। નવી દિલ્હી ।

દેવામાં ઘેરાયેલા અનિલ અંબાણીની કંપનીઓ એક પછી એક ચુકવણીમાં પીછેહઠ કરી રહી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટની જેલમાં ધકેલી દેવાની ચેતવણી પછી અનિલ અબાણીની કંપનીએ એરિક્સન કંપનીને રૂપિયા ૫૦૦ કરોડ કરતાં બાકી લેણા ચૂકવ્યા હતા. હવે ફરી એકવાર અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ટેલિકોમ વિભાગને સ્પેક્ટ્રમ પેટે ચૂકવવાના બાકી લેણા એવા રૂપિયા ૪૯૨ કરોડની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, અનિલ અબાણીની કંપની સતત ત્રીજીવાર આ નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે.

આ મામલાના જાણકાર એવા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, રિલાયન્સ કોમ્યુનિકેશન્સે સરકારને રૂપિયા ૪૯૨ કરોડ ચૂકવવાની છેલ્લી તારીખ ૧૯ એપ્રિલ હતી જેમાં ૧૦ દિવસના ગ્રેસ પિરિયડનો પણ સમાવેશ થાય છે. અનિલ અંબાણીની કંપની આ પહેલાં પાંચમી એપ્રિલે ૨૮૧ કરોડ અને ૧૩ માર્ચે ૨૧ કરોડની બાકી રકમ ચૂકવવામાં પણ નિષ્ફળ રહી હતી. એક સમયે ભારતના ટેલિકોમ સેક્ટરમાં અગ્રિમ સ્થાન ધરાવતી અનિલ અંબાણીની કંપની પર અત્યારે રૂપિયા ૪૬,૦૦૦ કરોડનું દેવું છે.

દેવા તળે દટાયેલી અનિલ અંબાણીની કંપનીએ જણાવ્યું હતું કે, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલના આદેશ બાદ અમારે કોઈ ચુકવણી કરવાની રહેતી નથી. બીજીતરફ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે જણાવ્યું હતું કે, અમે ટ્રિબ્યૂનલ દ્વારા કારણ બતાવો નોટિસ જારી થાય અથવા તો રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશન્સ પાસેથી સ્પેક્ટ્રમ પરત લઈ લેવાનો આદેશ અપાય તેની રાહ જોઈ રહ્યાં છીએ. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ આ મામલાની સુનાવણી ૩૦મી એપ્રિલના રોજ હાથ ધરાશે. આ દિવસે અદાલત ઇન્સોલ્વન્સી ફાઇલ કરવાની પરવાનગી માગતી રિલાયન્સની અરજી પર પણ વિચારણા કરશે.

માર્ચ મહિનાના બાકી લેણાં નાણાં મુંબઈ સર્કલના હતા. ત્યારબાદ ડોટે કંપનીને કારણ બતાવો નોટિસ પાઠવી પૂછયું હતું કે શા માટે કંપનીનું લાઇસન્સ રદ કરી સ્પેક્ટ્રમ પરત લઈ લેવામાં ન આવે? જોકે હાલ પૂરતો ટ્રિબ્યૂનલે આ નોટિસ પર સ્ટે લગાવ્યો છે.

દેવું ચૂકવવા માટે અમને વધુ સમય અપાવો જોઈએ : રિલાયન્સ કોમ્યુનિકેશન્સ

આરકોમે ટ્રિબ્યૂનલમાં જણાવ્યું હતું કે, કંપનીને દેવાની ચુકવણી માટે વધુ સમય અપાવો જોઈએ કારણ કે નાદારી કાયદા અંતર્ગત ચાલી રહેલા એક અન્ય કેસમાં કંપનીને દેવાની ચુકવણી માટે સમય આપવામાં આવ્યો છે. આ કારણથી કંપનીનું લાઇસન્સ અને સ્પેક્ટ્રમ પરત લઈ શકાય નહીં. ડીઓટીએ હજુ કંપનીની રૂપિયા ૨,૦૦૦ કરોડની બેન્ક ગેરંટી પરત આપી નથી. તેમાંથી ૭૫૦ કરોડ તો ડીઓટીએ વટાવી પણ લીધાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટેલિકોમ વિભાગના પણ રૂપિયા ૪૯૨ કરોડ ચૂકવવમાં અનિલ અંબાણીની આરકોમ નિષ્ફળ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/telecom-department-of-rupees/
via Best Gujarati News

0 Comments