મારી સફળતાનું સિક્રેટ નિવૃત્તિ સુધી અકબંધ જ રહેશે : ધોની
ધોનીનું નિવેદન પણ ચર્ચાનું કારણ બન્યું
વિજય મેળવ્યા બાદ હર્ષા ભોગલેએ ધોનીને પૂછયું હતું કે તમે ચેન્નઈ સુપર કિંગ્સને વારંવાર કેવી રીતે પ્લેઓફમાં આસાનીથી પહોંચાડી દો છો, તેનું રહસ્ય શું છે ?. ધોનીએ જવાબ આપ્યો હતો કે જો હું આ બાબતો તમને બતાવી દઈશ તો ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી આગામી વર્ષે મને ખરીદશે નહીં. આ એક ટ્રેડ સિક્રેટ છે. આ દરમિયાન ધોનીના ચહેરા પરનું હાસ્ય પણ જોવા જેવું હતું. જોકે તેણે ટીમની સફળતા માટે સહાયક સ્ટાફને પણ શ્રેય આપ્યું હતું. ધોનીએ જણાવ્યું હતું કે ટીમની સફળતામાં સમર્થકો તથા સહાયક સ્ટાફનું પણ યોગદાન મહત્ત્વનું રહેતું હોય છે. આ સિવાય હું કોઇ બાબતનો ઘટસ્ફોટ કરી શકું નહીં. ઓછામાં ઓછું હું નિવૃત્તિ લઇશ ત્યાં સુધી તો રહસ્ય ખોલીશ જ નહીં.
ફ્લેમિંગ-ધોનીએ મારામાં વિશ્વાસ જાળવી રાખ્યો : શેન વોટસન
હૈદરાબાદ સામેની મેચમાં ૯૬ રનની ઇનિંગ્સ રમીને મેન ઓફ ધ મેચ બનેલા શેન વોટસને જણાવ્યું હતું કે હું આઉટ ઓફ ફોર્મ હતો અને હું રન બનાવી શકતો નહોતો. તેમ છતાં મને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો હતો. હું કોચ સ્ટિફન ફ્લેમિંગ, સુકાની ધોનીનો આભાર માનું છું. ફોર્મમાં ન હોવાના કારણે મને કોઇ પણ ટીમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોત પરંતુ ચેન્નઈના ટીમ મેનેજમેન્ટે મારામાં વિશ્વાસ રાખ્યો હતો. હું પીએસએલ અને ઓસ્ટ્રેલિયાની બિગ બેશમાં રન બનાવી રહ્યો હતો. મારે IPLમાં એક મોટી ઇનિંગ્સની જરૂર હતી.
ચેન્નઈ ૧૦મી વખત પ્લેઓફમાં
હૈદરાબાદ સામેની મેચમાં વિજય મેળવતાની સાથે ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી ગઇ છે. તેણે ૧૨ સિઝનમાં ૧૦મી વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. ૨૦૧૬ અને ૧૦૧૭માં પ્રતિબંધને કારણે ચેન્નઈ રમી શકી નહોતી.
પીઠની ઈજા ઠીક છે પરંતુ વર્લ્ડ કપ માટે મારે સાવચેત રહેવું પડશે
ધોની છેલ્લા કેટલાક મહિનાથી પીઠની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ધોનીએ પોતાની ઈજા અંગે જણાવ્યું હતું કે પીઠનો દુખાવો ઓછો થઇ ગયો છે. થોડી સમસ્યા છે પરંતુ મારે વર્લ્ડ કપ માટે સાવચેત રહેવાની જરૂર છે. નોંધનીય છે કે ધોની ૧૭મી એપ્રિલે ઈજાને કારણે હૈદરાબાદ સામેની મેચમાં રમ્યો નહોતો.
મુશ્કેલી વધશે તો આરામ કરી લઈશ
ધોનીએ જણાવ્યું હતું કે પીઠના સ્નાયુ જકડાઇ ગયા છે પરંતુ મુશ્કેલી ઊભી થતી નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઇ પણ એવો ખેલાડી નથી જે એક-બે ઈજાઓ સાથે ના રમતો હોય. વધારે મુશ્કેલી ઊભી થશે તો હું જાતે જ આરામ કરી લઈશ.
સંપૂર્ણ ફિટ થઇને રમવું અશક્ય છે
ચેન્નઈના સુકાનીએ જણાવ્યું હતું કે વર્તમાન ક્રિકેટના આ સ્તરે શરીરમાં એક કે બે ઈજાઓની સાથે રમી શકાય છે. જો અમે સંપૂર્ણ ફિટ થઇને રમવાની ઇચ્છા રાખીએ તો બે મેચ વચ્ચે પાંચ વર્ષનું અંતર થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મારી સફળતાનું સિક્રેટ નિવૃત્તિ સુધી અકબંધ જ રહેશે : ધોની appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/my-success-secret-no/
via Best Gujarati News
0 Comments