કવર સ્ટોરી :- અમિતા મહેતા

સ્ત્રીત્વના ઉત્સવ સમા માસિક ધર્મ સાથે જોડાયેલી અનેક જૂનવાણી માન્યતાઓ હવે તૂટી રહી છે. આજે ભારતનાં કેટલાંક રાજ્યોમાં ‘માસિક મહોત્સવ’ સપ્તાહનો અંતિમ દિવસ ઉજવાઈ રહ્યો છે. અનેક સામાજિક સંસ્થાઓએ સેનેટરી પેડ્સ માટેની મુવમેન્ટ ઉપાડી છે. દીકરીઓ માટે હેલ્થ-હાઇજીનના સેમિનાર યોજાય છે. ઘરે-ઘરે જઇને કાઉન્સેલીંગ કરાય છે. આ સક્રિયતા સહેજ પણ ઢીલી પડવા દેવા જેવી નથી. માસિક ધર્મ સાથે સંકળાયેલા મુદ્દાઓના ઉકેલની દિશામાં થોડું કામ થયું છે તો થોડું કામ બાકી પણ છે. તો આવો, હવે પછી કઈ દિશામાં શું કરવા જેવું છે એ વિશે થોડું વિચારીએ…આજની સ્ત્રીઓએ પોતાના વિશેની અનેક ભ્રમણાઓ તોડી છે, નિયમોને ફ્ગાવ્યા છે, શોષણની વાડને હટાવી છે અને એક સ્વતંત્ર, સમાન અને ન્યાયયુક્ત જીવન માટે અનેક પડકારો ઝીલ્યા છે. ધર્મ-ધર્મગુરુઓ અને કહેવાતા સમાજ-ચિંતકો સામે પ્રશ્નોની ઝડી વરસાવી છે. સ્ત્રીએ જે મુદ્દે લડવું પડયું છે તેવા અનેક પડકારોમાંનો એક છે, માસિક ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓ… જેમાંથી સ્ત્રીઓ પોતે પણ પૂર્ણપણે મુક્ત થઇ શકી નથી. આ માન્યતાઓને તોડવા માટે ભારતમાં તામિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ અને ઉત્તર પ્રદેશમાં અત્યારે ૨૧થી ૨૮ મે દરમિયાન ચાલેલા ‘માસિક મહોત્સવ’ (મૂળ મરાઠી નામઃ માસિકા મહોત્સવ) દ્વારા માસિક ધર્મ વિશેની માન્યતાઓ બાબતે લોકોમાં જાગૃત્તિ લાવવાનો પ્રયાસ થયો.

સેનેટરી પેડ્સની જાહેરાતમાં કિશોરીને ક્રિકેટ કે ફૂટબોલ રમતી જોઇને આપણે માની લીધું છે કે પીરિયડ્સ એ સ્ત્ર્રીઓને ઘરની ચાર દિવાલોમાં ગોંધી રાખતી બાબત નથી. વ્હાઇટ પેન્ટ પહેરીને છોકરીઓ જરા ય ડર કે સંકોચ વિના ઉછળકૂદ કરી શકે છે. પણ આ ચિત્ર શહેરી ભારતનું છે. ગ્રામ્ય ભારતની સ્ત્રીની સ્થિતિ જરા જુદી છે. ગ્રામીણ ભારતના અનેક પરિવારોમાં સ્ત્રીઓએ માસિકના દિવસોમાં આજે  ઘરની અંદર એક ખૂણામાં બેસી રહેવુ પડે છે. તે ઘરની કોઇ વસ્તુને અડી શકતી નથી. ધાર્મિક પુસ્તકોને સ્પર્શી શકતી નથી. મંદિરમાં જઇ શકતી નથી. અગર એ મંદિરમાં પ્રવેશે તો ભગવાન ક્રોધિત થાય એવું મનાય છે. વાસ્તવમાં માસિક દરમ્યાન જે બ્લીડીંગ થાય છે તે સ્ત્ર્રીનાં શરીરની ગંદકી બહાર કાઢી એને સ્વચ્છ બનાવે છે. આ એક શારીરિક પ્રક્રિયા કુદરતે બનાવી છે. વળી માસિક સાથે માતૃત્વ જોડાયેલું છે, તો પછી એનો વિરોધ શા માટે?

મજાની વાત એ છે કે હિંદુ ધર્મમાં માસિક માટે માસિક ધર્મ એવા શબ્દનો ઉપયોગ થાય છે. જે વસ્તુ ધર્મ કહેવાતી હોય તે ખોટી-ખરાબ-અછૂત કે અશ્પૃશ્ય કઇ રીતે હોય શકે? યુ.પી, બિહાર જેવા ગામોમાં માસિકમાં થતી બ્લીડીંગને ખૂબ પાવરફૂલ અને જાદૂઇ મનાય છે અને એનો ઉપયોગ બ્લેક મેજીકમાં કરાય છે. વળી, એક માન્યતા એવી પણ છે કે માસિકવાળી સ્ત્રી એટલી પાવરફૂલ હોય છે કે જો એ મંદિરમાં જાય તો એનું મહત્ત્વ અન્ય લોકો કરતાં ખૂબ જ વધી જાય તેથી એને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. તો સામા છેડે અત્યંત પછાત ગ્રામીણ વિસ્તારોની સ્ત્રીઓ ભાગ્યે જ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે છે. આદિવાસી વિસ્તારોમાં છોકરીઓને માસિક આવવાનું શરૂ થાય એટલે ભણતી ઉઠાડી દેવામાં આવે છે. અરે ! ભણેલા-ગણેલાં પરિવારમાં પણ છોકરી ન્હાતી-ધોતી થાય એટલે ઉઠવા-બેસવા અને હરવા-ફ્રવા પર નિયંત્રણ મૂકાય. છોકરી ન્હાતી-ધોતી થઇ. હવે તો એનું ધ્યાન રાખવું જ પડે. આ તકિયા કલમ અનેક પરિવારોમાં સાંભળવા મળે છે. ગામડામાં માસિકવાળી સ્ત્રીનો પડછાયો જો અથાણા-પાપડ પર પડે તો એ બગડી જાય એવી ભ્રમણા છે. આ સિવાય તે ઝાડ, ફૂલ અને તૂલસીનાં પાનને ન સ્પર્શી શકે. માસિકવાળી સ્ત્ર્રી ફૂલ, ઝાડને અડે તો એ કરમાઇ જાય એવું આજે પણ અમુક ધર્મના ગુરૂઓ જાહેરમાં એમનાં પ્રવચનમાં કહે છે. આ સ્ત્રી કોઇને પણ સ્પર્શે, રસોઇ બનાવે કે એક જ પથારીમાં સુએ તો એને ભયંકર પાપ લાગે છે. ત્રણ દિવસ સુધી અલગ રહ્યા બાદ માથું ધોઇને જ સ્ત્ર્રી નોર્મલ બની શકે છે.

જો, કે આપણે ત્યાં આસામમાં અને દક્ષિણનાં રાજ્યોમાં માસિક આવવાની ઘટનાને ખૂબ જ મહત્ત્વની ગણાય છે. દીકરી માસિકમાં આવે એનો ઉત્સવ ઉજવાય છે અને તેને ગિફ્ટ આપવામાં આવે છે.

દુનિયાના અન્ય દેશોની માન્યતા અંગે જોઇએ તો ઘણાં દેશોમાં આ સમય દરમ્યાન સ્ત્ર્રીને સલામત અને શક્તિશાળી ફીલ કરાવવાનાં રિવાજો છે. જેમ કે, આ સમય દરમ્યાન સ્ત્ર્રીને અલગ રાખવામાં આવે છે. જેથી એનાં પર ઘરનાં કામકાજનું કે સેક્સ્યૂઅલ પ્રેશર ન આવે. ઉત્તર પાકિસ્તાનમાં કલશા વેલી વિસ્તારના બિન-મુસ્લિમ લઘુમતિ સમુદાયમાં અલગ માસિક ગૃહનું ચલણ છે. માસિકવાળી સ્ત્રીઓ આ ગૃહમાં રહે છે, જ્યાં તેમને પુરુષો ખૂબ જ સન્માન આપે છે. નોર્થ અને સાઉથ અમેરીકામાં એવી માન્યતા છે કે માસિક વાળી સ્ત્ર્રીઓની યોગ્ય દેખભાળ અને કાળજી વિશ્વને અંધાધૂંધીમાંથી બહાર લાવે છે. ઓસ્ટ્રેલિયામાં આ નેચરલ પ્રક્રિયા ‘રેઇનબો સ્નેક’ તરીકે ઓળખાય છે અને તેને સદ્ભાવના, આધ્યાત્મિકતા અને ફ્ળદ્રુપતાનું પ્રતીક ગણવામાં આવે છે.

ભારતીય આયુવદ શાસ્ત્રમાં સ્ત્ર્રીને એ દિવસો દરમ્યાન આરામ મળે એ બાબત પર ભાર મુકાયો છે. હોર્મોનલ ચેઇન્જને કારણે અનેક સ્ત્ર્રીઓ આ સમય દરમ્યાન શરીરનો દુઃખાવો, વોમીટીંગ અને નબળાઇ અનુભવે છે. સ્વાસ્થ્યની સાથે ધાર્મિક ભાવના જોડવાથી એનું પાલન ચુસ્ત રીતે થાય એવા વિચાર સાથે એમાં નિયંત્રણો મુકાયા હશે. બાકી પુરાણોમાં પણ આ પ્રક્રિયાને ઉત્સવની જેમ સ્વીકારવાની વાત થઇ છે. કુદરતની આ કમાલના ગમે તે અર્થઘટન કરો, માન્યતાઓની બેડી પહેરાવો, પરંતુ સૃષ્ટિના સર્જનનો એ આધાર છે. તેથી તે તિરસ્કારનું નહી સન્માનને પાત્ર છે. એ વાત સ્વીકારવી જોઇએ.

પહેલી વાત તો એ કે આ કુદરતી પ્રક્રિયાથી કોઇ સ્ત્રીઓ શરમ-સંકોચ કે લજ્જા અનુભવવાની જરૂર નથી. આ સ્ત્રીઓને મળેલું એક વરદાન છે. અભિશાપ નથી. તો ફીલ પ્રાઉડ એન્ડ એન્જોય ઇટ… હા, શિક્ષિત શહેરી સ્ત્ર્રીઓમાં આ લાગણી ધીરે-ધીરે વિકસી રહી છે. આ વિષય પર ચર્ચા કરવા જેટલી તેઓ બોલ્ડ બની છે. સેનેટરી પેડ્સનું શોપિંગ કરતાં શરમાતી નથી અને ઘણે અંશે હેલ્થ અને હાઇજીન અંગે જાગૃત છે. ટીનેજ ગર્લ ઇન્ટરનેટ દ્વારા પણ માહિતી મેળવી લે છે. પરંતુ ગામડામાં સ્ત્ર્રીઓ માટે આ ચાર દિવસ મહામુશ્કેલ બને છે. નાના સાંકડા બાથરૂમ હોય તો હોય નહીંતર નદી-કુવા પર ન્હાવા જવાનું હોય એવાં સંજોગોમાં તેઓ પોતાની પ્રાઇવસી તો નથી જ જાળવી શકતી પણ અંગત ભાગને સ્વચ્છ પણ નથી કરી શકતી. પરિણામે ઇન્ફ્ેકશન તથા અનેક રોગો જન્મે છે. ગામડામાં ૩૦ ટકાથી વધુ સ્ત્રીઓ મેન્સ્ટ્રુઅલ સંબંધી રોગોથી પીડાય છે. પછાત ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ સ્ત્ર્રીઓ કાપડનો યૂઝ કરે છે, જે બરાબર ધોવાતાં નથી અને શરમને કારણે અંધારામાં સૂકવાય છે. તડકામાં સૂકાયા વિનાનું કપડું રી-યૂઝ થવાથી સ્કીન અને મૂત્રમાર્ગના રોગો થાય છે. આ સમય દરમ્યાન થતી આભડછેડ અને અવગણનાને કારણે સ્ત્રી હતાશ અને દુઃખી બને છે. ધાર્મિક પ્રસંગો સાચવવા માટે પીરિયડ્સ લંબાવવા કે વહેલા લાવવા દેશી દવા-જડીબુટ્ટીનાં પ્રયોગો કરી કુદરતી સાયકલ સાથે ચેડા કરી શરીરને નુકસાન પહોંચાડે છે. જો, કે શહેરી સ્ત્ર્રીઓ પણ સારા પ્રસંગે પીરિયડ્સમાં ન થવાય એ માટે ગોળી લઇને હેલ્થ સાથે ચેડા કરે છે. કુદરતે દરેક સ્ત્ર્રીને ૨૮-૨૯ દિવસની સાઇકલ આપી છે. એને ખોરવવાનો પ્રયાસ એટલે અનેક હેલ્થ સંબંધી જોખમોનું આમંત્રણ. ગામડામાં સ્ત્રીઓને વધારે બ્લીડીંગ, પેટમાં દુઃખાવો કે નોશિયા થાય તો એને કુદરતી ગણી ઇગ્નોર કરાય છે. રસોઇમાં પગ ન મૂકાય પરંતુ વાસણ-કપડાં જેવા વધારાનાં કામો માસિકવાળી સ્ત્ર્રીઓ પાસે કરાવી લેવાય છે. તેઓને ગાદી કે પલંગની જગ્યાએ રેશમી કપડા પર નીચે સૂવા માટે ફ્રજ પાડવામાં આવે છે. શુભ કાર્યમાં એમનો પડછાયો પણ ર્વિજત છે. ટૂંકમાં શારીરિક અને માનસિક બંને પ્રકારનો ત્રાસ સ્ત્રીઓએ સહેવો પડે છે.

હા, છેલ્લાં પાંચેક વર્ષથી અનેક સામાજિક સંસ્થાઓએ સેનેટરી પેડ્સ માટેની મુવમેન્ટ ઉપાડી છે. સ્કૂલ-કોલેજો વગેરેમાં એ માટેનાં મશીન્સ મુકાયાં છે. દીકરીઓ માટે હેલ્થ-હાઇજીનનાં સેમીનાર થાય છે. ઘરે-ઘરે જઇને કાઉન્સેલીંગ કરાય છે. છતાં પરિણામ ધીમું છે. સેનેટરી નેપકીન્સ પણ પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. એને નાશ પામતાં વર્ષો લાગે છે. બાળવામાં આવે તો ધુમાડો હવાને પ્રદૂષિત કરે છે. તેથી હવે વિદેશની જેમ ભારતમાં પણ મેનસ્ટ્રુઅલ કપની ઝુંબેશ ઉપાડવી પડશે.

ખૂબ જ સામાન્ય દેખાતી આ કુદરતી પ્રક્રિયા સ્ત્ર્રીઓને શારીરિક માનસિક રીતે નુકસાનકારક ન નીવડે એવા પ્રયાસો દરેક સ્તરે થવા જોઇએ.

amitamehta11@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વાત એક મહોત્સવની..! appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/talk-one-mahotsav/
via Best Gujarati News

0 Comments