તમને એ જાણીને નવાઈ લાગશે કે ચંદ્રની સપાટી સંકોચાઈ રહી છે અને અત્યાર સુધીમાં આશરે ૫૦ મીટર જેટલો સંકોચાઈ ગયો છે. એવું માનવામાં આવે છે કે ૪.૫ અબજ વર્ષ પહેલાં પૃથ્વીમાંથી છૂટા પડયા બાદ ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરી રહ્યો છે અને લાખો વર્ષોથી એ ઠંડો પણ થઈ રહ્યો છે અને આજે પણ આ પ્રક્રીયા ચાલી રહી છે.

નાસાના લ્યુનાર રેકોનેસાન્સ ઓર્બિટર (એલઆરઓ) દ્વારા  મોકલવામાં આવેલી તસવીરોથી એ સ્પષ્ટ થયું છે કે ચંદ્ર ધીમે  ધીમે સંકોચાઈ રહ્યો છે. જોકે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે  નજીકના લાખો વર્ષોમાં એ સંકોચાઈ નહીં જાય કારણ કે અબજો વર્ષોમાં એ માત્ર ૫૦ મીટર જેટલો જ સંકોચાયો છે.

એસ્ટ્રોનોટ્સે મૂક્યાં સિસ્મોગ્રાફ મશીન

છેલ્લા ૬૦ વર્ષથી ચંદ્ર વિશે અભ્યાસ કરવા માટે વિવિધ અભિયાનો હેઠળ અમેરિકા અને રશિયા દ્વારા અનેક યાન મોકલામાં આવ્યાં છે. અમેરિકાનાં એપોલો મિશનને એમાં સૌથી વધારે સફલતા મળી હતી અને ૫૦ વર્ષ પહેલાં ૧૯૬૯ના જુલાઈ મહિનામાં અમેરિકાનું એપોલો યાન ચંદ્રની ધરતી પર ઊતરવામાં કામિયાબ રહ્યું હતું. એપોલો યાન ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું અને માનવે એક વિરાટ પગલું ભર્યું હતું. આ યાને ચંદ્રની ધરતીમાં થતા કંપનને માપવા માટે સિસ્માગ્રાફ મશીનો અને સીસ્મોમીટર મશીન મૂક્યા હતા અને એના કારણે આપણને ચંદ્ર પર થતા કંપનોની જાણ થઈ છે.

છેલ્લા કેટલાંક વર્ષોમાં ચંદ્રની ધરતી પર આશરે ૩૫૦૦ નવા ફોલ્ટ કે ક્લિફ જોવા મળ્યા છે અને એ ત્યાં આવેલા ધરતીકંપના કારણે ઊજળા કે બ્રાઇટ દેખાય છે. ચંદ્ર પર ધરતીકંપ થાય છે જેને મૂનક્વેક્સ કહેવામાં આવે છે. ૨૦૧૦માં નાસાના વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે ચંદ્રની સપાટી  સંકોચાઈ રહી છે ત્યારે નવાઈ લાગતી હતી પણ હવે એ વાત  સાબિત થઈ છે કે છેલ્લા લાખો વર્ષોમાં ચંદ્રની સપાટી આશરે ૫૦  મીટર જેટલી સંકોચાઈ ગઈ છે.

૮ મૂનક્વેક્સ ટેક્ટોનિક એક્ટિવિટીના કારણે

વોશિંગ્ટનમાં આવેલા સ્મિથસોનિયન ઈન્સ્ટિટયૂશનની સેન્ટર ફોર અર્થ અન્ડ પ્લેનેટરી સ્ટડીઝ દ્વારા થોમસ વોટર્સના નેતૃત્ત્વમાં મૂનક્વેક્સ વિશે એક સ્ટડી હાથ ધરવામાં આવી હતી. અમેરિકાએ એપોલો મિશન હેઠળ એપોલો ૧૨,૧૪, ૧૫ અને ૧૬માં કંપનો માપવાના બીજા મશીનો પણ મૂક્યા હતા અને આ મશીનો ૧૯૭૭ સુધી કાર્યરત હતા. આ મશીનો દ્વારા ૧૯૬૯થી ૧૯૭૭ સુધીના સમયગાળામાં થયેલા કુલ ૨૮ મૂનક્વેક્સની જાણકારી મેળવવામાં આવી હતી. થોમસ વોટર્સની ટીમે આ ૨૮ મૂનક્વેક્સ પર સ્ટડી કરી હતી અને એમાં જાણવા મળ્યું હતું કે  ૮ મૂનક્વેક્સ ટેક્ટોનિક એક્ટિવિટીના કારણે થયા છે.

પૃથ્વી પર ટેક્ટોનિક પ્લેટ ખસવાથી જ્યારે ચંદ્ર પર ટેક્ટોનિક એક્ટિવિટીથી ધરતીકંપ થાય છે

ચંદ્ર સંકોચાઈ જવાના કારણો આપવામાં આવ્યાં છે. એમાં તેના પર થતા ધરતીકંપ અને તેની સપાટી તૂટી રહી છે એ મુખ્ય છે. પૃથ્વી પર જે ધરતીકંપ આવે છે એ પેટાળમાં રહેલી ટેક્ટોનિક પ્લેટ  ખસે છે એના કારણે આવે છે પણ ચંદ્રમાં આવી ટેક્ટોનિક પ્લેટ નથી એ છતાં ત્યાં ધરતીકંપ થાય છે.

ચંદ્રની ધરતી બટકણી છે અને એથી જ્યારે તેના પેટાળમાં રહેલો લાવા ઠંડો થાય છે ત્યારે ઉપરની સપાટી બટકણી હોવાથી તૂટી  જાય છે. બટકણી સપાટી તૂટવાના કારણે પગથિયાં જેવી ક્લીફ તૈયાર થાય છે જેને અંગ્રેજીમાં  સ્કાર્પ કેહવામાં આવે છે. આ સ્કાર્પ ૯ મીટર જેટલી લાંબો હોય છે અને દૂરથી જોતાં એવું લાગે છે ચંદ્રની સપાટી પર સીડી  મૂકવામાં આવી છે.

મંગળ પર પણ ધરતીકંપ આવે છે

અમેરિકામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વૈજ્ઞા।નિકોએ આ વર્ષે છઠ્ઠી એપ્રિલે મંગળની સપાટી પર ધરતીકંપની નોંધ કરી હતી. નાસાએ મંગળ ગ્રહ પર ૨૦૧૮ના મે મહિનાની પાંચમી તારીખે ધરતીકંપ વિશે સ્ટડી કરવા માટે ઈન્સાઇટ નામનો રોબોટિક પ્રોબ મોકલ્યો હતો. ૪૮.૩ કરોડ કિલોમીટરનો પ્રવાસ કરીને આ પ્રોબ ૨૬ નવેમ્બરે મંગળની સપાટી પર ઉતર્યો હતો. લોન્ચ સમયે એનું વજન ૬૯૪ કિલોગ્રામ હતું પણ લેન્ડિંગ બાદ એ ઘટીને ૩૫૮ કિલોગ્રામ રહ્યું હતું.

ગત છઠ્ઠી એપ્રિલે જ્યારે આ પ્રોબની કામગીરીના ૧૨૮ દિવસ પૂરા થયા હતા એ દિવસે કંપન માપકોમાં હલચલ દેખાઈ હતી અને એ ધરતી હલવાથી થઈ હતી. આ વિશે સ્ટડી ચાલી રહી છે. વિજ્ઞા।નીઓએ કહ્યું હતું કે આ કંપન ચંદ્ર પર થાય એવી હતી અને એ કંપનો હળવાં હતાં. ૧૪ માર્ચ, ૧૦ એપ્રિલ અને ૧૧ એપ્રિલે પણ મંગળની ધરતી પર કંપન નોંધાયા હતાં.

ચંદ્રનો ઉત્તર ધ્રુવ એક્ટિવ

આશરે ૧૨,૦૦૦  જેટલી તસવીરોનો સરવે કર્યા બાદ જાણકારી મળી છે કે ચંદ્રની  ધરતી પર ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે એવા મેર ફ્રીગોરિસ  બેસીન પાસે મોટા પ્રમાણમાં ક્લીફ ફોર્મ થવાની એક્ટિવિટી  વધારે દેખાઈ છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે આ  પોઇન્ટ જ્યોલોજિક્લ દૃષ્ટિએ નકામો છે પણ ત્યાં સૌથી વધારે  એક્ટિવિટી દેખાઈ છે.

નબળા હોય છે મૂનક્વેક્સ

પૃથ્વી પર આવતા ધરતીકંપની સરખામણીમાં ચંદ્ર પરના ધરતીકંપ પ્રમાણમાં હળવા હોય છે. ચંદ્ર પર ખૂબ મોટો મૂનક્વેક આવે તો પણ એ પૃથ્વીની સરખામણીમાં હળવો હોય છે. ક્યારેક આ મૂનક્વેક એક કલાક સુધી ચંદ્રની સપાટીને ધણધણાવે છે. ચંદ્ર પર આવેલા એક મૂનક્વેકનું કેન્દ્ર  સપાટીથી ૭૦૦ કિમી ઊંડાઈએ હતું. બીજી તરફ બે અઠવાડિયાની લ્યૂનાર નાઇટ બાદ ચંદ્રની સપાટી સૂર્યપ્રકાશથી તપે ત્યારે થર્મલ મૂનક્વેક આવે છે.

દ્રાક્ષની જેમ સંકોચાય

દ્રાક્ષ જેમ જેમ સૂકી થાય એમ એમ તેનું ઉપરનું પડ સંકોચાઈ જાય છે  અને આખી દ્રાક્ષ સૂકાઈ જાય ત્યારે તેમાંથી કિસમિસ બને છે. આ કિશમિશની સાઈઝ મૂળ દ્રાક્ષ કરતાં ઘટી જાય છે. દ્રાક્ષ સૂકાય એમ તેના પડ પર કરચલી પડે  છે પણ ચંદ્રની ધરતી બટકણી હોવાથી એ તૂટી જાય છે અને એથી  એના પર ક્લીફ આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જાણીને નવાઈ લાગશે અત્યાર સુધીમાં ચંદ્ર 50 મીટર જેટલો સંકોચાઈ ગયો appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/chandra-shrinking-is-is/
via Best Gujarati News

0 Comments