તમારી દરેક પ્રવૃત્તિની સફળતાના પાયામાં બીજાએ કરેલી મહેનત છે
લાઉડમાઉથ :- સૌરભ શાહ
આપણા માટે જે મોજશોખ અને મઝામસ્તીની પ્રવૃત્તિઓ છે તે બીજા કોઈના માટે નાઈન ટુ ફાઈવનું કામ છે, આજીવિકાનું સાધન છે. આટલું જો સમજી લઈએ તો મોજમઝા કરતી વખતે થોડી સભાનતા આવે અને આવી સભાનતા કેળવાય તો આપણે આપણી જાતને વધારે સારી રીતે સમજી શકીએ, આ દુનિયાને વધુ ઉપયોગી થઈ શકીએ.
વેકેશનમાં આરામ કરવા અને હેતુ વિના હરવાફરવા આપણે હોટેલમાં જઈને નિરાંત અનુભવીએ છીએ. પણ આપણને આ નિરાંત આપવા માટે બેલબોયથી લઈને મેનેજર સુધીના અને વેઈટરોથી લઈને રસોઈયાઓ સુધીના અનેક માણસોની ફોજ કડી મહેનત કરતી હોય છે. આપણને કુદરતી દૃશ્યોનો નઝારો દેખાડવા લઈ જતા ટેક્સી ડ્રાઈવર માટે એનું કામ એની આજીવિકા છે.
આપણે જે કંઈ લક્ઝરીઓ રોજિંદા જીવનમાં માણીએ છીએ તે કોઈકે પાડેલા પરસેવાનું પરિણામ છે. ચાહે એ કાર હો, એસી હો, બ્રાન્ડેડ કપડાં, મેકઅપ, પરફ્યુમ કે પછી મોંઘાં ઘડિયાળ, પર્સ કે પેન હો. આપણે આપણા શોખ પૂરા કરવા કે મોભો વધારવા માટે જે કંઈ ખરીદીએ છીએ કે જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ તેની પાછળ કોઈકની કડી મહેનત, કોઈકના પરસેવાની સુગંધ, કોઈકનો નિરંતર શ્રમ છે એવો વિચાર આપણને ભાગ્યે જ આવતો હોય છે.
આપણા મોજશોખની પ્રવૃત્તિઓને સંતોષવા માટે પણ કોઈકે ને કોઈકે કામ કરવું પડતું હોય છે, પરસેવો પાડવો પડતો હોય છે, દિવસરાત શ્રમ કરવો પડતો હોય છે.
મોજશોખની જ નહીં આપણી કોઈપણ સગવડ સાચવવા માટે કે આપણી દરેક જરૂરિયાતને સંતોષવા માટે કોઈકે ને કોઈકે પરસેવો પાડવો પડતો હોય છે. એ લોકો વિના ન તો આપણી જરૂરિયાતો સંતોષાય, ન આપણી સગવડો સચવાય, ન આપણા મોજશોખ પૂરા થાય. ઘરમાં રોટલીનો લોટ ભલે તમે જાતે બાંધતા હો અને રોટલી વણીને જાતે એને શેકતા હો પણ આ ઘઉં દળનારું કોઈક છે, તમારા માટે આડણી-વેલણ-તવી બનાવનારું કોક બીજું છે, તમારા ઘર સુધી ગેસ પહોંચાડનાર અને એને વેચનાર, એનું ઉત્પાદન કરનાર કોક છે અને સૌથી મહત્ત્વનું તો તમારા માટે અનાજ ઉગાડનાર કોક છે. કેટકેટલા લોકો તમારા માટે કામ કરે છે ત્યારે રોટલી તમારા ભાણાં સુધી આવે છે. આવું જ કપડાંની બાબતમાં અને આવું જ દરેકે દરેક બાબતમાં. આપણું જીવન કેટલી બધી વ્યક્તિઓ પર નિર્ભર છે. આવી સમજ આવ્યા પછી ‘હું કંઈક છું’ એવો તમારો અહંકાર ઓછો થઈ જવાનો. તમે જે કંઈ છો તે બીજાને કારણે છો એવું સમજાય એ જરૂરી છે. જેટલું જલદી સમજાય એટલું વધારે સારું.
જન્મથી મૃત્યુ સુધીની આપણી દરેક ક્ષણ કોઈક બીજાની મદદ વિના આપણું ધાર્યું પરિણામ લાવી શક્તી નથી. આપણો દૃઢ નિૃય આપણી મક્કમતા અને આપણી મહેનત પણ ત્યારે જ રંગ લાવે છે જ્યારે એમાં કોઈક બીજી (જાણીતી કે અજાણી) વ્યક્તિનાં નિૃય, મક્કમતા કે મહેનત એમાં ભળે છે. આસપાસના લોકો સાથે, આખી દુનિયા સાથે, સતત સંઘર્ષમાં ઉતારવાને બદલે એમની સાથે હળીમળીને રહેવા માટેનું આટલું કારણ પૂરતું છે.
એકલા રહીને આપણે કશું જ કરી શકતા નથી. સ્વ-નિર્ભર કે આત્મનિર્ભર કે સેલ્ફ સફિશ્યન્ટ જેવા શબ્દો બોલવામાં ઠીક છે અને સાંભળવા માટે સારા છે પણ આપણું સમગ્ર અસ્તિત્વ બીજા અનેક લોકોને આભારી છે. આપણે આપણી પોતાની ઈન્ડિવિજ્યુઆલિટી સાચવી રાખીએ કે આપણું આગવું વ્યક્તિત્વ ઊભું કરીએ અને બાકીના બીજા બધા જ લોકો કરતાં કંઈક જુદું કામ કરીએ, એમના કરતાં જુદા તરી આવીએ એ સારું જ છે. દરેકનો એ ધ્યેય હોવો જ જોઈએ. પણ એવા કોઈ અહંકારમાં રાચીને બીજાઓ માટે તુચ્છકાર કરતાં ન થઈ જઈએ કે મને કોઈનીય જરૂર નથી, મારા સિવાય બીજા બધાં જ મગતરાં છે. સ્વાભિમાન અને અભિમાન વચ્ચેનો જે તફાવત છે તે આ જ છે. સ્વાભિમાન એટલે પોતાના માટેનું, પોતાનાપણાનું, ગૌરવ અને અભિમાન એટલે બીજાઓ માટેનો તુચ્છકાર.
આપણી જિંદગી, બીજા અનેક લોકોની મહેનતને કારણે આગળ વધી રહી છે એવો અહેસાસ આપણને સતત કાર્યરત રહેવાની પ્રેરણા આપે છે. આપણને અંદાજ પણ નથી કે આપણે જ્યારે રોજના આઠ-દસ-બાર કલાક કામ કરીએ છીએ ત્યારે માત્ર કમાણી જ નથી કરતા, માત્ર આપણા કુટુંબીજનો કે આપણા આશ્રિતોની સુખાકારી માટે આજીવિકા જ નથી મેળવતા પણ બીજા કંઈ કેટલાય લોકોને આપણી આ રોજ રોજની પ્રવૃત્તિ દ્વારા સીધો યા આડકતરો ફાયદો થતો હોય છે. એમને થતા આ ફાયદાના બદલામાં તેઓ આપણને સીધી યા આડકતરી રીતે આશીર્વાદ આપતા હોય છે, જે રીતે રોટલી ખાઈને આપણે કોઈ અજાણ્યા ખેડૂતને અભાનપણે યાદ કરીને એનો આભાર માનીએ છીએ અને જ્યારે જ્યારે આપણે કામ કરવામાં આળસ કરીએ છીએ કે બેદરકારી દેખાડીએ છીએ ત્યારે આ ચક્ર ખોરવાઈ જાય છે. કોઈકને આપણા દ્વારા મળતો લાભ અટકી જાય છે. આને કારણે એનું જીવન જેટલે અંશે અસ્થિર બને છે એટલે અંશે અસ્થિરતાની અસર એના કામ પર પણ પડે છે અને આ અસર કોઈ ત્રીજા પર, પછી ચોથા પર, પાંચમા પર પડતી જાય છે. આપણું કામ, નિયમિત કામ આ દુનિયાને સરખી રીતે ચલાવવા માટે ખૂબ જરૂરી છે. આ દુનિયા ચલાવવામાં આપણો પણ ફાળો છે. આવી સભાનતા આવી ગયા પછી ક્યારેય કામ કરવાની આળસ નહીં આવે, ક્યારેય કામચોરી કરવાનું મન નહીં થાય અને ક્યારેય કામ કરતી વખતે દાનત ખોરી નહીં થાય.
સાયલન્સ પ્લીઝ!
દુનિયાનાં તમામ સુખ, તમામ આનંદ, તમામ ખુશીના બે જ પાયા છેઃ હિંમત અને કામ.
- બાલ્ઝાક
www.sacebook.com/Saurabh.a.shah
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તમારી દરેક પ્રવૃત્તિની સફળતાના પાયામાં બીજાએ કરેલી મહેનત છે appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/yours-every-activity/
via Best Gujarati News
0 Comments