જેટનાં કર્મચારીઓની નરેશ ગોયલ, CEO સામે FIR કરવાની માગણી
। નવી દિલ્હી ।
નાણાભીડમાં સપડાયેલી અને નાદારીનાં આરે આવીને ઊભેલી એરલાઇન્સ જેટ એરવેઝની નાણાકીય કટોકટી શુક્રવાર અને શનિવારે વધુ વણસી હતી. હાલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને અન્ય બેન્કોનું કોન્સોર્શિયમ જેટ એરવેઝનું સંચાલન કરી રહ્યું છે. બેન્કોએ હાલ તુરત કંપનીને વચગાળાનું રૂ. ૧,૫૦૦ કરોડનું ફંડ આપવા ઇનકાર કર્યો છે તેથી જો સોમવાર સુધીમાં કાર્યકારી મૂડી નહીં મળે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને કંપનીને ગમે ત્યારે તાળાં લાગી શકે છે. નાગરિક ઉડ્ડયન સચિવ ખરોલાનાં જણાવ્યા મુજબ વચગાળાનાં ફંડ માટે બેન્કોએ જેટ એરવેઝને તેની લોન અને દેવા ચુકવણીની દરખાસ્ત નવેસરથી મોકલવા કહેવાયું છે. જેટ એરવેઝ દ્વારા ફરી સોમવારે વચગાળાનું ફંડ મેળવવા બેઠક યોજાશે. બેન્કોનાં પ્રતિભાવ પછી એરવેઝની કામગીરી અંગે ભાવી વ્યૂહ ઘડાશે. સોમવાર બપોર સુધી ૬થી૭ વિમાનો જ ઉડ્ડયન કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
નરેશ ગોયલ, સીઈઓ અને સ્ટેટ બેન્કનાં ચેરમેન સામે FIRની માગણી
કંપનીએ ડિસેમ્બરથી તેનાં ૨૨,૦૦૦ કર્મચારીઓને પગાર ચૂકવ્યો નથી. આથી પાઇલટ સહિત હજારો કર્મચારીઓએ હડતાલ પણ યોજી હતી. કંપનીએ લીઝ પર લીધેલા વિમાનોનું ભાડું પણ ચૂકવ્યું નથી. આથી કંપનીનાં કર્મચારીઓએ જેટ એરવેઝનાં સ્થાપક અને પૂર્વ ચેરમેન નરેશ ગોયલ તેમજ સીઈઓ વિનય દુબે અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં ચેરમેન રજનીશકુમાર સામે FIR દાખલ કરવાની માગણી કરી છે. મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓને કોઈ જવાબ અપાતો નથી. જેટનાં ઓલ ઈન્ડિયા ઓફિસર્સ એન્ડ સ્ટાફ એસોસિયેશનનાં પ્રમુખ કિરણ પાસવકરે સહાર પોલીસસ્ટેશનમાં કંપની અને તેનાં સંચાલકો સામે પગાર નહીં મળવાની ફરિયાદ કરી છે. કર્મચારીઓને ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીનું વેતન મળ્યું નથી.
જેટ એરવેઝનાં શેર ખરીદવા નરેશ ગોયલ. એતિહાદ, એર કેનેડા સહિત ૭નાં બિડ
સ્ટેટ બેન્કનાં વડપણ હેઠળ બેન્કોનાં કોન્સોર્શિયમ દ્વારા શુક્રવાર સુધીમાં બિડ મગાવવામાં આવ્યા હતા. જેમાં કંપનીનાં પૂર્વ ચેરમેન અને સ્થાપક નરેશ ગોયલ ઉપરાંત યુએઈની એરલાઇન્સ એતિહાદ એરવેઝ અને એર કેનેડા ઉપરાંત અન્ય ૪ કંપનીએ બિડ રજૂ કર્યું છે. અન્ય બિડર્સમાં કેલિફોર્નિયાની ઇન્વેસ્ટમેન્ટ કંપની ટીપીડી, ફીનિક્સની પ્રાઇવેટ ઇક્વિટી કંપની ઈન્ડિગો પાર્ટનર્સ, રેડક્લિફ અને થિન્ક ઇક્વિટી તેમજ જેટનાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સામેલ છે. એતિહાદ જેટમાં તેનો હિસ્સો ૨૪ ટકાથી વધારીને ૪૯ ટકા કરવા માગે છે. નરેશ ગોયલ હાલ જેટ એરવેઝમાં ૫૦.૧ ટકા હિસ્સો ધરાવે છે જેમાંથી મોટાભાગનો હિસ્સો તેમણે બેન્કોને લોન સામે ગીરો મૂક્યો છે. ગયા મહિને ગોયલે જેટમાં તેમનો ઇક્વિટી હિસ્સો ઘટાડીને ૨૫.૫ ટકા કરવા તૈયારી દર્શાવી હતી. બેન્કોએ શેર ઘટાડવાની શરતે જેટને વચગાળાનું રૂ. ૧,૫૦૦ કરોડનું ફંડ આપવા તૈયારી દર્શાવી હતી.
વચગાળાનું ફંડ અને ફ્લાઇંગ લાઇસન્સ ન મળે તો તાળાં લાગશે
એરલાઇન્સને એક વર્ષ પૂરું થાય ત્યારે તેનાં વિમાનનાં કાફલામાં ઓછામાં ઓછા ૫ વિમાન હોવા જોઈએ તે અનિવાર્ય નિયમ છે. ૨૬ વર્ષ જૂની જેટ સોમવારે ફરી તેનું ફ્લાઇંગ લાઇસન્સ મેળવવા અરજી કરશે અને સંચાલકો બેન્કોને ર્જીંજી મોકલશે. જો લાઇસન્સ અને વચગાળાનાં ફંડ પેટે રૂ. ૧,૫૦૦ કરોડ નહીં મળે તો જેટ એરવેઝને ગમે ત્યારે તાળાં લાગી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જેટનાં કર્મચારીઓની નરેશ ગોયલ, CEO સામે FIR કરવાની માગણી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/jets-employees-naresh/
via Best Gujarati News
0 Comments