‘જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ’
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
ઊંઘની વાત, સાવ નાનકડી કે નજીવી લાગતી હોવા છતાં માણસના આખા દિવસની પ્રવૃત્તિ ઉપર એની ઘણી મોટી અસર રહે છે.
સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઊંઘમાંથી જાગવાની વાત તો સાવ સીધી સાદી છે, પરંતુ ન્યુરો ફિઝિયોલોજીના નિષ્ણાત મિલ્ટન ડી લુચીના મત પ્રમાણે જાગૃત થવાની પ્રક્રિયા અટપટી અને ખાસ અભ્યાસ કરવા જેવી પ્રક્રિયા છે.
ખરેખર તો આપણે ઊંઘમાં કેમ સરી પડીએ છીએ અથવા તો એમાંથી કઈ રીતે જાગૃત થઈએ છીએ એ વિશે ઘણું ઓછું જાણીએ છીએ. હજુ આધુનિક વિજ્ઞાન ઊંઘનાં અને જાગૃત થવાનાં રહસ્યો ઉકેલવાં પ્રયત્ન કરી રહ્યું છે. ઊંઘના લાંબા કલાકોમાં સમય વિશે આપણને કોઈ ખ્યાલ રહેતો નથી. ક્યારેક સમયનો ખ્યાલ સતત રહે છે તો ઊંઘ જ આવતી નથી. ક્યારેક જાગ્યા પછી ફરી પાછા સૂઈ જવાની ઈચ્છા થાય છે અને એ રીતે સૂઈને જાગ્યા પછી માત્ર થોડી પળોનું ઝોકું લીધું છે એમ આપણને લાગે ત્યારે ખાસ્સી એકાદ કલાકની ઊંઘ આપણે ખેંચી કાઢી હોય છે. ક્યારેક જાગતી વખતે મન પ્રફુલ્લ હોય છે તો ક્યારેક તે પાછું ભાગે છે. આમ ઊંઘનો પ્રદેશ અજાયબ પ્રદેશ છે. કેટલાક માણસો રાત્રે દસ વાગે સૂઈને સવારે આઠ-નવ વાગે જાગે તો પણ તેમને સુસ્તીનો અનુભવ થાય છે. ખરેખર એમ ન થવું જોઈએ. માણસ મોડેથી સૂએ કે વહેલા સૂએ પૂરતી ઊંઘ લઈને જાગ્યા પછી તેને સ્ફૂર્તિનો અનુભવ ન થાય તો ક્યાંક કશીક ખામી છે એમ માનવું જોઈએ અને એ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ.
આ ક્ષેત્રના નિષ્ણાતોએ ઊંઘમાંથી જાગ્યા પછી વહેલામાં વહેલી સ્ફૂર્તિ કઈ રીતે મેળવી શકાય એની કેટલીક રીતો બતાવી છે. તમે જાગો અને તમારો દિવસ શરૂ થાય ત્યારે તે સ્ફૂર્તિથી શરૂ થવો જોઈએ. ઊંઘ પૂરતી લેવી જોઈએઃ જે માણસ અધૂરી ઊંઘે જાગે છે તે સ્ફૂર્તિથી જાગી શક્તો નથી. એ જ રીતે જે માણસ વધારે પડતી ઊંઘ લે છે તે પણ આળસુ અને ચીડિયો બની જાય છે. માણસે કેટલી ઊંઘ લેવી જોઈએ એના વિશે કોઈ ખાસ નિયમ નથી. કેટલાક માણસોને નવ કલાકની ઊંઘ જોઈએ છે જ્યારે બીજાને ચાર કે પાંચ કલાકની ઊંઘ જ પૂરતી થઈ પડે છે. સામાન્ય માણસને સાતથી સાડાસાત કલાકની ઊંઘ પૂરતી થઈ પડે છે.
જેટલી ઊંઘ માણસને થાક ઉતારી તાજગી આપી શકે એટલા કલાકની ઊંઘ એના માટે જરૂરી છે એમ માનવું.
કુદરતના ચક્રને વફાદાર રહોઃ આપણા શરીરમાં શક્તિની વધઘટ થયા કરે છે અને એ માટે એક ચોક્કસ ચક્ર હોય છે. જો એને અનુરૂપ આપણે કામ કરવાનું અને ઊંઘવાનું ગોઠવીએ તો દિવસભર વધારે સ્ફૂર્તિથી કામ કરી શકીએ. શરીરમાં જ્યારે શક્તિ ઉભરાતી હોય ત્યારે ઊંઘવાનો પ્રયત્ન કરીએ કે, થાકી ગયા હોઈએ ત્યારે ઉત્તેજિત કરે તેવાં પીણાં, તમાકુ કે એવી કોઈ વસ્તુઓ દ્વારા જાગૃત રહીને કામ કરવાનો પ્રયત્ન કરીએ તો તેમાં પૂરી સફળતા મળતી નથી. અસાધારણ સંજોગોમાં માણસે ગમે તે કરવું પડે, પરંતુ સામાન્ય સંજોગોમાં શક્તિના કુદરતી ચક્રને વફાદાર રહીને જીવવું જોઈએ. આમ કરવા માટે ઊંઘના અને કામના કલાકોનું આયોજન કરવું જોઈએ. દિવસભર તાજગીથી કામ કરવા ઈચ્છનાર વ્યક્તિ, ગમે ત્યારે સૂઈ શકે નહીં. એ જ રીતે કોઈક દિવસ ખૂબ વધારે ઊંઘ તો કોઈક દિવસ ઓછી ઊંઘ લેવાની ટેવ પણ નુકસાનકારક છે.
શરીરને ધીમેધીમે જાગૃત કરોઃ સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે જાગતાવેંત જ આપણું મગજ જાગી જાય છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે. ઊંઘતી વખતે તેમજ જાગતી વખતે મગજ એ ક્રિયામાં ધીરેધીરે સરે છે. માણસ ઊંઘે છે ત્યારે પણ અમુક સમય સુધી મગજ જાગૃત રહે છે. આપણે ઈલેક્ટ્રિક પંખો બંધ કરીએ પછી પણ તે અમુક સમય સુધી ચાલતો રહે છે એવી આ વાત છે. આપણે જાગૃત થઈએ ત્યારે પણ આવું બને છે અને આપણું મગજ જ્યાં સુધી સ્ફૂર્તિમાં ન આવે ત્યાં સુધી આપણે સ્ફૂર્તિ અનુભવી શક્તા નથી.
મગજને જાગૃત કરવા માટેની કેટલીક વૈજ્ઞાનિક રીત છે. તમારી ઊંઘ ઊડતી હોય અને તમે જાગૃત અવસ્થામાં આવતા હો ત્યારે જમણા હાથની પહેલી આંગળી બે ત્રણ વખત હલાવો અને કેટલીકવાર તે હલાવી એની બરાબર ગણતરી કરો. એક પછી એક બધી જ આંગળીઓ એ રીતે હલાવો અને દરેક વખતે એની ગણતરી કરતા રહો. તમારા મગજનું ધ્યાન આ ક્રિયામાં પરોવાતાં તમને તંદ્રામાંથી જાગૃતિની સપાટી પર એ ઝડપથી લઈ આવે છે. આટલું કર્યા પછી તમે ઊંડા શ્વાસ લો. હાથ અને પગને ઊંચા કરીને હલાવો, સ્ટ્રેસ આપો. હવે શરીર જાગૃત થઈ ગયું હશે. ધીમેથી પથારી છોડીને ઊભા થઈ જાઓ. પથારી છોડીને ઊભા થયા પછી પણ થોડીવાર હળવી અને સાદી કસરત કરો અથવા તો થોડાં ડગલાં ચાલો તો વધારે સારું.
મનને તાજગી મળે એવી પ્રવૃત્તિથી દિવસ શરૂ કરોઃ જાગીને એકધારી પ્રવૃત્તિ કરનારને રોજની એકની એક પ્રવૃત્તિથી કંટાળો આવે છે. એવું ન બને એટલે સવારની પ્રવૃત્તિમાં અમુક સમયે થોડોક ફેરફાર કરતા રહેવું જોઈએ. સવારના નાસ્તામાં, વાચનમાં કે કામ ઉપર જવાના રસ્તા બાબતમાં થોડો ફેરફાર કરવો જોઈએ. એવો ફેરફાર રોજેરોજ કરવો જરૂરી નથી, પરંતુ અમુક સમયાંતરે ક્યારેક એવો ફેરફાર કરવો જોઈએ.
જાગવાનું તમને ગમી જાય એ રીતે જાગોઃ કોઈએ લખ્યું છે, ‘Most of us spend a lifetime going to sleep when we are not sleeping and getting up when we are.’
આપણે જ્યારે ઊંઘમાં નથી હોતા ત્યારે ઊંઘવા જઈએ છીએ અને જ્યારે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે ઊઠી જઈએ છીએ. જીવનભર આમ જ ચાલતું રહે છે અને એના પરિણામે સવાર તાજગીભરી રહેતી નથી. કેટલીકવાર આની પાછળ માનસિક કારણો હોય છે. ઊંઘવાના સમયે ઊંઘ આવતી નથી અને જાગવાના સમયે સ્ફૂર્તિથી જાગી શકાતું નથી. અઘરા કે અણગમતા કામનો બોજો આ માટે કારણભૂત હોઈ શકે છે. ઊંઘતી વેળાએ બીજા દિવસના કોઈક ગમતા સારા કામનો વિચાર કરો અને જાગતી વખતે પણ એવા જ કોઈક આનંદદાયક કામનો વિચાર કરો. અને બની શકે તો ઘરનાં લોકો સાથે, બાલ-બચ્ચાં સાથે થોડો આનંદ કરી લો.
સવારમાં જાગીને કોઈક મનપસંદ પ્રવૃત્તિ કરવાથી મનનો કંટાળો ચાલ્યો જાય છે અને દિવસની શુભ શરૂઆત થઈ જાય છે. જાગવાથી ભાગવાનો કોઈ અર્થ નથી. તાજગીપૂર્ણ દિવસ શરૂ કરવા માટેનાં આ તો થોડાં સૂચનો છે.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ’ appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/like-mind-like-man-like-sava/
via Best Gujarati News
0 Comments