તત્ ત્વમ્ અસિ એટલે શું?
દૂધનું દૂધ, પાણીનું પાણી :- રમેશ ઓઝા
આ એક મીઠી મૂંઝવણ છે.
ઉપનિષદ અમૃતસાગર છે. એટલે એમાંથી શું લેવું અને શું ન લેવું એ સવાલ મૂંઝવે એવો છે. કુલ ઉપનિષદ ૧૦૮ છે. એમાંથી ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મૂંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક એમ દશ ઉપનિષદોને મુખ્ય માનવામાં આવે છે. કેટલાક શ્વેતાશ્વેતરોપનિષદને જોડીને ૧૧ ઉપનિષદોને મુખ્ય ગણાવે છે તો વિનોબા ભાવે આ અગિયાર ઉપરાંત કૌષીતકિ, મૈત્રાયણ્યુપનિષદ, નારાયણોપનિષદ, જાબાલોપનિષદ, આરુણિકોપનિષદ, કૈવલ્યોપનિષદ, બ્રહ્મબિંદુપનિષદને ઉમેરીને ૧૮ ઉપનિષદોને મહત્ત્વનાં ગણાવે છે. પહેલાં ૧૧ અગિયાર ઉપનિષદો એટલાં જાણીતાં છે કે તેનાં નામ તમે અવશ્ય સાંભળ્યાં હશે.
સનાતનીઓના અભિપ્રાયને છોડી દો તો ઉપનિષદોને લગતા જે બે-ચાર અભિપ્રાયો વિશે વિદ્વાનોમાં લગભગ એકમત છે એ અહીં ટાંકવા જોઈએ.
૧. એમ કહેવાય છે કે આ ઉપનિષદો વેદોની પ્રારંભિક સંહિતાઓ લખાઈ એ પછીનાં ૫૦૦ વરસના અરસામાં લખાયાં હશે.
૨. જેમ જેમ સમય વીતતો ગયો એમ વેદચિંતન ગહન બનતું ગયું અને ઉપનિષદોમાં તે નવી ઊંચાઈ પામતું ગયું. અઢી ત્રણ હજાર વરસ પહેલાં એ ઊંચાઈએ ફ્રકતો આત્મજ્ઞાનનો ધ્વજ આજે પણ એ જ ઊંચાઈએ જરા પણ નિસ્તેજ થયા વિના ફ્રકે છે.
૩. પૂર્વ વૈદિક યુગમાં પ્રજા પૂજા-પાઠ, કર્મકાંડ, યાચનાઓમાં ગ્રસ્ત થવા માંડી હતી અને અધિકાર-અનધિકારના ભેદ પડવા લાગ્યા હતા એટલે સમાજને પાછો સાચે માર્ગે વાળવા ઉપનિષદ લખાયાં હતાં. આ દ્રષ્ટિએ ઉપનિષદો સામાજિક પ્રબોધન અને સુધારાઓ માટે લખાયેલાં ગ્રંથ છે.
૪. ઉપનિષદોના ઋષિઓ અને પાછળથી શ્રમણ ધર્મના અર્હંતો તરીકે સ્થાપિત થયેલા માનવતાવાદી વિચારકો સમકાલીન હતા અને બંનેનો ઉદ્દેશ ધાર્મિક-સામાજિક-વૈચારિક ગતિરોધ દૂર કરવાનો હતો.
૫. આત્મસંશોધન (સેલ્ફ કરેકશન)ની પ્રક્રિયા ભારતમાં પ્રાચીનયુગથી છે.
ઉપનિષદો વિશે વિદ્વાનોના જે પાંચ અભિપ્રાય અહીં આપ્યા છે, એમાં કેટલીક ધારણાઓ છે, અભિપ્રાયો છે, પરંતુ બીજો મુદ્દો નક્કર વાસ્તવિકતા છે. વ્યષ્ટિ અને સમષ્ટિ વિશે વિચારતાં વિચારતાં માનવચિત્તે જે ઊંચાઈ પ્રાપ્ત કરી છે એ ઉપનિષદોમાં પરિણમી છે. બૃહદકારણ્યકોપનિષદમાં ઋષિ કહે છે,
अत्र पिता अपिता भवति, माता अमाता
I देवो अदेवा: I वेदा अवेदा:(બૃહદ. ૧૦૨) શું કહે છે?
મનુષ્ય જ્યારે ઊંચાઈને પ્રાપ્ત કરી લે છે ત્યારે પિતા પિતા નહીં રહે, માતા માતા નહીં રહે, દેવ દેવ નહીં રહે અને એના વેદ વેદ નહીં રહે. આ બધું જ પોતાનામાં આત્મસાત્ થઈ ગયું અને વેદો સહિતના અવલંબનો ખરી પડયાં. વેદ પોતાને અવલંબન તરીકે ઓળખાવે છે અને આત્માનુભૂતિ પછી પોતાને ખરી પડવા જોગ એટલે કે અપ્રાસંગિક ગણાવે છે એ ઓછી હિંમત કહેવાય?
આવું ખુલ્લાપણું અને મોકળાશ વેદોના સમયથી ચાલી આવે છે અને આપણે તેના માટે સકારણ ગર્વ લઈ શકીએ એવા વારસ છીએ.
પ્રારંભમાં જ કહ્યું એમ ઉપનિષદો વિશે લખતાં મારા મનમાં મૂંઝવણ હતી કે શું લઉં અને શું છોડું. વિનોબાએ જે ૧૮ ઉપનિષદોને મહત્ત્વનાં ગણાવ્યાં છે તેના મંત્રોની સંખ્યા ૭૩૬ થાય છે. એ મંત્રોમાંથી છોડી જ ન શકાય એવા મંત્રોની યાદી બનાવી તો ૭૦ કરતાં વધુ થાય છે. પછી વિચાર કર્યો કે ઉપનિષદોના આચમન તરીકે માત્ર મહાવાક્યોની વાત કરવી. ઉપનિષદોમાં આખા મંત્રો નહીં, પણ બબ્બે શબ્દોના મુખ્યત્વે પાંચ મહાવાક્યો છે. સંધી છૂટી પાડો તો ચાર શબ્દો થાય. આ મહાવાક્યો ખરેખર મહાવાક્યો છે અને જો તેનું ભાષ્ય કરવામાં આવે તો એક એક પર એક એક પુસ્તક થાય અને થયાં પણ છે.
પહેલું મહાવાક્ય એતરેયોપનિષદનું છે – प्रज्ञानं ब्रह्म જેનો અર્થ થાય છે, ‘પ્રજ્ઞાનરૂપ બ્રહ્મ.’
પ્રજ્ઞાનનો અર્થ સમજાવતા ઋષિ કહે છે કે, “જેનાથી મનુષ્ય જુએ છે, સાંભળે છે, સૂંઘે છે, બોલે છે, સ્વાદ-આસ્વાદનો ભેદ કરી શકે છે, જે હૃદય અને મન છે, જેના દ્વારા મનુષ્ય સંકલન-આકલન કરે છે, મનુષ્યમાં રહેલી વિશ્લેષણ શક્તિ, પ્રજ્ઞા, મેધા, દ્રષ્ટિ, મનન શક્તિ, વિવેક, પ્રેરણા, સ્મૃતિ સંકલ્પ, કર્મ-નિર્ણય, પ્રાણવૃત્તિ, કામના, સ્વાધીનતા એ બધાં પ્રજ્ઞાનનાં નામ છે.
બીજું મહાવાક્ય માંડૂક્ય ઉપનિષદનું છે – अयमात्मा ब्रह्म જેનો અર્થ થાય છે, ‘આ આત્મા બ્રહ્મ છે.’
ઋષિ સમજાવે છે. આ સર્વ બ્રહ્મ છે. આ આત્મા બ્રહ્મ છે. એ આત્મા (વિશ્વ, તેજસ, પ્રાજ્ઞા, તુરીય ) એમ ચતુષ્પાદ છે.
ત્રીજું મહાવાક્ય બૃહદારણ્યકોપનિષદનું છે – अहं ब्रह्मा स्मि, જેનો અર્થ થાય છે, ‘હું બ્રહ્મ છું.’
આ મંત્રની સમજ આપતા ઋષિ કહે છે, પહેલા માત્ર બ્રહ્મ જ હતું, બીજું કાંઈ નહોતું. એ પછી હું બ્રહ્મ છું એ રીતે મેં મારી જાતને ઓળખી અને બધું ‘સર્વ’ થઈ ગયું. દેવોમાં જેને જેને આ સમજાયું એ તદ્રુપ થઈ ગયા. જે ઋષિઓએ જાણ્યું એ તદ્રુપ થઈ ગયા વગેરે.
ચોથું મહાવાક્ય છાંદોગ્યઉપનિષદનું છે तत्त्व मसि જેનો અર્થ થાય છે, ‘એ (બ્રહ્મ) તું છે.’
तत् त्वम् असि એટલે કે તું દોષોનું પોટલું નથી, પાપી નથી, અધૂરો નથી; પણ તું બ્રહ્મ છે. મહાવાક્યનો ચોક્કસ અર્થ થાય છે ‘એ તું છે.’ તું જ બ્રહ્મ છે અને તારાથી બ્રહ્મ અલગ નથી. તો પછી અધૂરપ છે એ શું છે? તો કહે એ અજ્ઞાન છે. અજ્ઞાનના પડળ હટી જશે એટલે બ્રહ્મ આપોઆપ સિદ્ધ થઈ જશે. એ પછી ઋષિ મહાવાક્યની સમજ આપતા કહે છે, “ હે સોમ્ય! જે રીતે મધમાખીઓ અનેક દિશાઓનાં અનેક વૃક્ષોમાંથી રસ લાવીને મધ બનાવતી હોય છે અને ‘હું આ વૃક્ષનો રસ છું, હું આ વૃક્ષનો રસ છું’ એવું આકલન શક્ય રહેતું નથી એ રીતે બધા લોકો ‘સત્’ને પ્રાપ્ત કર્યા પછી અને સ્વયં સત્ સાથે એકરૂપ હોવા છતાં તેને તેની ખબર નથી હોતી. એ લોકો (સત્ સાથે એકરૂપ હોવા છતાં) ઇહ લોકમાં વાઘ, સિંહ, બકરી, કીડો, પતંગિયું, મચ્છર બનીને રહે છે.”
આ ખુલાસો સાંભળ્યા પછી પણ શિષ્ય શ્વેતકેતુને મહાવાક્યનું રહસ્ય નથી સમજાતું એટલે તે સાત વાર वि ज्ञापयत्विति विज्ञापयत्विति કહે છે. હે ભગવન્ મને સમજાયું નથી, ફ્રી સમજાવો, ફ્રી સમજાવો.
આ મહાવાક્ય, તેનો અનુવાદ અને વિનોબા ભાવેએ કરેલી વ્યાખ્યા પછી મને સમજાયું કે હું પોતે જ શ્વેતકેતુની અવસ્થામાં છું અને विज्ञापयत्विति विज्ञापयत्विति એમ કહેવું પડે એમ છે. એટલે વધારે ડહાપણ ડોળવાની જગ્યાએ એટલું જ કહું છું કે ઉપનિષદો અમૃત-સાગર છે એમાં તમે સ્વયં ડૂબકી મારો અને પોતાની જાતને પ્રશ્ન પૂછો કે જો હું ‘સત્’ સાથે એકરૂપ હોઉં તો પછી મારામાં આ રાગ, દ્વેષ, ધિક્કાર વગેરે તત્ત્વો આવ્યાં ક્યાંથી?
ozaramesh@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તત્ ત્વમ્ અસિ એટલે શું? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/tat-darham-asi-na-ki/
via Best Gujarati News
0 Comments