સંતાન ભુવન.
(૬) છઠ્ઠુ સ્થાનઃ રોગ શત્રુ ભુવન. હરીફે અંગે.
(૭) સાતમું સ્થાનઃ જીવનસાથી ભુવન. પુરુષ માટે પત્ની, સ્ત્રી માટે પતિ.
(૮) આઠમું સ્થાનઃ આયુષ્ય ભુવન, મૃત્યુ સ્થાન, મોટી માંદગી.
(૯) નવમું સ્થાનઃ ભાગ્ય ભુવન, ધર્મ, ઉન્નતિ.
(૧૦) દસમું સ્થાનઃ કર્મ ભુવન, પિતા સ્થાન.
(૧૧) અગિયારમુ સ્થાનઃ લાભ ભુવન.
(૧૨) બારમું સ્થાનઃ વ્યય ભુવન.
વ્યક્તિનો જન્મ સૂર્યોદય સમયની આસપાસ હોય તો સૂર્ય હંમેશાં જન્મલગ્નમાં એટલે કે પ્રથમ સ્થાને હોય છે. જો મધ્યાહન સમયે જન્મ હોય તો સૂર્ય દસમા સ્થાને હોય છે. સૂર્યાસ્તની નજીકના સમયે જન્મનારની કુંડળીમાં સૂર્ય હંમેશાં સાતમા સ્થાને (પશ્ચિમ ક્ષિતિજે) હોય છે. મધ્યરાત્રિની આસપાસ જન્મેલા લોકોની કુંડળીમાં સૂર્ય હંમેશાં ચોથા સ્થાને જોવા મળે છે.
જન્મકુંડળીના મહત્વનાં સ્થાનઃ
આમ તો જન્મકુંડળીમાં દરેક સ્થાનની પોતાની આગવી અસર હોય છે. પરંતુ ૧-૪-૭-૧૦ સ્થાન કેન્દ્ર સ્થાન ગણાય છે. મહત્વ શા માટે છે તે સમજી શકાય તેમ છે. (૧) પ્રથમ સ્થાન પૂર્વ ક્ષિતિજ, (૨) સાતમું સ્થાન પશ્ચિમ ક્ષિતિજ (૩) દસમું સ્થાન મધ્ય આકાશનો ભાગ (આકાશનો ઉંચામાં ઉંચો ભાગ એટલે કે ખ સ્વસ્તિક બિંદુ) સૂચવે છે. (૪) ચોથો ભાવ અદ્રશ્ય ગોળાર્ધનું મધ્ય બિંદુ છે. આમ જન્મલગ્નની રાશિ માનવીના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. જન્મ કુંડળીમાં ચંદ્ર જે રાશિમાં હોય તે તેના જન્મસમયની ચંદ્રરાશિ ગણાય છે. લેણાદેણા, મેળાપક, મુહૂર્ત, વર્તમાન ગોચર ફ્ળાદેશની જાણકારી માટે ચંદ્રરાશિને મહત્વ આપવામાં આવે છે.
જન્મકુંડળીના લગ્નેશનું મહત્વઃ
જન્મલગ્નમાં જે રાશિ હોય તે રાશિના સ્વામી ગ્રહને લગ્નેશ કહે છે. એક સાદો નિયમ છે કે વ્યક્તિ પોતાના લગ્નેશ ગ્રહની ઉપાસના ભક્તિ સમજપૂર્વક કરે તો તેની કાર્યદક્ષતા જરૂર વધે છે. પોઝીટિવ વલણ અપનાવવા માટે લગ્નેશ ગ્રહનો લાભ લેવો જોઇએ. બાર રાશિના સ્વામીને આધારે લગ્નેશ જાણીને સફ્ળતા પામી શકાય છે.
- ભૂપેન્દ્ર ધોળકિયા
bhupendradholakiya61@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જન્મકુંડળીનો આધારસ્થંભ એટલે જન્મલગ્ન (પ્રથમ સ્થાન) appeared first on Sandesh.
from Nakshatra – Sandesh http://sandesh.com/horoscope-a-a/
via Best Gujarati News
0 Comments