પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં સહકાર આપવાની જગ્યાએ પાકિસ્તાને ઠાગાઠૈયા શરૂ કરી દીધા છે. ભારતે મોકલાવેલા ડોઝિયરના જવાબમાં આતંકવાદીઓ સામે પગલાં લેવાના સ્થાને પાકિસ્તાને ઊલટાનું ભારત પાસે વિચિત્ર પુરાવાની માગ કરી છે.

ઇસ્લામાબાદે ભારત પાસે પુલવામાના આત્મઘાતી હુમલાખોર આદિલ ડારના કબુલાત કરતા વીડિયોમાં દર્શાવેલા હથિયારોના આઇડેન્ટિફિકેશન નંબર, બંધૂકોના પ્રકાર અને ઉત્પાદકો સહિતની માહિતી માગી છે. તે ઉપરાંત પાકિસ્તાને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ભારતમાં નોંધાયેલી એફઆઈઆરની નકલ પણ માગી છે. પાકિસ્તાને સાક્ષીઓના નિવેદનની પણ માગ કરી છે તે જોતાં લાગી રહ્યું છે કે પાકિસ્તાન તપાસમાં સહકાર આપવાને બદલે ઠાગાઠૈયા કરી ધ્યાન અન્યત્ર ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ભારતે પાકિસ્તાનને સોંપેલા ડોઝિયરના જવાબમાં પાકિસ્તાને આતંકવાદી આદિલ ડાર અંગે માહિતી માગી છે. પુલવામાના આતંકવાદી હુમલા પહેલા આદિલ ડારે કેટલાક વીડિયો બનાવ્યા હતા. જેમાં તેણે કબુલાત કરી હતી કે, તે પુલવામામાં આતંકવાદી હુમલો કરવા જઇ રહ્યો છે. હવે પાકિસ્તાન જાણવા માગે છે કે વીડિયોમાં આદિલ ડાર પાસે કઈ બંધૂક હતી. તેનો મેન્યુફેક્ચરિંગ નંબર શું હતો.

ભારત સરકારના સૂત્રના જણાવ્યા અનુસાર પાકિસ્તાનનો જવાબ હતાશાજનક છે. પુલવામાના હુમલામાં જૈશ એ મોહમ્મદની સંડોવણી અંગેના સજ્જડ પુરાવા ભારતે પાકિસ્તાનને આપ્યા હોવા છતાં પાકિસ્તાન તેના પર ગંભીરતાથી કામ કરી રહ્યો નથી. ભારતે પાકિસ્તાનને જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પો અને તેના આતંકી સરગણાઓની માહિતી પણ આપી છે પરંતુ જવાબમાં પાકિસ્તાને પુલવામા કેસની એફઆઇઆર અને સાક્ષીઓના નિવેદનોની માગ કરી છે.
પાકિસ્તાન હવે તપાસને ખોરંભે ચડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે

પાકિસ્તાને જે રીતે આદિલ ડારની બંધૂકો અંગે જાણકારી માગી છે તે જોતાં ભારતીય સત્તાવાળાઓ અંદાજ લગાવી રહ્યાં છે કે, પાકિસ્તાન તપાસને ખોરંભે ચડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આદિલ ડારના વીડિયોમાં દેખાતાં શસ્ત્રોને પુલવામા હુમલાની તપાસ સાથે કોઇ લેવાદેવા નથી. પુલવામાના હુમલામાં બંધૂકો નહીં પરંતુ વિસ્ફોટકો વપરાયાં હતા. આ શસ્ત્રો અંગેની માહિતીની પુલવામાની તપાસ પર કોઇ અસર પડવાની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પુલવામા હુમલાની તપાસ માટે પાકિસ્તાને ખેલી નવી ‘ગેમ’, મુકી વિચિત્ર માંગણીઓ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pak-continues-to-be-in-denial-over-pulwama-terror-attack/
via Best Gujarati News

0 Comments