અ’વાદ: ખાનગી ચેનલની ડિબેટમાં અપશબ્દો બોલતા થયું કંઇક એવું કે… બોલાવવી પડી પોલીસ!
શહેરના રિવરફ્રન્ટ ઉપર રવિવારે રાત્રે ખાનગી ચેનલ દ્વારા રાખવામાં આવેલ ડિબેટના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ માટે અપશબ્દો બોલાતા મામલો બિચક્યો હતો. આ વખતે સામે પક્ષે પણ બીજેપીના વરિષ્ઠ નેતાઓ સામે નારા બાજી લગાવતા વાતાવરણ તંગ બની ગયુ હતું.
ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલના કમાન્ડો અને કાર્યકર્તા સામ સામે આવી ગયા હતા અને એક તબક્કે ખુલ્લા હાથની મારામારી થઇ હતી. જેના લીધે આખી ડિબેટ રદ કરવી પડી હતી આ વાતની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓ તાબડતોડ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન આવી પહોચ્યા હતા. બંને પક્ષે સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છતાં બંને પક્ષે કોઇ માન્યું નહોતું.આખરે પોલીસે ભાજપના મહિલા મોરચાના પ્રમુખની ફરિયાદ પાંચ અજાણ્યા શખ્સો સામે લીધી હતી.
જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસને આજીજી કરવી પડી હતી. ભાજપ અને કોંગ્રસની મહિલાઓએ સામસામી મારામારી અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી, ઋત્વિજ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી રાજુ પરમાર,શૈલેષ પરમાર અને ઈમરાન ખેડાવાલાએ બંને પક્ષના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ઋત્વિજ પટેલે લોકોને ઉશ્કેર્યા હતા અને તેના કમાન્ડોએ કોંગ્રેસના કાર્યકરો ઉપર હુમલો કરતાં મામલો બિચક્યો હતો.
કેવી રીતે મામલો બિચક્યો
રિવરફ્રન્ટ પર ખાનગી ચેનલની ડિબેટનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે ભાજપની એક મહિલાએ કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સામે ગંભીર અપશબ્દો બોલ્યા હતા જેનો કોગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો અને ભાજપના નેતાઓ સામે નારા બાજી કરી હતી. આ વખતે પૂર્વ મેયરના પુત્રએ ઉગ્ર સ્વરે બોલવાનુ ચાલુ કરી કોગ્રેસના કાર્યકરોને ઉશ્કેર્યા હતા.
તે સમયે ચેનલના એન્કરે લોકોને શાંત થવા અપીલ કરી પણ મામલો શાંત થવાની જગ્યાએ ખુલ્લા હાથની મારા મારી સુધી પહોચી ગયો હતો. એક તબક્કે ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલને કોંગ્રેંસના કાર્યકરોએ ખેંચવાનો પ્રયાસ કર્તા તેના કમાન્ડોએ વચ્ચે પડી ઋત્વીજને બચાવ્યો હતો અને કોગ્રેસના કાર્યકરો સાથે ઝપાઝપી થઇ હતી.
મહિલા PSને બક્કલ પટ્ટા ઉતારવાની ધમકી
ભાજપ અને કોગ્રેસેના કાર્યકરો ખુલ્લા હાથની મારા મારી કરતા હતા તે સમયે મહિલા પીએસઆઇ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને બંને પક્ષે હળવો લાઠી ચાર્જ કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભાજપના એક નેતાએ મહિલા પીએસઆઇને ધમકી આપી હતી કે, તમારુ આ વલણ યોગ્ય નથી હું તમારા બક્કલ પટ્ટા ઉતારી દેવડાવીશ. જોકે મહિલા પીએસઆઇએ કોઇ પ્રતિક્રીયા આપી ન હતી. આ બાબતે ઊચ્ચ અધિકારી કંઈ બોલવા તૈયાર નથી.
પોલીસ સ્ટેશનમાં ભારે સૂત્રોચ્ચાર થયાં
કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ખુલ્લા હાથની મારામારી થતાં ડિબેટ રદ કરવી પડી હતી. જેવી ડિબેટ રદ થવાની જાહેરાત થતાં બંને પક્ષે સુત્રોચ્ચારો ચાલુ કરી સામ સામે આવી ગયા હતા અને છુટ્ટા હાથની મારામારી થતાં નાસભાગ મચી ગઇ હતી. રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં એક તબક્કે બંને પક્ષના કાર્યકરોએ હાય હાયના સૂત્રોચ્ચાર પોકારી વાતાવરણ તંગ કરી દેતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા.
કોંગ્રેસ અને ભાજપના નેતાઓને પોલીસને કહેવું પડયું હતું કે, કાર્યકરોને શાંત કરો પરંતુ, બંને પક્ષે કાર્યકરો શાંત રહેવા તૈયાર ન થતાં અને નેતાઓની સામે જ છૂટ્ટા હાથની મારારમારી કરી દીધી હતી. બંને પક્ષે ફરિયાદ દાખલ કરતાં નેતાઓ પોલીસ મથકમાં ગુફતેગો કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અ’વાદ: ખાનગી ચેનલની ડિબેટમાં અપશબ્દો બોલતા થયું કંઇક એવું કે… બોલાવવી પડી પોલીસ! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-blows-loose-hand-between-bjp-and-congress-workers/
via Best Gujarati News
0 Comments