ગરીબોનાં પૈસા પર કોઈનો ‘પંજો’ નહીં પડવા દઉં : મોદી
। નવી દિલ્હી ।
પીએમ મોદીએ રવિવારે મૈં ભી ચૌકીદાર ઝુંબેશ હેઠળ તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી દેશમાં ૫૦૦ સ્થળે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું કે મારા માટે દેશ અને સવાસો કરોડ ભારતીયો સૌથી પહેલા છે. દેશનાં લોકો ટેક્સ ભરે છે અને જુદીજુદી રીતે પૈસા ચૂકવે છે ટેક્સનાં આ પૈસા પર ગરીબોનો હક છે. દેશનાં લોકો અને ગરીબોનાં આ પૈસા પર હું કોઈનો પંજો પડવા નહીં દઉં. હું તેની ચોકીદારી કરતો રહીશ. દેશ માટે કઈંક કરી છૂટવાની ભાવના રાખનાર તેમજ રાષ્ટ્ર સન્માનમાં પોતાનું ગૌૈરવ અનુભવતા લાખો લોકોને ટેક્નોલોજીનાં માધ્યમથી મળવાનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે. મોદીએ કટાક્ષમાં કહ્યું કે કેટલાક લોકોની શોચ ચોકીદાર એટલે હાથમાં ડંડો, માથામાં ટોપી અને સીટીની છે પણ ચોકીદાર બનવું એ પણ એક સ્પિરિટ છે. હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણી મારા માટે પ્રાથમિકતા છે.
મોદીએ આગામી ચૂંટણીમાં ભાજપ સરકારને શા માટે મત આપીને ચૂંટી કાઢવી તે જણાવ્યું હતું તેમણે નવી ભાજપ સરકાર કેન્દ્રમાં રચાય તો તેમનાં પાંચ વર્ષની યોજનાનો પ્લાન રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, અગાઉ જે ખાડા પડયા છે તે અમે પૂરીશું. ભ્રષ્ટાચારીઓ સામે સખત પગલાં લઈશું. દેશને પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવીશું. આવનારા પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરીશું. દેશનો વિકાસ કરીશું. દેશનાં શિક્ષણને ગ્લોબલ બેન્ચમાર્ક બનાવીશું.
દેશનાં દરેક શખ્સમાં એક ચોકીદાર છે
મોદીએ કહ્યું કે મૈં ભી ચૌકીદાર ઝુંબેશ મહાત્મા ગાંધીની ટ્રસ્ટીશિપનાં સિદ્ધાંત પર આધારિત છે. ચોકીદાર એક સ્પિરિટ છે જે દેશનાં દરેક શખ્સમાં છે. દેશનાં દરેક ભણેલા-ગણેલા, અભણ, ખેડૂતો, મજૂરો, નોકરિયાતોથી લઈને દેશનો દરેક નાગરિક ચોકીદાર છે. હવે જ્યારે બધા ચોકીદાર હોય તો ચોર ક્યાંથી બચશે?
કેટલાકે ‘સાબુ’નો ઉપયોગ કરવાની જરૂર
મોદીએ મિશન શક્તિ મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. જ્યારે અમેરિકા, ચીન અને રશિયાએ ડંકે કી ચોટ પર તેની સિદ્ધિઓ જાહેર કરી હોય તો આપણે શા માટે છુપાવવી જોઈએ? આપણા વૈજ્ઞાનિકોની આ મહત્ત્વની સિદ્ધિ છે. કેટલાક બુદ્ધિમાનો કહે છે કે આને સિક્રેટ રાખવું જોઈએ. કેટલાક લોકોએ ‘સાબુ’ એટલે કે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે. આપણે જે કંઈ કર્યું છે તે દેશની સુરક્ષા માટે કર્યું છે અને કરતા રહીશું.
જેમણે દેશને લૂંટયો છે તેમણે પાઈ પાઈ ચૂકવવી પડશે
ટેક્સ પેયર્સ ગરીબોની સેવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે જે લોકો ખોટું કરે છે તેઓ કોઈપણ હાલતમાં બચવા જોઈએ નહીં. જેમણે દેશને લૂંટયો છે તેમણે પાઈ પાઈ ચૂકવવી પડશે. ૨૦૧૪ પછી લોકોની મદદથી ચોકીદાર લૂંટારાને જેલનાં દરવાજા સુધી લઈ ગયો છે.
બાલાકોટ જવાનોનું પરાક્રમ છે
મુંબઈના એક શખ્સે બાલાકોટ એર સ્ટ્રાઇક મુદ્દે પ્રશ્ન પૂછયો ત્યારે મોદીએ કહ્યું કે, એર સ્ટ્રાઇકનો નિર્ણય લેતી વખતે મેં મારા રાજકીય ભવિષ્ય માટે વિચાર્યું ન હતું. બાલાકોટ મારું નહીં પણ દેશનાં જવાનોનું પરાક્રમ છે. આપણા સૌના તરફથી તેમને સો સો સલામ છે. મારા માટે દેશ સૌથી સર્વોપરી છે. જો રાજકીય લાભ કે નફો-નુકસાન જોઈને દેશ ચલાવવો હોત તો મારે પીએમ બનવાની કોઈ જરૂર નહોતી. મને સેના પર ભરોંસો હતો. આપણે આતંકવાદના મૂળનો જ નાશ કરવો છે જેથી ફરી બેઠો ન થાય. પાક. ને આ બધું અત્યારે છુપાવવું પડે છે પણ દેશમાં કેટલાક લોકો મને ગાળો આપે છે. તેમનાં નિવેદનો પાકિસ્તાનને મદદ કરે છે.
ટીકાકારોએ મને લોકપ્રિય બનાવ્યો
૨૦૧૩-૧૪માં દેશ માટે હું બહુ નવો હતો મારા ટીકાકારોએ મને લોકપ્રિય બનાવ્યો. લોકોએ મને જવાબદારી સોંપી જે મેં સારી રીતે નિભાવી છે. લોકોએ મને દિલ્હીનું દાયિત્વ સોંપ્યું ત્યારે જ લોકોને કહ્યું હતું કે આપ સૌ સમજી લો કે દિલ્હીમાં તમે એક ચોકીદારને બેસાડયો છે.
કેટલાક દેશને તેમની પૈતૃક સંપત્તિ સમજે છે
દેશમાં કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ દેશ, સરકાર અને રાજઘરાના તેમની પૈતૃક સંપત્તિ છે. એક ચાવાળો આવીને પીએમની ખુરશી પર બેસી ગયો તે તેઓ પચાવી શકતા નથી. કોગ્રેસનાં લોકો સિઝન મુજબ જુઠ્ઠાણાં ચલાવે છે અને પછી નાસી જાય છે.
મોદીનાં મહત્ત્વનાં ઉચ્ચારણો
- અમે સૌથી પહેલા ડો. બાબાસાહેબ આંબેડકરનું સન્માન કર્યું.
- ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવા સંસદમાં બિલ લાવ્યા.
- સામાન્ય વર્ગનાં ગરીબો માટે અમે ૧૦ ટકા અનામત લાવ્યા.
- હવે બીજા દેશો આપણી તરફ સન્માનથી જોવા લાગ્યા છે. સમગ્ર વિશ્વ આપણી નોંધ લે છે.
- આપણે ભારત-પાકિસ્તાન કરવામાં જ સમય વિતાવ્યો. પાકિસ્તાન પોતાની મોત મરશે. આપણે આગળ વધવાનું છે, પ્રગતિ કરવાની છે.
- દેશ વિકાસ કરશે તેવો અહેસાસ હવે લોકોને થઈ રહ્યો છે.
- ૨૦૧૪માં દેશની ઇકોનોમી વિશ્વમાં ૧૧મા સ્થાને હતી અમે કોઈ ઢોલ નથી પીટયો. આજે આપણે ૬ઠ્ઠા નંબરે છીએ.
- કેટલાક કૌભાંડીઓ વિદેશમાં ભાગી ગયા પછી હવે દેશમાં આવતા ગભરાય છે. તેઓ ભારતમાં સારી જેલમાં રહેવા માગે છે. આપણે તેમને મહેલ આપી શકીએ નહીં.
- દુનિયામાં કોઈ નેતા મારી સાથે હાલ મિલાવે કે ગળે લગાવે ત્યારે તેમને મોદી નહીં પણ પૂર્ણ બહુમતીવાળી સરકાર અને ભારતમાં સવા સો કરોડ દેશવાસીઓ દેખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ગરીબોનાં પૈસા પર કોઈનો ‘પંજો’ નહીં પડવા દઉં : મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/poor-money-on-someone-p/
via Best Gujarati News
0 Comments