અમેરિકાના નિર્ણયથી તેલ મોંઘું થશે !
અમેરિકાએ ઈરાન પાસેથી તેલ ખરીદવા અત્યાર સુધી આપેલી છૂટ ખતમ કરી દેવાનો નિર્ણય કર્યો છે. રાહત મેળવનારા દેશોમાં ભારત પણ સામેલ છે. અમેરિકાના નિર્ણયથી દુનિયાભરમાં તેલ મોંઘું થવાની આશંકા છે. અમેરિકાએ કહ્યું છે કે ઈરાન પર લાગેલા પ્રતિબંધોમાં ચીન અને ભારત જેવા દેશોને મળી રહેલી છૂટને હવે આગળ વધારાશે નહીં. આ નિર્ણય ટ્રમ્પ પ્રશાસનની અત્યાધિક દબાણની નીતિ હેઠળ લેવાયો છે, જેનો હેતુ ઈરાનની તેલ નિકાસથી થતી કમાણીને રોકવાનો છે.
અમેરિકાનું કહેવું છે કે ઈરાન પોતાની તેલની કમાણીનો ઉપયોગ મધ્ય પૂર્વ અને બહારના વિસ્તારોમાં અસ્થિરતા ફેલાવવા માટે કરે છે. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું છે કે રાહતની સમય મર્યાદા ૨ મેના દિવસે સમાપ્ત થઈ જશે, જે બાદ કોઈ પણ પ્રકારની છૂટ અપાશે નહીં. પોમ્પિયોએ કહ્યું કે, હેતુ સ્પષ્ટ છે, ઈરાનને એવા પૈસાથી દૂર રાખવાનો છે, જેનો ઉપયોગ તે દાયકાઓથી મધ્યપૂર્વમાં અસ્થિરતા લાવવા માટે કરી રહ્યું છે. વર્ષ ૨૦૧૫ના ઐતિહાસિક પરમાણુ કરારમાંથી નીકળી ગયા બાદ અમેરિકાએ નવેમ્બરમાં ઈરાન પાસેથી તેલની આયાત પર ફરી વખત પ્રતિબંધ લાદી દીધો હતો. જો કે ઈરાન પાસેથી તેલ ખરીદનારા મુખ્ય આઠ દેશોને આ પ્રતિબંધમાંથી છૂટ આપતાં તેમને છ મહિના સુધી ઈરાન પાસેથી તેલની આયાત ચાલુ રાખવાની અનુમતિ મળી હતી.આ દેશોમાં ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, તુર્કી, ઇટાલી અને ગ્રીસ સામેલ હતા.
તેલનો ખેલ બગાડીશકે છે ઈરાનમુખ્ય રસ્તો
સમંદરના માર્ગે થતી દુનિયાની એક તૃતીયાંશ તેલ આપૂર્તિ હોરમૂજ જલડમરૂ મધ્યથી થાય છે. આ ફારસની ખાડી અને ઓમાનની ખાડીની વચ્ચે પડે છે. આ સાંકડો સમુદ્રી માર્ગ મધ્ય પૂર્વના તેલ ઉત્પાદકોને પ્રશાંત એશિયા, યુરોપ, ઉત્તરી અમેરિકા અને દુનિયાના બાકીના હિસ્સા સાથે જોડે છે.
હોરમૂજની ભૂગોળ
સૌથી સાંકડા બિંદુ પર હોરમૂજની પહોળાઈ ૨૧ નોટિકલ માઇલ છે. પરંતુ બંને દિશાઓમાં શિપિંગ લેન ફક્ત બે માઇલ પહોળી છે. તેના પિૃમી કિનારે ઈરાન છે, તો દક્ષિણ કિનારે સંયુક્ત આરબ અમિરાત અને ઓમાનનો એક બહારનો વિસ્તાર છે.
ઈરાનની ધમકી
ઈરાનના રિવોલ્યુશ્નરી ગાર્ડસે ધમકી આપી છે કે જો અમેરિકાના કહેવાથી દુનિયાભરના દેશોએ ઈરાન પાસેથી તેલ ખરીદી બંધ કરી તો તે હોરમૂજના માર્ગે થતી તેલની આપૂર્તિ રોકી દેશે. તેનાથી દુનિયાના એક મોટા હિસ્સાની તેલ આપૂર્તિ અવરોધાશે.
હોરમૂજનું મહત્ત્વ
અમેરિકાના ઊર્જા સૂચના પ્રશાસનનું અનુમાન છે કે ૨૦૧૬માં દરરોજ હોરમૂજ થઈને ૧.૮૫ કરોડ બેરલ તેલ પસાર થયું, જે આખા વર્ષમાં સમુદ્રના માર્ગે થતી આપૂર્તિનો કુલ ૩૦ ટકા છે. ૨૦૧૫ની સરખામણીએ ૨૦૧૬માં એ માર્ગે થતી તેલની આપૂર્તિમાં ૯ ટકાનો વધારો થયો.
કયા દેશોનું તેલ પસાર થાય છે?
સાઉદી અરેબિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત, કુવેત અને ઇરાક થઈને તેલની નિકાસનો મોટા ભાગનો હિસ્સો હોરમૂજ થઈને જ થાય છે. તે ઉપરાંત કતારથી દુનિયાને થતી પ્રવાહી કુદરતી ગેસની લગભગ બધી જ આપૂર્તિ આ માર્ગે થાય છે.
સુરક્ષાની જવાબદારી
બહેરીનમાં તહેનાત અમેરિકી નૌસેનાના પાંચમા કાફલાને જવાબદારી અપાઈ છે, તે ત્યાંથી પસાર થતા વ્યવસાયિક જહાજોની સુરક્ષા કરે છે. એમ તો યુએઇ અને સાઉદી અરેબિયા હોરમૂજ જળમાર્ગનો વિકલ્પ શોધવા માગે છે.
જાપાની ટેન્કર પર હુમલો
જુલાઈ ૨૦૧૦માં જાપાનનું એક તેલ ટેન્કર એમ સ્ટાર પર હોરમૂજ વિસ્તારમાં હુમલો ટકરાયો હતો. અલ કાયદા સાથે જોડાયેલા એક આતંકવાદી જૂથ અબદુલ્લા આઝમ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી છે.
ટેન્કર યુદ્ધ
ઈરાન અને ઇરાકની વચ્ચે ૧૯૮૦થી લઈને ૧૯૮૮ સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન તેલ પણ એક હથિયાર બની ગયું. બંને પક્ષોએ એક બીજાના તેલ નિકાસને અવરોધિત કરવા પ્રયાસ કર્યો હતો. તેને ટેન્કર યુદ્ધ તરીકે ઓળખાય છે.
અકસ્માત અને હુમલા
આ વિસ્તારમાં કેટલાય અકસ્માતો પણ થયા હતા. જુલાઈ ૧૯૮૮માં એક અમેરિકી યુદ્ધ જહાજે ૨૯૦ લોકોને લઈને જઈ રહેલા એક ઈરાની વિમાનને તોડી પાડયું હતું. અમેરિકાએ પાછળથી કહ્યું કે, ક્રૂએ વિમાનને ફાઇટર વિમાન સમજી લીધું હતું,
ટેન્કર પર ગોળીઓ ચલાવી
મે ૨૦૧૫માં ઈરાની સુરક્ષા દળોએ સિંગાપુરના ધ્વજવાળા એક ટેન્કર પર ગોળીઓ ચલાવી હતી. ઈરાનનું કહેવું છે કે આ ટેન્કરે ઈરાનના એક તેલ પ્લેટફોર્મને નુકસાન કર્યું હતું. સૂત્રોના મતે પહેલાં સિંગાપુરના જહાજને તેનો રસ્તો બદલવા જણાવાયું હતું. તેણે રસ્તો બદલ્યો નહીં તેના કારણે તેના ઉપર ફાયરિંગ કરાયું હતું. પાછળથી તેના કન્ટેનરે જપ્ત કરી લેવાયું હતું.
ઈરાનનો પલટવાર
૩ જુલાઈ ૨૦૧૮ના દિવસેઈરાની રાષ્ટ્રપતિ હસન રોહાનીએ કહ્યું કે ઈરાનથી થતી તેલની નિકાસને શૂન્ય કરી દેવાની અમેરિકાની માગણીના જવાબમાં તેનો દેશ હોરમૂજમાંથી પસાર થતી તેલની આવાજાહીને અવરોધિત કરી શકે છે.
પહેલી વખત ધમકી
તેના બીજા દિવસે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરે નિવેદન આપ્યું હતું કે જો તેના તેલના વ્યાપારને ઠપ્પ કરાયો તો હોરમૂજમાંથી કોઈનું પણ તેલ પસાર થવા દેશે નહીં.હોરમૂજ પર એવી ધમકી ઈરાને પહેલી વખત આપી છે.
દુનિયા પર અસર
ઈરાને અમેરિકાના આ નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે. ઈરાનનાં વિદેશ મંત્રાલયે કહ્યું કે ઈરાન પોતાના યુરોપિયન અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોની સાથે વાતચીત અને વિચારવિમર્શ કરી રહ્યું છે, તે બાદ જ કોઈ જરૂરી નિર્ણય લેવાશે. સાઉદી અરેબિયાના ઊર્જામંત્રી ખાલિદ અલ ફલીદે કહ્યું છે કે, તેમનો દેશ અન્ય તેલ ઉત્પાદકોની સાથે મળીને કામ કરશે, જેથી દુનિયામાં તેલની આપૂર્તિ સુનિશ્ચિત કરી શકાય. અમેરિકાના નિર્ણયથી દુનિયાભરમાં તેલની કિંમત વધી શકે છે. ઈરાનના મુદ્દે અમેરિકા સાથે અસહમતી છતાં ભારત અમેરિકાની વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સબંધ છે, પરંતુ અમેરિકાનો આ નિર્ણય ચીન અને તુર્કીની સાથે તેમનો સંઘર્ષ વધારી શકે છે. તો ગ્રીસ, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન પહેલેથી જ ઈરાનની સાથે તેલ વ્યવસાયને લઘુતમ સ્તર પર લઈ જઈ ચૂક્યા છે.
કેટલો મોટો વ્યવસાય
- સમાચાર એજન્સી રોઇટર્સના એક અહેવાલ મુજબ ચીનને આ પ્રતિબંધોની વચ્ચે ૩.૬૦ લાખ બેરલ પ્રતિ દિવસ તેલ ખરીદવાની છૂટ મળી હતી, જેને હવે બંધ કરી દેવાશે.
- ભારત, ઈરાનના તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર રહ્યો છે.
- ૨૦૧૮-૧૯ના વર્ષે ભારતે લગભગ ૨.૪ કરોડ ટન કાચું તેલ આયાત કર્યું, જેમાંથી ૯૦ લાખ ટન તેલ ઈરાનથી આયાત કર્યું હતું.
- દુનિયામાં તેલનો વપરાશ કરનારા ચોથા સૌથી મોટા દેશ જાપાને કહ્યું છે કે પાછલા ઘણા લાંબા સમયથી તે ઈરાનના તેલ પર પોતાની નિર્ભરતા ઘટાડી રહ્યું છે.
- જાપાન પોતાની કુલ આયાતનો માંડ ત્રણ ટકા હિસ્સો જ ઈરાન પાસેથી ખરીદતું હતું.
- આંકડા મુજબ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જાપાને ઈરાન પાસેથી લગભગ ૧.૫૩ કરોડ બેરલ તેલ ખરીદ્યું હતું.
આ દેશોને મળેલી ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ
- કયા દેશો ?ચીન, ભારત, દક્ષિણ કોરિયા, જાપાન, ઇટાલી, ગ્રીસ, તાઇવાન, તુર્કી. આ આઠ દેશોને ઈરાન પોતાના કુલ નિકાસના ૭૫ ટકા હિસ્સાનું તેલ વેચતું રહ્યું છે. અમેરિકી પ્રતિબંધોનો આ વ્યાપાર પર સીધી અસર પણ પડે, જેના પગલે આ દેશોને છ મહિના સુધી ઈરાન સાથે વ્યાપાર કરવાની છૂટ મળી ગઈ.
- કેટલી છૂટ મળી હતી ? અમેરિકા તરફથી અત્યાર સુધીમાં એ સ્પષ્ટતા કરાઈ નથી કે કેટલા તેલની છૂટ અપાઈ છે. વિશ્લેષકોનું અનુમાન છે કે છૂટ હેઠળ હવે આયાત કરનારા દેશ ૧૭ લાખ બેરલ પ્રતિ દિવસ(બીપીડી ) કાચું તેલ ખરીદ શકશે, જે પ્રતિબંધ પહેલાં ૩૦ બીપીડી હતું.
- ચીન ચીન ઈરાન પાસેથી કાચું તેલ સૌથી વધુ ખરીદી કરનારો દેશ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન ૧૮૦ દિવસની છૂટવાળી સમય મર્યાદામાં ૩.૬૦ લાખ બીપીડી તેલ ખરીદી શકશે. ચીનની મોટા ભાગનીરિફાઇનરી સરકારી ક્ષેત્રોમાં છે, જે લાંબા સમયથી આ પ્રતિબંધોની વિરૂદ્ધ લોબિંગ કરી રહી હતી.
- ભારત ભારત ઈરાનના તેલનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર છે. ભારતની રિફાઇનરી ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના મતે ભારત ૩ લાખ બીપીડી તેલ આયાત કરી શકશે. સામાન્ય સ્થિતિમાં એ આયાત ૪.૫૦ લાખથી ૫.૫૦ લાખ બીપીડીનું રહ્યું છે.
- દ. કોરિયા ઈરાનમાંથી નિકાશ થતા કાચા તેલનો ખરીદદાર અમેરિકાનું નજીકનું મિત્ર ગણાતું દક્ષિણ કોરિયા પણ છે. દેશમાં ઈરાનથી આવતા તેલનો સૌથી વધુ ઉપયોગ પેટ્રોકેમિકલમાં થાય છે. અહેવાલ મુજબ તેને ૧.૩૦ લાખ બીપીડી તેલ ખરીદવાની છૂટ મળી છે.
- જાપાન અમેરિકાના નજીકનો ગણાતાં જાપાનને છૂટ તો મળી છે, પરંતુ તે કેટલું તેલ આયાત કરી શકશે, તેનો કોઈ આંકડો હજુ સુધી બહાર આવ્યો નથી. જાપાનના બિઝનેસ મંત્રીએ પોતાના નિવેદનમાં ઈરાની સાથે તેલ કારોબારને જલદીથી શરૂ કરવાની વાત કહી હતી.
- તાઇવાન તાઇવાન ઈરાની તેલને ક્યારેક ક્યારેક ખરીદે છે. તે છૂટ અંગે અત્યાર સુધી તાઇવાન તરફથી કોઈ જાણકારી મળી નથી.
- તુર્કી અને ઇટાલી છેલ્લા બે વર્ષોમાં તુર્કી અને ઇટાલીએ ઈરાનથી લગભગ બે લાખ બીપીડી કાચા તેલની આયાત કરી હતી. ગયા અઠવાડિયાઓમાં ઇટાલીએ આયાતને પૂરેપૂરી બંધ કરી દીધી હતી, જેને હવે ફરીથી શરૂ કરવાની તૈયારી શરૂ થઈ છે. તૂર્કીનાં રાષ્ટ્રપતિ તૈયપ એર્દીવાન આ પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ કોઈ પણ પ્રકારના પ્રતિબંધોમાં બંધાયેલા નથી.
- ગ્રીસ છેલ્લા બે વર્ષો દરમિયાન ગ્રીસે ઈરાન સાથે લગભગ એક લાખ બીપીડી તેલ આયાત કર્યું હતું. અમેરિકી પ્રતિબંઘો છતાં ઇટાલીની જેમ ગ્રીસે પણ પોતાનો કારોબાર ઈરાન સાથે બંધ કરી દીધો હતો. પરંતુ હવે છૂટ મળ્યા બાદ તેને ફરી શરૂ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમેરિકાના નિર્ણયથી તેલ મોંઘું થશે ! appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/us-decision-oil-m/
via Best Gujarati News
0 Comments