શરીરના તેર પ્રકારના વેગ રોકવા નહીં
આરોગ્ય ચિંતન :- વૈદ્ય મનુભાઈ ગૌદાની
આયુર્વેદમાં રોગોત્પતિનાં કારણોમાં તેર પ્રકારના વેગોને રોકવાનો પણ સમાવેશ થઈ જાય છે. આ તેર પ્રકારના વેગો મળ, મૂત્ર, શુક્ર, વાછૂટ, વમન, છીંક, ઓડકાર, બગાસું, ભૂખ, તૃષા, આંસુ, નિદ્રા અને પરિશ્રમનો સમાવેશ થાય છે. આ તેર પ્રકારના વેગો કોઈને કોઈ શારીરિક ક્રિયાનાં પ્રતીક છે. એટલે આ વેગને આવતા રોકવાથી હાનિ થવાની શક્યતા રહે છે. તેનાથી કોઈને કોઈ વિકૃતિ (Pathologicalststes) સ્થાયી સ્વરૂપે લઈ લે છે. અષ્ટાંગ સંગ્રહમાં તો આ તેર સિવાયનો ‘ઉધરસ’ નો વેગ રોકવાને પણ હાનિકારક બતાવ્યો છે. મર્હિષ વાગ્ભટે લખ્યું છે, રોગાઃસર્વે અપિ જાયન્તે વેગોદિરષ્ટા ધારણૈઃ મળ મૂત્રાદિ ઉપસ્થિત/વેગોને રોકવાથી તથા તેના અનુપસ્થિત વેગોને બળપૂર્વક પ્રવૃત્ત કરવાનો પ્રયત્ન કરવાથી પ્રાયઃ ઘણા રોગોની ઉત્પત્તિ થાય છે.
આનું મુખ્ય કારણ એ છે કે, મળમૂત્રાદિનો વેગ રોકવાથી અને અનુપસ્થિત વેગને બળપૂર્વક પ્રવૃત્ત કરાવવાના પ્રયત્નજન્ય શ્રમથી શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે. જે પ્રકુપિત થયેલો વાયુ શરીરના રિક્ત (ખાલી) સ્થાનોમાં ભરાઈને અનેક વ્યાધિઓ ઉત્પન્ન કરે છે. આ વ્યાધિઓ શરીરના અમુક ભાગ કે સંપૂર્ણ અંગોને પીડિત કરી શકે છે.
આપણા શરીરના કોઈપણ પ્રકારના વેગ દ્વારા પ્રકૃતિ શરીરની અંદર દૂષિત પદાર્થોને બહાર ફેંકી દેવાનો પ્રયત્ન કરે છે. શરીરના આ પ્રાકૃતિક પ્રયત્નમાં અવરોધ કે અટકાવ ઉત્પન્ન થવાથી અંદરના કચરામાં સડો ઉત્પન્ન થાય છે. જે શરીરના રક્ત, વાયુ વગેરેને વિકૃત કરીને એકાંગ અથવા સર્વાંગમાં વિભિન્ન પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન કરે છે. ઉપર્યુક્ત તેર પ્રકારના વેગ રોકવાથી ઘણી વ્યાધિઓ થવાની શક્યતા રહે છે અને તેનું આયુર્વેદના ગ્રંથોમાં વિસ્તૃત નિરૂપણ થયેલું છે. એ બધાનું અહીં વિસ્તારભયથી નિરૂપણ શક્ય નથી. પરંતુ આમાંનો એક મળનો વેગ રોકવાથી શું પરિણામ આવે તે વિશે સંક્ષિપ્ત નિરૂપણ.
મળ પ્રવૃત્તિ પ્રવર્તક અપાન વાયુ છે. મળ પ્રવૃત્તિનો વેગ રોકવાથી અપાન વાયુ અને તેનું આશ્રયસ્થળ નાડીચક્ર વિકૃત થઈ જાય છે. પરિણામે વાયુની પ્રતિલોમ ગતિ (અવળી) થઈ, મળ પુનઃમોટા આંતરડામાં ચાલ્યો જાય છે, અને ત્યાં મોટા આંતરડાની અંદરની કલાત્વચા મળમાં રહેલ અવશિષ્ટ જલાંશને પણ શોષી લે છે. આવી રીતે મળ પૂર્ણરૂપે શુષ્ક થવાથી તેના ત્યાગની પ્રવૃત્તિમાં કષ્ટ પડે છે. આવા શુષ્ક મળની પ્રયત્નપૂર્વકની પ્રવૃત્તિથી ગુદાના મુખ પર ચીરા પડવા, લાંબા સમયે મસા થવા, ભગંદર, ગુદાનું મુખ ફૂલી જવું, વગેરે વિકૃતિઓ થાય છે. તેથી મળાશય અને આંતરડામાં રહેલા મળથી ગેસની ઉત્પત્તિ થઈને પેટમાં આફરો અને ઉદર શૂળ જેવાં લક્ષણો ઉત્પન્ન થાય છે. અધામાર્ગમાં પૂર્ણરૂપે અવરોધ હોવાને લીધે વાયુ પ્રતિલોમ ગતિથી ઉર્ધ્વ માર્ગ દ્વારા ઓડકાર સ્વરૂપે નીકળવા લાગે છે. મળાશયની સામે જ મૂત્રાશય પણ રહેલું હોય છે. એટલે મળાશયગત પ્રકૃપિત અપાન વાયુના દબાણથી મૂત્રાશય એવ તેનાથી સંબંધિત શિશ્નમાં અને છેક પેડુ સુધી પીડાની અનુભૂતિ થાય છે. વમન દ્વારા નીકળેલો પદાર્થ અપાન વાયુથી મિશ્રિત હોવાથી તેમાં અપાન વાયુનાં લક્ષણો જોવા મળે છે. મળપ્રવૃત્તિનો વેગ રોકવાથી પકવાશય અને માથામાં વેદના, અપાન વાયુ અને મળનું અટકી જવું, સાથળ અને પિંડીઓમાં દુખાવો તથા પેટમાં આફરો થાય છે. અવરુદ્ધ થયેલા અપાન વાયુનો સમગ્ર પાચનતંત્ર, મૂત્રાશય, ગર્ભાશય અને પ્રજનનતંત્ર પર વધતો કે ઓછો પ્રભાવ પડે છે. એટલે જ મર્હિષ ચરકે પોતાના ગ્રંથમાં સ્વાસ્થય જાળવી રાખવા માટે લખ્યું છે કે, ‘ન વેગાન ધારયેત ધિમાન’ એટલે કે બુદ્ધિમાન વ્યક્તિઓએ મૂત્રાદિના આવેલા વેગોને ન રોકવા જોઈએ.
ગાગરમાં સાગર
આયુર્વેદના તમામ ગ્રંથોમાં મેથીને વાયુનું શમન કરનારી કહેવામાં આવી છે. મેથીના આ વાયુને શમન કરવાના વિશેષ ગુણને લીધે જ વૈદ્યો વાયુના રોગમાં મેથીની ફાકી ખાવાની સ્પષ્ટ સૂચના આપે છે. આપણે ત્યાં પ્રસૂતાને મેથીના લાડુ ખવડાવવાનો વર્ષોથી જે રિવાજ ચાલ્યો આવે છે. તે આજે મૃતપ્રાય છે. આ રિવાજને ન પાળવાથી જ આજકાલ સ્ત્રીઓમાં કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, પગની પાનીનો દુખાવો વગેરે વધારે જોવામાં આવે છે. સ્ત્રી કે પુરુષ કોઈને પણ ઉપર્યુક્ત કોઈપણ દુખાવો રહેતો હોય, તેમણે વાતવર્ધક આહાર બંધ કરીને એકાદ મહિનો સવારે અને સાંજે અધકચરી ખાંડેલી મેથીનો અડધી ચમચી ભૂક્કો ખાવો જોઈએ.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શરીરના તેર પ્રકારના વેગ રોકવા નહીં appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/body-type-type-velocity-2/
via Best Gujarati News
0 Comments