। નવી દિલ્હી ।

સુપ્રીમ કોર્ટે ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ફિક્સરો દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાના આરોપની તપાસ કરવા પૂર્વ જજ એ કે પટનાઇકના નેતૃત્વ હેઠળની એક સમિતિની રચના કરી છે. કોર્ટે સીબીઆઇ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને દિલ્હી પોલીસના વડાઓને તપાસમાં મદદ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, કમિટી ફક્ત ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્કાયરી જ કરશે. જસ્ટિસ પટનાઇક એક સીલબંધ કવરમાં તેમનો રિપોર્ટ કોર્ટને સોંપશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર રાજીનામુ આપવાનું દબાણ લાવવા યૌન ઉત્પીડનના ખોટા કેસમાં ફસાવી દેવાના કાવતરાનો દાવો કરનાર વકીલ ઉત્સવ બેન્સની અરજીની સુનાવણી કરતાં જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર એફ નરિમાન અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે જણાવ્યું હતું કે, એમ ન સમજશો કે, પૃથ્વીના ગમે તે ખૂણેથી રિમોટ કંન્ટ્રોલ દ્વારા રાજકીય અથવા આર્થિક શક્તિની મદદથી સુપ્રીમ કોર્ટનું સંચાલન કરી શકશો. હાલમાં જે ચાલી રહ્યું છે તેનાથી અમે ચિંતિત છીએ.

હવે પગલાં લેવાનો સમય પાકી ગયો છે

અમે દેશના અમીરો અને શક્તિશાળી લોકોને કહેવા માગીએ છીએ કે તમે તમારી મરજી પ્રમાણે આ કોર્ટને ચલાવી શક્શો નહીં. તેઓ આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહે. જસ્ટિસ અરૂણ મિશ્રાએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું કે, છેલ્લા ૩-૪ વર્ષથી સુપ્રીમ કોર્ટ પર સુનિયોજિત હુમલા કરવામાં આવી રહ્યાં છે તેના કારણે સુપ્રીમ કોર્ટ મૃતપાય બની જશે. કોર્ટને પોતાની રીતે ચલાવવાની રમત રમાઇ રહી છે પરંતુ કોઇ સત્ય જાણતું નથી. હવે આ પ્રકારના લોકો સામે પગલાં લેવાનો સમય આવી ગયો છે.

વકીલ ઉત્સવ બેન્સને તમામ મટીરિયલ અને પુરાવા કોર્ટને સોંપી દેવા આદેશ

સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ સામે કાવતરું ઘડાયું હોવાના દાવા કરનાર વકીલ ઉત્સવ બેન્સને કોર્ટની કાર્યવાહીઓને પ્રભાવિત કરવામાં સંડોવાયેલા કોર્પોરેટ માંધાતા અને ફિક્સરોની સંડોવણી અંગેના પુરાવા અને મટીરિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવાના આદેશ આપ્યા છે. દરમિયાન ગુરૂવારે વકીલ ઉત્સવ બેન્સે કોર્ટમાં વધુ એક એફિડેવિટ અને સીલબંધ કવરમાં પુરાવા રજૂ કર્યા હતા. ઉત્સવે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં કોઇ ન્યાયાધીશ અથવા તો તેમના સંબંધી કોર્ટ પર પ્રભાવ પાડનારાઓમાં નથી.

આગ સાથે રમત રમશો નહીં, નહિતર આંગળાં દાઝી જશે : સુપ્રીમ

સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે આ પ્રકારના લોકો આગ સાથે રમત રમી રહ્યાં છે. અમે તેમને કહેવા માગીએ છીએ કે, આ પ્રકારનો પ્રયાસ કરવાની હિંમત ન કરે. તેમના જ આંગળા દાઝી જશે. ૩-૫ ટકા વકીલો જ્યારે પણ કોઇ મોટો કેસ આવે છે ત્યારે રજિસ્ટ્રી પર પ્રભાવ પાથરવાનો પ્રયાસ કરી ન્યાયતંત્ર અને વકીલ સમુદાયને બદનામ કરે છે.

ફિક્સરો ખુલ્લેઆમ કોર્ટ પરિસરમાં ફરી રહ્યાં છે : સુપ્રીમ

એડવોકેટ ઇન્દિરા જયસિંહે સુનાવણી દરમિયાન વકીલ ઉત્સવ બેન્સની વિશ્વસનીયતાની ચકાસણી કરવાની પણ માગ કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, આ પહેલાં પણ સુપ્રીમ દ્વારા જાતીય શોષણના મુદ્દાને અવગણના કરવામાં આવી હતી. આ વખતે આ મુદ્દે તપાસ થવી જ જોઈએ. કોર્ટે જણાવ્યું કે, જાતીય શોષણ અને લાંચ કાંડની સમાંતર તપાસ કરવામાં આવી રહી છે. આ મુદ્દે પગલાં પણ લેવામાં જ આવશે. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, કોર્ટ પરિસરમાં ફિક્સરો  ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. ન્યાયપાલિકાની પ્રતિષ્ઠા પર કલંક  લગાવવા માટે વકીલોનો સંપર્ક કરી રહ્યાં છે જે અત્યંત ગંભીર  બાબત છે.

ફિક્સિંગના ધંધા બંધ કરી દેવા ચેતવણી

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર એફ નરિમન અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચ ખૂબ જ આકરી જણાઈ હતી. ત્રણેય જજ દ્વારા આ સ્થિતિ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્રણ જજની બેન્ચે જણાવ્યું કે, છેલ્લાં કેટલાક સમયથી અમે સાંભળી રહ્યા છે કે, આખે આખી જજની બેન્ચનું ફિક્સિંગ કરવામાં આવતું હોય છે. આ બધું કોઈપણ સંજોગે બંધ થવું જોઈએ. જે લોકો સત્તા અને સંપત્તીના જોરે ફિક્સિંગ કરે છે તેમણે આ બધું બંધ કરી દેવું જોઈએ તે જ હિતાવહ છે.

અદાલત દ્વારા તપાસ પહેલાં જ મારા ચારિત્ર્યનું હનન કરી દેવાયું : પીડિતા

ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન ઉત્પીડનનો આરોપ મૂકનાર સુપ્રીમ કોર્ટની ૩૫ વર્ષીય ભૂતપૂર્વ કર્મચારીએ અદાલત દ્વારા રચાયેલી ઇન-હાઉસ કમિટી સમક્ષ ભય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અદાલત દ્વારા તપાસની શરૂઆત થાય તે પહેલાં જ મારા ચારિત્ર્યનું હનન કરાયું છે. ચીફ જસ્ટિસે શનિવારે આ મામલામાં સુનાવણી હાથ ધરીને પોતાની સામે મોટું કાવતરુંં ઘડાયું હોવાનો આરોપ મૂક્યો હતો.

મંગળવારે આ મહિલા કર્મચારીને જસ્ટિસ એસ.એ. બોબડેના નેતૃત્વ હેઠળની કમિટી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. મહિલાએ તેના જવાબમાં જણાવ્યું હતું કે, રવિવારે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ તેમના બ્લોગમાં મારી ટીકા કરી હતી. આ ઘટનાક્રમના કારણે હું ઘણી ભયભીત છું. મને લાગે છે કે હું એકલી પડી ગઈ છું. હું કમિટીને વિનંતી કરું છું કે, સુનાવણી કરતી વખતે મારા ભયને ધ્યાનમાં રાખવામાં આવે. મેં ઘણી મુશ્કેલીઓ સહન કરી છે અને મને આશા છે કે મારી પીડા તથા મારા પરિવારની હેરાનગતિનો ટૂંકસમયમાં અંત આવશે. હું જાણું છું કે, મારી કોઈ સ્થિતિ કે દરજ્જો નથી. મારી સાથે ફક્ત સત્ય છે અને તે હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. જો પક્ષપાત વિના સુનાવણી કરાશે તો જ મને ન્યાય મળશે. મહિલા કર્મચારીએ પત્રમાં જણાવ્યું હતું કે, મને સાંભળ્યા વિના જ કોઈપણ કારણ વગર મારા ચારિત્ર્યનું હનન કરાયું છે. ખુલ્લી અદાલતમાં એમ કહેવામાં આવ્યું કે મારી સામે ક્રિમિનલ કેસ થયેલાં છે.

અખબારોમાં આ બધુ વાંચ્યા પછી હું ઘણી ડરી ગઈ છું. હું નિસહાય બની ગઈ છું કે, મને સાંભળ્યા વિના જ મારી અરજીને ખોટી જાહેર કરી દેવામાં આવી છે.

તપાસ કમિટીની રચના વિશાખા ગાઇડલાઇન અનુસાર કરવામાં આવે : પીડિતા મહિલા

ઇન-હાઉસ કમિટીને પાઠવેલા પત્રમાં મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી વિશાખા ગાઇડલાઇન્સ અનુસાર તપાસ હાથ ધરાવી જોઈએ. વિશાખા ગાઇડલાઇન્સમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, કમિટીમાં મહત્તમ મહિલા સભ્યો હોવા જોઈએ અને પક્ષપાત ન થાય તે માટે એક મહિલા સભ્ય બહારથી નિયુક્ત કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમીરો-વગદારો રિમોટ કન્ટ્રોલથી કોર્ટ ચલાવી શકશે નહીં : સુપ્રીમ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/americans-climbers-remote-agents/
via Best Gujarati News

0 Comments