ફ્લિમની ચિલમ :- સલિલ દલાલ

યાર મેરે, મત બુરા માન યે ગાના હૈ ન બજાના હૈ…!

તમે ઝી ટીવીનો ‘સારેગમપા લિટલ ચેમ્પ’ કાર્યક્રમ જુઓ છો? તેમાં જ્યારે પાંચ વર્ષના ટેણિયા સ્વરાંશને જૂની હિન્દી ફ્લ્મિોનાં લોકપ્રિય અને મધુરાં ગાયનો એ ગીતોના અસ્સલ એ જ રાગમાં ગાતો સાંભળીએ ત્યારે અત્યારના સંગીત માટે નવી પેઢીની પસંદનું બહાનું કાઢતા હોય છે એ બધાને તે તમાચા મારી રહ્યો છે! જ્યારે પણ એમ પુછાય કે ‘હાલના સંગીતમાં સ્વરાંકનોની પહેલાં જેવી મીઠાશનો અભાવ કેમ છે?’ તો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે કે, ‘આજની જનરેશનની ચોઇસનું મ્યુઝિક અમે તો પીરસીએ છીએ…’ આજનાં બાળકો અને યુવાનોને માથે દોષ ઢોળતા પહેલાં શું આજના સર્જકો આવા કાર્યક્રમો નહીં જોતા હોય? ગમ્મત એ હોય છે કે ‘જજ’ તરીકે આજના ગાયકો અને સંગીતકારો જ હોય છે! એ સર્જકોને બજારની જરૂરિયાત પ્રમાણે અને નિર્માતાઓની માંગ મુજબનું સંગીત તૈયાર કરવાનું હોય છે, એ સાચું હોવા છતાં, તેમાં ‘પહેલી મરઘી કે પહેલું ઈંડું?’ જેવી સ્થિતિ હોય છે. તમે જમવા બેસો અને તમારી થાળીમાં દસ આઇટમ હોય અને દસે દસ એક જ સ્વાદની તીખી હોય તો તમે એ ખાવાના જ છો.

કેમ કે તમારી ભૂખ તો ઉઘડેલી જ હોય છે. પણ, જો એ થાળીમાં અલગ-અલગ સ્વાદની વાનગીઓ હોય તો જમનારને ચોઇસ પણ રહે અને એક પ્રકારનું તંદુરસ્ત સમતોલન (બેલેન્સ) પણ રહે. એ સંદર્ભમાં જોઇએ તો, અત્યારનાં મોટાભાગનાં ગીતોની રચનામાં રિધમ ફસ્ટ હોય, ગાયનના નામે ઊંચા સ્વરમાં ગવાતું હોય અને ઘોંઘાટ લાગે એવું સંગીત ચારે તરફ્થી શબ્દો પર એવી ચઢાઇ કરતું હોય કે તમને ના સંગીતની મઝા આવે અને ના ગીતની કવિતાની, જો એ હોય તો! ખૂટતું હોય એમ પડદા ઉપર તેની રજૂઆત એવી હોય કે ફ્ટાફ્ટ સીન બદલાયા કરે. એટલે શબ્દો જ પકડવા મુશ્કેલ હોય. કવિતા પ્રત્યેના પ્રેમને લીધે ધ્યાન રાખીને કદાચેય શબ્દો પકડીએ તો પણ તેના અર્થ દિમાગમાં ઉતરે એ પહેલાં તો સ્ક્રીન પર લોંગ શોટનાં બે ત્રણ દ્રશ્યો ચોંટાડી દેવાયાં હોય. આ કલશોરમાં સંગીત પાછળની મહેનતનું ઘોંઘાટમાં રૂપાંતર થઈ ગયું હોય! એવામાં દિલને સ્પર્શી જતાં ગાયનો આવે છે તો એ કેટલાં બધાં લોકપ્રિય થાય જ છે ને? શબ્દો ઇવન પંજાબી હોય તો પણ અરિજિત અને શ્રેયા ઘોષાલ ઉપરાંત ખુદ આલિયા ભટ્ટે ગાયેલું “મૈં તેનુ સમજાવા કી…” (હમ્પ્ટી શર્મા કી દુલહનિયા) અથવા આતિફ અસ્લમના સ્વરમાં “દિલ દી યાં ગલ્લાં…” (ટાઇગર જિંદા હૈ) આવતાં ૩૦ કે ૫૦ વરસ સુધી સંગીતપ્રેમીઓના કાનમાં એવો જ મધુરો રસ ઘોળશે જેવો ‘૬૦, ‘૭૦ અને ‘૯૦ના દાયકાનાં કર્ણપ્રિય ગીતો!

ક્યારેક ‘૯૦ના દશકમાં નદીમ – શ્રવણ, આનંદ – મિલિંદ, જતિન – લલિત જેવી જોડીઓ અને એ.આર. રહેમાન, અનુ મલિક, રાજેશ રોશન વગેરે સરખા સોલો મ્યુઝિક ડિરેક્ટર્સે જે સંગીતરચનાઓ આપી છે, એનો આવરદા આજે પણ અકબંધ છે. સ્મરણ રહે, અહીં અત્યારના મ્યુઝિક સામે અગાઉના સંગીતની સરખામણી કરવાનો પ્રયાસ નથી. દરેક સમયમાં પ્રિય, લોકપ્રિય અને સદા સ્મૃતિમાં ગૂંજતાં રહેવાની શક્તિવાળાં એવરગ્રીન ગાયનો સર્જાયા કર્યાં છે. દરેક સમયે ઘોંઘાટીયાં ગીતો પણ આવ્યાં જ છે. ફ્રક એટલો જ છે કે અત્યારે શોર કરનારાં રેપ સોંગમાં કવિતા કે સંગીત બધું શોધવાનું હોય છે! એવાં ગીતો માટે ઠેઠ ૧૯૫૯માં કવિ શૈલેન્દ્રએ જે શબ્દો આપ્યા હતા, એ આજે કદાચ વધુ લાગુ પડે છે.

શૈલેન્દ્રએ દેવ આનંદના ‘લવ મેરેજ’ ફ્લ્મિ માટે લખેલા આ શબ્દોને શંકર-જયકિશને રફી સાહેબના સ્વરમાં ગવડાવ્યા હતા, “ટીન કનસ્તર પીટ પીટ કર, ગલા ફડકર ચિલ્લાના, યાર મેરે મત બુરા માન, યે ગાના હૈ ન બજાના હૈ…” તે દિવસોમાં વેસ્ટર્ન મ્યુઝિકના વધવા શરૂ થયેલા પ્રવાહ સામે એ માત્ર અંગુલીનિર્દેશ હતો. એ ૫૦, ‘૬૦ અને ‘૭૦ના દાયકાઓ એવા હતા કે લગભગ દરેક આલ્બમમાં વિવિધ પ્રકારનાં ગીતો હોય અને છતાં “યે ગાના હૈ ન બજાના હૈ…” એવી ટીકાઓ થતી!

દરેક ફ્લ્મિમાં ૬-૭ ગાયનો હોય અને એ બધાં લોકપ્રિય થયાં હોય એવાં દસેક આલ્બમ તો દર સાલ આવ્યાં જ હોય. યાદ કરો, શંકર-જયકિશનની ‘સંગમ’, ‘જંગલી’, ‘આરઝૂ’ ‘આમ્રપાલી’, ‘મેરા નામ જોકર’ ‘તીસરી કસમ’ જેવી સંખ્યાબંધ ફ્લ્મિોનાં બધાં જ ગાયન પહેલી લીટી ગવાતામાં જ આખું ગાયન તમે ગાઈ શકો છો. એ જ રીતે, રેડિયો કે યુ ટયુબ પર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનાં ‘મિલન’નાં ગાયન હોય કે ‘શોર’નાં કે પછી ‘હીરો’નાં ચાહકો એક એક ગીતની પંક્તિઓ સાથે સાથે ગાતા હોય છે. જ્યારે જેમના ઉપર હિન્દી ફ્લ્મિ સંગીતમાં પાૃાત્ય સંગીત મોટાપાયે લાવવાનો આરોપ શરૂઆતમાં હતો એવા આર.ડી. બર્મન પોતાની ડિશ એવી બનાવતા કે તેમાં “ઓ હસીના ઝુલ્ફેંવાલી જાને જહાં…”ની મસ્તીની સાથે જ “તુમને મુઝે દેખા હોકર મેહરબાં, ઝૂક ગઈ યે જમીં, થમ ગયા આસમાં…”નું ઠંડી પવનની લહેરખી જેવું પ્રણય ગીત પણ હોય જ.

‘આર.ડી.’ની વિવિધતાથી ભરપૂર એ રેસિપીને લીધે ‘તીસરી મંઝિલ’ હોય કે ‘યાદોં કી બારાત’થી માંડીને ‘આંધી’ અને ‘૧૯૪૨ અ લવસ્ટોરી’ સુધીના આખે આખા આલ્બમ આજે ત્રીસ કરતાં વધુ સમય પસાર થવા છતાં એવાં જ તાજગીભર્યાં લાગતાં હોય છે. આ પરંપરા ‘૯૦ના દાયકા સુધીના સમયગાળાના મોટાભાગના સંગીતકારોએ નિભાવી હતી. જેમ કે નદીમ-શ્રવણના ‘આશિકી’, ‘દિલ’, ‘હમ હિન્દુસ્તાની’ અને ‘સાજન’ જેવાં આલ્બમોની રચનાઓ ક્યાં ભુલાય એવી હતી? એ જ રીતે એ.આર. રેહમાનની શરૂઆતની ફ્લ્મિ ‘રોજા’થી લઈને ઠેઠ ‘લગાન’ સુધીનાં ઘણાં આલ્બમ આખેઆખાં સુપરહિટ હતાં. (છેલ્લા ઘણા સમયથી રેહમાન પણ જાણે કે ખોવાતા જતા હોય એવું લાગ્યા કરે છે.) વચમાં સૂફી ગીતોનો દૌર આવ્યો અને એક ભેડચાલની માફ્ક દર ત્રીજા આલ્બમે એકાદ તો સૂફીગાન આવવા લાગ્યું અને ભક્તિના એ અનોખા સ્વરૂપને પણ બીબાઢાળ થવાનો જાણે કે શ્રાપ લાગી ગયો!

અત્યારના ગીત-સંગીતની કરુણતા એ વધારે લાગે છે કે એક પિક્ચરમાં એક કરતાં વધુ સંગીતકારો એકત્ર થાય છે તો પણ એકલા પ્રીતમ કે બપ્પી લહેરીના સ્તરનું લોકપ્રિય સંગીત નથી આપી શકતા. આજકાલ ઓપન માર્કેટની પોલીસીને લીધે ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં, એટલા સંગીતકારો, ગીતકારો અને ગાયકો ઉપલબ્ધ હોય છે. ટેકનિકલી પણ રેકોર્ડિંગમાં એટલી અદ્યતન સામગ્રીઓ આવી ચૂકી છે કે ક્યાંય કચાશ રહેવાની કોઇ ગુંજાઇશ નથી રહી શકતી. ત્યારે ખૂટે છે શું? સંગીતકારોની ક્રિયેટિવિટી? ગાયકોની સજ્જતા? કે ગીતકારોની કવિતા? કે પછી એ બધું અને સિનેમાની ફેક્ટરીમાંથી નીકળતા ‘લોટ પાણી ને લાકડાં’ના ન્યાયે બનેલી અધકચરી સંગીતરચનાઓને માર્કેટિંગના કમાલથી યુ ટયુબ પર મિલિયન્સમાં વ્યૂ બતાવીને નિર્માતાઓને એ જ રસ્તે રાખતા પબ્લિસિટીના આધુનિક કારીગરો?

કારણ ગમે તે હોય, કર્ણપ્રિય સંગીતના ચાહકો માટે આજના મ્યુઝિક કરતાં અગાઉના સંગીત માટેનો સદ્ભાવ વધતો જ જાય છે અને તે ‘સારેગમપા’ કે ‘ઇન્ડિયન આઇડલ’ અથવા ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ જેવા કાર્યક્રમોની લોકપ્રિયતામાં પ્રતિબિંબિત થાય છે. તેમાં પણ ‘લિટલ ચેમ્પ’ જેવાં પ્રોગ્રામમાં આવતાં બાળકો કોઇ કાગળમાં અથવા તો ટેલિપ્રોમ્પટરમાં જોયા વગર જૂનાં અને નવાં સુંદર ગાયનો મોંઢે જ ગાતા જોઇએ ત્યારે થાય કે આજ જેવી છે એવી, પણ હિન્દી સિનેમાની આવતી કાલનું ભાવિ સલામત જ છે!

તિખારો!  

શત્રુઘ્નસિન્હાને ‘પટના સાહિબ’ વિસ્તારથી જ ઉમેદવારી કરવી હતી. પરંતુ, ગઠબંધનના પક્ષો લાલુ પ્રસાદ યાદવની પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના સીટોના એડજસ્ટમેન્ટમાં મોડું થતું હતું. એવા દિવસોમાં, ટ્વીટર પર એ કારણનું એક નેટિઝને આવું વર્ણન કર્યું હતું, “પટનાસાહિબ કે લિયે સાહિબ ભી તો પટના ચાહિયે ના?!”

salil_hb@yahoo.co.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટીન કનસ્તર પીટ પીટ કર ગલા ફડ કર ચિલ્લાના   appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/tin-concerts-pete-pete-kar-gala-f/
via Best Gujarati News

0 Comments