બનિહાલમાં સીઆરપીએફના કાફલાની પાસે થયેલા કાર બ્લાસ્ટમાં સામેલ આતંકીની ઓળખ થઇ ગઇ છે. તપાસમાં લાગેલી જમ્મુ કાશ્મીર પોલીસને એક સુસાઇડ નોટ મળી છે જેમાં શખ્સે પોતાનું નામ ઓવૈસ અમીન જણાવ્યું છે. જો કે બ્લાસ્ટના થોડાંક સમય પહેલાં જ તેમણે પોતાને ઉડાવાનો પ્લાન ત્યાગી દીધો હતો અને તે ગાડીને ત્યાં છોડીને ભાગી ગયો. આપને જણાવી દઇએ કે 30મી માર્ચના રોજ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવની પાસે એક કારમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો હતો. તે સમયે ત્યાંથી સીઆરપીએફનો કાફલો પણ પસાર થઇ રહ્યો હતો. આ બ્લાસ્ટથી પુલવામા આતંકી હુમલાની યાદ તાજી કરાવી દીધી હતી, તેમાં 40 જવાન શહીદ થયા હતા.

ભારતથી બદલો લેવાનો હતો હેતુ
જમ્મુ-કાશ્મીરની પોલીસના મતે સુસાઇડ નોટ બે પાનાની છે. તેમાં લખ્યું છે કે ‘ભારત’ (જેનો મતલબ ભારત દેશથી હોઇ શકે છે) એ કાશ્મીર પર અત્યાચાર કર્યો છે, તેનો તે બદલો લેવા માંગે છે. તેના માટે પોતાને દારૂગોળાની સાથે ઉડાવાનો પ્લાન બનાવ્યો હતો.

પેલેટ ગનથી ઘાયલ બાળકીનો પણ ઉલ્લેખ
પત્રમાં પથ્થરબાજોની વિરૂદ્ધ ઉપયોગ થનાર પેલેટ ગનનો પણ ઉલ્લેખ છે. બાળકી હિબા નિસારનું નામ પણ છે. પેલેટ ગનના લીધે 18 મહિનાની આ બાળકીની એક આંખની રોશની જતી રહી હતી. જો કે હીબાના ઘરની પાસે કોઇ પ્રદર્શન થઇ રહ્યું હતું, તેના લીધે આ માસૂમને કોઇ જ લેવા દેવા નહોતી. પરંતુ પ્રદર્શનકારીઓ પર ચલાવામાં આવેલી પેલેટે હિબાને પણ પોતાનું નિશાન બનાવી લીધું.

આ સિવાય કાશ્મીરી ટીચર રિજવાન અસદ પંડિતનો પણ ઉલ્લેખ છે જે કથિત રીતે પોલીસ કસ્ટડીમાં મરી ગયો હતો. આ અંગે અગ્રણી દૈનિક અંગ્રેજી અખબારને મળેલ સુસાઇડ લેટર મુજબ તેમાં લખ્યું હતું કે મેં વિચારી લીધું છે કે હું મારી જાતને દારૂગોળાથી ઉડાડીને એ ભારતીયો પાસેથી તમામ અત્યાચારોનો બદલો લઇશ.

જન્નતમાં મજા કરીશું
પત્ર અહીં ખત્મ થતો નથી આગળ લખ્યું હતું કે જ્યાં સુધીમાં તમને લોકોને આ પત્ર મળશે ત્યાં સુધીમાં તો હું અલ્લાહની જન્નતમાં મજા કરતો હોઇશ. આગળ લખ્યું કે જો ભારત કાશ્મીરને સ્વતંત્રતાથી તેનો ભવિષ્ય નક્કી કરવા દે તો તે આ પગલું ઉઠાવા માટે મજબૂર ના થાત.

મળ્યો જૂનો ક્રિમિનલ રેકોર્ડ
ઓવૈસનો જૂનો ક્રિમિનલ રેકોર્ડ પણ મળી ગયો છે. પોલીસ રેકોર્ડના મતે ઓવૈસ અહમદ મલિક સી કેટેગરીનો આતંકી છે. તેના પિતાનું નામ યુસુફ મલિક છે. તેણે 5 એપ્રિલ 2018ના રોજ હિઝબુલ મુઝાહિદ્દીન જોઇન કર્યું હતું. પોલીસ અને એનઆઇએની તપાસમાં લાગી ગયા છે કે સેન્ટ્રો કારમાં વિસ્ફોટ કરાયો હતો. કારનું એન્જિન અને ચેસિસ નંબર પણ મળતો આવતો નથી આથી કાર ચોરીની હોવાની આશંકા છે. હાલ કેસની તપાસ આગળ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બનિહાલ: ‘પુલવામા-2’ની આતંકીએ કરી હતી ભયંકર તૈયારી, આ લેટર બોમ્બથી થયો ધડાકો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/banihal-attack-suicide-note-found-in-jammu-kashmir/
via Best Gujarati News