રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

લોકસભાની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે. દર દાયકે ચૂંટણી પેટર્ન બદલાય છે. એક જમાનામાં આઝાદીના લડવૈયા સ્વતંત્રતા બાદ ચૂંટાઈને લોકસભામાં જતા હતા. તેના ઘણાં વર્ષો બાદ બિહાર જેવાં રાજ્યોમાં બુથ કબજે કરી શકે તેવા લોકો ચૂંટાઈને જતા હતા. તે પછી બાહુબલી અર્થાત્ મસલ પાવર ધરાવતા લોકો રાજનીતિમાં આવતા ગયા.

અમદાવાદના લોકોને યાદ હશે કે લતીફ જેલમાં હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાંચ જગ્યાએથી ચૂંટણી લડયો હતો અને જીતી ગયો હતો. મધ્યપ્રદેશના લોકોને યાદ હશે કે ચંબલની ડાકુરાણી ફૂલનદેવી પણ ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચી ગઈ હતી. મુંબઈના લોકોને યાદ હશે કે અરૂણ ગવળી પણ રાજનીતિમાં આવી ગયો હતો.

એક જમાનાના મશહૂર સ્મગલર હાજી મસ્તાને પણ પાછલી જિંદગીમાં એક રાજકીય પક્ષ ઊભો કર્યો હતો.

હાજી મસ્તાને દાણચોરીનો ધંધો છોડી દીધો. તે પછી રાજનીતિમાં ઝંપલાવવા તેમણે ‘ભારતીય માઈનોરિટી સુરક્ષા મહાસંઘ’ નામની રાજકીય પાર્ટી શરૂ કરી હતી. ૧૯૯૪માં હાજી મસ્તાનનું મૃત્યુ થયંુ ત્યાં સુધી પાર્ટીનું નેતૃત્વ હાજી મસ્તાને કર્યું હતું. એ પછી પણ એ પાર્ટી ચાલુ રહી હતી અને ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં આ પક્ષે મહારાષ્ટ્રમાં ત્રણ બેઠકો પર ચૂંટણી લડવા ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તે ત્રણેય ઉમેદવારોએ બધા મળીને માત્ર ૮,૨૦૦ મત મેળવ્યા હતા. આ પોલિટિકલ પાર્ટીનો આરંભ હાજી મસ્તાને જેલમાંથી છૂટયા બાદ એટલે કે ૧૯૮૦-૮૧માં કર્યો હતો જે પાર્ટીને પાછળથી ‘દલિત મુસ્લિમ સુરક્ષા મહાસંઘ’ એવું નામ આપવામાં આવ્યું હતું.

હવે સમય બદલાયો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી રાજનીતિમાં આવી ગયેલા અંડરવર્લ્ડના માણસો સતત ત્રણ ચૂંટણીઓ દરમિયાન હારી જવાના કારણે હવે ચૂંટણીમાં બાહુબલીઓનો દોર ખતમ થતો જોઈ શકાય છે.

૨૦૧૭ની વિધાન સભાની ચૂંટણીઓમાં બાહુબલીઓનો હારનો સિલસિલો જારી રહ્યો. તેમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડનાર અભયસિંહ અને બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડનાર મુખ્તાર અન્સારીના પુત્ર અબ્બાસ અને તેના મોટાભાઈ સિબગતુલ્લાહનો સમાવેશ થાય છે. ધનંજયસિંહને પણ પરાજિત થવું પડયું. જોનપુરની મલહની સીટ પરથી ધનંજયસિંહને પારસનાથ યાદવે હરાવ્યા હતા.   મુખ્તારસિંહ પંજાબની જેલમાં બંધ છે. તેની સામે ૧૫ જેટલા અપરાધિક કેસ ચાલી રહ્યા છે છતાં તેમના ભાઈ અફજલ અન્સારી અને પુત્ર અબ્બાસને બસપાની ફરી ટિકિટ અપાવવા સક્રિય હતો.

૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન એ વખતના ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જેલમાં બંધ મુખ્તાર અન્સારી અને તેમના પરિવારને સમાજવાદી પાર્ટીમાં દાખલ કરવા સામે સખ્ત વિરોધ કર્યો હતો. અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે આ અંગે તલવારો પણ ખેંચાઈ હતી. પોતાની પ્રતિભા જાળવી રાખવા અખિલેશ યાદવે અલ્હાબાદના બાહુબલી અતીક અહેમદ, ભદોહીના વિજય મિશ્ર અને બુલંદશહેરના ગુડ્ડુ પંડિત તથા તેમનો ભાઈ મુકેશ શર્મા અને અમન મણિની ટિકિટો કાપી નાંખી હતી. એ પછી અંડરવર્લ્ડના લોકોએ નાની-નાની પાર્ટીઓ દ્વારા ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું.

એ વખતે જે જે નાના પક્ષો હતા તેમની મોટી હાર થઈ હતી. અપના દળમાંથી ચૂંટણી લડનાર માફિયા મુન્ના બજરંગીની પત્ની સીમા સિંહ મડિયાહૂ બેઠક પર ચોથા સ્થાન પર રહી હતી. બાહુબલી નેતા ધનંજયસિંહ આમ દળની ટિકિટ પર ચૂંટણી લડયા અને હારી ગયા. એ જ રીતે એ જ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડનાર અજય સિપાહી કટેહરીથી હાર્યા. ગુડુ પંડિત અને તેનો ભાઈ મુકેશ શર્મા બુલંદ શહર અને શિકારપુરથી હાર્યા. બાહુબલી નેતા સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવાએ તેની પત્ની પાયલ માહેશ્વરીને આરએસડીની ટિકિટ પર મુઝફ્ફરનગરની બેઠક પરથી ચૂંટણી લડાવી અને તેમને માત્ર ૫૬૪૦ મત મળ્યા. એવા જ બીજા એક બાહુબલી નેતા ઉમાકાન્ત યાદવે તેમના પુત્ર દિનેશ કાંતને આરએલડીની ટિકિટ પર શાહગંજની બેઠક પરથી ચૂંટણી લડાવી અને તેમને માત્ર ૬૪૬૨ મત જ મળ્યા. યશભદ્ર સિંહ મોનુ આરએસડીની ટિકિટ પર ઈસૌલીની બેઠક લડયા અને હારનો સામનો કરવો પડયો.

ધનંજયસિંહ નામના બાહુબલી સામે ત્રણ જેટલા અપરાધિક મામલા ચાલી રહ્યા છે તેઓ ક્યારેક પૂર્વાચલની જૌનપુર બેઠક પરથી ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. અલબત્ત, ૨૦૧૨ પછી તેઓ સતત હારતા આવ્યા છે.

અતીક અહેમદ જેલમાં બંધ છે. તેમની છાપ માફિયા તરીકેની છે. આ વખતે પણ તેઓ લોકસભાની ચૂંટણી લડયા બધા મોટા પક્ષોનાં દ્વાર ખટખટાવી આવ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી નહીં. તેમની સામે ૪૨ જેટલા અપરાધિક મામલા ચાલે છે.

એજ રીતે બ્રિજેશ સિંહ પણ માફિયામાંથી માનનીય નેતા બનવાની દોડમાં હતા. તેમણે તેમના ભત્રીજા અભય સિંહને ચંદોલીની બેઠક પરથી ચૂંટણી લડાવવા પ્રયાસ કર્યો હતો. અલબત્ત, વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અભયસિંહ શાંત છે.

આ ઉપરાંત બાહુબલીઓમાં એક જાણીતું નામ રાજા ભૈયા છે. તેમનું આખું નામ રઘુરાજ પ્રતાપસિંહ છે, પણ લોકોમાં તેઓ રાજા ભૈયા તરીકે જાણીતા છે. તેઓ અત્યાર સુધી અપક્ષ તરીકે ચૂંટણી રહ્યા છે. તે પછી તેમણે પોતાની પાર્ટી ‘અપની પાર્ટી જનસત્તા દળ’ ઊભી કરી. તેઓ ખુદ તો ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ પોતાના નજીકના માણસોને ચૂંટણી લડાવી રહ્યા છે. એમનો ખાસ ગજ વાગે તેમ નથી. રાજા ભૈયા સામે માત્ર એક જ અપરાધિક કેસ ચાલી રહ્યો છે.

આવું જ બીજું એક નામ છે, હરિશંકર તિવારી. તેમને તેમના પુત્ર કુશલ તિવારીને રાજનીતિના મેદાનમાં ઉતારવા પ્રયાસ કર્યો હતો. કોઈ મોટી પાર્ટી તેમને ટિકિટ આપવા તૈયાર નહોતી. આ દેશમાં પોતપોતાના ઈલાકામાં ભયનું સામ્રાજ્ય ફેલાવનાર બાહુબલીઓની આજે પણ કમી નથી. ભૂતકાળમાં કેટલાય આવા નેતાઓ વિધાનસભામાં કે લોકસભામાં પહોંચવામાં સફળ નીવડયા હતા. પરંતુ જનતાએ તેમને હરાવવાની શરૂઆત કરતાં હવે એ બાહુબલીઓનું બાહુબળ હવે કામ આવતું નથી. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ સતત હારી રહ્યા છે ૨૦૧૨ની વિધાનસભાની અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં પરાજય પામ્યા બાદ બાહુબલીઓની રાજનીતિમાં તાકાત ઓસરી રહી છે.

પ્રજા હવે શાણી બની ગઈ છે અને મોટા રાજકીય પક્ષો પણ અંડરવર્લ્ડના માણસોથી પોતાનું અંતર જાળવવા માંડયા છે.

  • devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લોકસભાની ચૂંટણીમાં અંડરવર્લ્ડનો જાદુ ઓસર્યો appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/lok-sabha-election-underway/
via Best Gujarati News

0 Comments