અંગ્રેજ લેખક સેમ્યુઅલ જોન્સનની વિખ્યાત ઉક્તિ છે, જે માણસ લંડન છોડવાનું વિચારતો હોય એ જરાય બુદ્ધિશાળી ન ગણાય. ના સર, જો માણસ લંડનથી થાકી જાય તો એ જીવનથી થાકી ગયો કહેવાય. કારણ કે જીવન જે કંઇ આપી શકે એ બધું જ લંડનમાં છે. આ ઉક્તિમાં અતિશયોક્તિ લાગે તો પણ તદ્દન સાચું જ છે. લંડનમાં પોલિટિક્સ, બેન્કિંગ, ફેશન, સંગીત, કળા બધું જ અહીં ધબકે છે.

લંડનની મુલાકાત લેવાના હોવ તો જાણી લો કે લંડનમાં નેશનલ ગેલેરી, બ્રિટિશ મ્યુઝિયમ, હાઇડ પાર્ક વગેરે જોવાલાયક બધા જ સ્થળની મુલાકાત ફ્રી ઓફ ચાર્જ છે. શહેરમાં ફરવા માટે ટયૂબ કહેવાતી સબ-વે ટ્રેન. આ ટ્રેઇનમાં ફરવા માટે ઓયસ્ટર પાસ કઢાવી લેવો. અહીં બ્રિક લેનમાં ફરવા નીકળો તો તદ્દન વાજબી ભાવે મનગમતી વાનગીઓનો સ્વાદ માણવા મળશે.

અહીં વાતચીતમાં લોકો ચોકસાઇભર્યું અંગ્રેજી પસંદ કરે છે. અમેરિકન અંગ્રેજી અહીં લોકોને ગમતું નથી. અહીં કોઇ પણ સિઝનમાં આવતી વખતે એક છત્રી જરૂર લઇ લેવી અને હંમેશાં સાથે રાખવી. અહીં સાંજના પાંચ પછી પબમાં લોકોની ભીડ જોવા મળશે. અહીં કોઇ સ્નોગ કહે તો એનો અર્થ કિસ સમજવો, ફેગ કહે તો એનો અર્થ સિગારેટ થાય છે અને લૂનો અર્થ રેસ્ટરૂમ સમજવો. ક્વિડ એટલે પાઉન્ડ અને પેન્ટ્સ એટલે અન્ડરવિયર સમજવું. અહીં પહેલા માળને ગ્રાઉન્ડ ફ્લોર જ કહે છે.

લંડનમાં શું શું જોશો?

અહીંનું બ્રિટિશ મ્યુઝિયમ એની ઇમારતની બાંધણીના કારણે પણ જોવાલાયક છે અને અહીં સંગ્રહાયેલો ખજાનો ઇતિહાસના શોખીનોને ખાસ આકર્ષે છે. અહીંનું ટાવર ઓફ લંડન આ ઇમારત બહારથી શુષ્ક અને અનાકર્ષક લાગે તો પણ અંદર એક આંટો જરૂર મારવો. અનેક ટાવરોના સમૂહમાં ૧૨ ટાવર જાહેર જનતા માટે ખુલ્લા છે અને સતત લોકોની અવરજવર ચાલુ રહે છે. અહીં ક્રાઉન્ જ્વેલ્સ પ્રદર્શન વિખ્યાત છે. એમાંનો ઇમ્પિરીયલ સ્ટેટ ક્રાઉન રાણી એલિઝાબેથ આજે પણ પ્રસંગે પહેરે છે.

ર્બિંકગહામ પેલેસ ક્વિન એલિઝાબેથ (દ્વિતિય)નું રહેઠાણ છે. આમ તો આ આખા શાહી પરિવારનું નિવાસસ્થાન છે. એના ૧૯ ખંડ જાહેર જનતા માટે ખુલ્લા મુકાયા છે. એમાં રાજવી પરિવારની પારિવારિક ચીજો અને ઘરવખરી જોવાલાયક છે. ખરીદી કરવી હોય તો પોર્ટોબેલો રોડ માર્કેટનો આંટો લગાવવો. અહીંના પોશ ગણાતા નોટિંગ હિલને અડીને આવેલા આ માર્કેટમાં દરેક જાતની ચીજો વેચાય છે. બધા જ પ્રકારના એટલે કે ૧,૦૦૦ જેટલા વેપારીઓ અહીં જોવા મળે છે.

વેસ્ટમિન્સ્ટર એબી પુરાતન સમયનું ચર્ચ છે. એની ભવ્ય ઇમારતના શાહી બાંધકામને જોઇને આવનાર બધા જ અંજાઇ જાય છે. અહીં જોવા જેવું ઘણું છે, પરંતુ હરવા-ફરવાની ગતિ ખૂબ ધીમી હોય છે. એટલે ખાસ શું શું જોવું છે એ જાણીને તેની યાદી બનાવીને જ અહીં આવવું. પિકાડેલી સર્કસ એક એવો ચોક છે જ્યાં પાંચ રોડ ભેગા થાય છે. અહીં લોકોની અવરજવર અને મુલાકાતીઓની ભીડ હંમેશાં જોવા મળે છે. અહીં લંડનના નગરજનો નોકરી-વ્યવસાયે જતા-આવતા અને ખરીદી કરતા જોવા મળશે. અહીં દિવસ-રાત સતત પ્રવૃત્તિ ચાલુ જ હોય છે.

લંડનની સૌથી વિખ્યાત હાઇડ પાર્ક બ્રિટનના રાજા હેન્રી (આઠમા)ને હળવા થવા માટે બનાવવામાં આવેલો ખાસ બગીચો હતો. કેન્સિન્ગટન પેલેસથી ઓક્સફર્ડ સ્ટ્રી સુધી લંબાતું આ ગાર્ડન એની હરિયાળીન કારણે આજે પણ તનમનને બંનેને હળવાફુલ કરી દે છે. અહીં પગપાળા ચાલવા માટે અને સાઇકલ ફરવા માટે અલગ અલગ રસ્તા બનાવવામાં આવ્યા છે. પાર્કમાં હોઇએ ત્યાં સુધી ખ્યાલ પણ નથી રહેતો કે આસપાસ આટલું દોડધામભર્યું શહેર ધબકી રહ્યું છે. અહીંના સર્પેન્ટિવ સરોવરના કિનારાન લોન લોકોને એકઠા થવાની સગવડ પૂરી પાડે છે. એટલે અહીં કોઇ મહાનુભાવ લોકોને સંબોધન કરવા માગતા હોય તો હાઇડ પાર્કમાં કરવાનું પસંદ કરે છે. કાર્લ માર્ક્સ અને લેનિન પણ અહીં પ્રવચન કરી ગયા છે.

એક બાજુ પાર્લામેન્ટ અને એક બાજુ બિન બેન ટાવરની વચ્ચે આવેલો આ ટાવર બ્રિજ એના સ્થાપત્યના કારણે અને આર્કિટેક્ચરિયલ ડિઝાઇનના કારણે ખાસ જોવાલાયક છે. થેમ્સ નદી ઉપર આ બ્રિજ ૧૨૦ વર્ષ અગાઉ બાંધવામાં આવ્યો હતો. એ જમાનામાં એ સ્થાપત્યનો કમાલ કહેવાતો હતો. અહીં ચાલતા જાણે ઇતિહાસમાં લટાર મારતા હોઇએ.

લંડનની મુલાકાત લેવાનો બેસ્ટ સમય આમ તો વસંતઋતુનો છે. જ્યારે અહીં તાપમાન હૂંફાળું હોય છે અને બાગ-બગીચાઓમાં ફૂલ ખીલ્યા હોય છે. પરંતુ આ ઋતુમાં વિશ્વભરના લોકો અહીં ઊભરાય છે એટલે દરેક જગ્યાએ ભારે ભીડ જોવા મળશે, દરેક વસ્તુના ભાવ પણ આસમાને ચઢેલા હશે. એટલે પાનખર અને શિયાળામાં અહીં આવવાનું રાખવું. આ સમયે વિમાનના ભાડાથી હોટલના ચાર્જ સુધી દરેક વસ્તુ સસ્તી હશે. ડિસેમ્બરમાં અહીં ભારે બરફ પડતો હોય છે, પરંતુ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ચાલતી હોવાથી શહેર માણવા જેવો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ વેકેશનમાં ફરવાનું કરી રહ્યા છો પ્લાનીંગ તો લંડન છે યોગ્ય વિકલ્પ appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/planning-this-vacation-to-london-the-right-choice/
via Best Gujarati News

0 Comments