તમારા આંતરિક વિશ્વમાં કોણ પ્રવેશી શકે એ કોણ નક્કી કરે?
તડકભડક : સૌરભ શાહ
તાણ, તંગદિલી કે ટેન્શનોથી સંપૂર્ણ મુક્તિ શક્ય નથી, ઈચ્છનીય પણ નથી. ટેન્શન સર્જાવાથી સિગ્નલ મળે છે કે ક્યાંક કોઈ વાત તાકીદની છે અને તત્કાળ તમારું ધ્યાન એ બાબત પર કેન્દ્રિત કરવાની જરૂર છે. સમસ્યાઓને કારણે ટેન્શનો સર્જાવાનાં બંધ થઈ જાય તો કેટલીક બધી સમસ્યાઓ તરફ માણસનું ધ્યાન ન જાય અને એકના પર બીજી, બીજી પર ત્રીજી સમસ્યાઓ ખડકાતી જ જાય. છેક નીચે રહેલી સમસ્યાઓ વિશે જો ક્યારેક વિચારવાનું થાય ત્યારે એ એટલા ઊંડાં મૂળિયાંવાળી બની ગઈ હોય કે એને ઉખાડી નાંખવી મુશ્કેલ બની જાય અને જરૂર કરતાં અનેકગણી શક્તિ એની પાછળ વેડફી નાંખવી પડે.
કોને, ક્યારે, કઈ અને કેટલી વાત કહેવી એ વિવેકબુદ્ધિ આપણામાં નથી હોતી. બધાને બધું જ કહી દેવાના અંતિમથી માંડીને કોઈને કશું જ ન કહેવું સુધીના સામેના અંતિમે મોટા ભાગના લોકો રહેતા હોય છે.
મનમાં સર્જાતા વિચારો અને લાગણીઓની આપ-લે કશાય કારણ વિના કરવી ગમતી હોય છે. કારણ હોય ત્યારે તો કરવી જ પડે પણ મનમાં ઉદ્દભવતા વિશ્વમાં કોઈ હેતુ વિના બીજાને ડોકિયું કરવાનું આમંત્રણ આપવું ગમતું હોય છે. આવી આત્મીય વ્યક્તિઓ જેમના જીવનમાં છે તેઓ સદ્ભાગી છે. એમને મૈત્રીની બાબતમાં ઈશ્વરીય આશીર્વાદ છે. પોતાના વિચારો પર મેકઅપ કર્યા વિના, તાજી જન્મેલી કૂણી લાગણીઓને એકેય વસ્ત્રમાં વીંટાળ્યા વિના બીજાની સાથે વહેંચવાનો આનંદ જેમણે નથી અનુભવ્યો એમના જીવનમાં જરૂર કંઈક ખૂટે છે. આવા સંબંધોથી છલકાતું હૃદય હંમેશાં સમૃદ્ધિ અનુભવતું રહે.
આંગળીના વેઢે ગણી શકાય એવા આ સંબંધો ઉપરાંત અન્ય ડઝનેક નિકટતમ પરિચિતો, સંખ્યાબંધ સંબંધીઓ અને ઢગલાબંધ ઓળખીતાઓ જીવનમાં હોવાનાં. આવાં અનેક વર્તુળોને કારણે જીવનનું કિનખાબી પોત વણાય.
પણ બધી જ વાત બધાને કહી દેવા માટેની નથી હોતી. તમારા માટે જે હકીકતો સૌંદર્ય મઢેલી હોય એ જ વાતોને બીજી વ્યક્તિ કૂથલીની ફ્રેમમાં મઢાવીને ત્રીજાની આગળ દેખાડી શકે છે. તમારા માટે જે પ્રસંગો અત્યંત દર્દનાક હોય એ જ પ્રસંગો બીજાની પાસેથી સાંભળીને ત્રીજાઓ તમારા પર ખડખડાટ હસી શકે છે. ગૂંગળામણ અનુભવતા હો ત્યારે બીજાની સાથે વાત કરીને તાજી હવા શ્વાસમાં લેવાનો પ્રયત્ન થતો હોય છે. પણ આ વાત ત્રીજાઓ સુધી પહોંચે ત્યારે પ્રાણવાયુ મળવાને બદલે કોઈ તમારું ગળું ભીંસતું હોય એવું બેબાકળાપણું અનુભવાય. પ્રેમવશ કરી દીધેલી તમારી કઈ વાતને કોણ કેવી રીતે સમજશે અને કેવી રીતે બીજાને પહોંચાડશે એની ખાતરી તમને નથી હોતી. ઘણાને બીજી વ્યક્તિ સાથેની પોતાની આત્મીયતા પુરવાર કરવા પોતાની બધી જ અંગત વાતો કહી દેવાની કે બીજાની બધી જ અંગત વાતો જાણી લેવાની ટેવ હોય છે. આવી ટેવ ખોટી અને આવી ઈચ્છા પણ નકામી.
પોતાના ભાવવિશ્વને સાચવવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે. કશુંક ન ગમતું ખાળવાની અને કશુંક ગમતું મેળવી લેવાની ફરજ પણ એની પોતાની જ. અન્ય કોઈ આ માટે ગમે એટલું દબાણ લાવે કે શરમમાં નાખવાનો પ્રયાસ કરે તો તમે આ બાબતમાં વિવેકપૂર્વક પોતાનું ધાર્યું કરી શકો. આમ છતાં દુરાગ્રહ થાય ત્યારે તમે પણ એટલા જ મક્કમ બની શકો છો. આવા વખતે તમને નફ્ફટ, નિર્લજ્જ કે બેશરમ જેવાં વિશેષણો વડે નવાજવામાં આવે ત્યારે ધ્યાન રાખવાનું કે વાસ્તવમાં આ તમામ વિશેષણો દુરાગ્રહ કરનારની પોતાની ઓળખાણ જેવાં છે.
તમારી વાત ત્રીજી વ્યક્તિ સુધી ન પહોંચે એવી તમારી ઈચ્છા હોય તો તમે બીજી વ્યક્તિ સુધી પણ ન જાઓ. બીજી વ્યક્તિને કહેવાની વાત ત્યારે જ કહેવાય જ્યારે તમને ખબર હોય કે આ વાત એ ત્રીજી વ્યક્તિને નહીં કહે. તમારો આત્મીય સંબંધ બીજી વ્યક્તિ સાથે છે, ત્રીજી સાથે નહીં. તમારી વાતનું ગૌરવ સમજશે તો બીજી વ્યક્તિ જ સમજશે, ત્રીજી નહીં. ત્રીજી વ્યક્તિને એના પોતાના કોઈ આત્મીય સંબંધો હશે જેની સાથે એ તમારી આ વાતને વહેંચવા માગશે. આવું થશે ત્યારે ત્રીજી વ્યક્તિનો આશય નહીં હોય તો પણ એણે ચોથી વ્યક્તિ સુધી પહોંચાડેલી વાત કૂથલી બની જવાની. તમારા અંગત મિત્રને કહેલી કોઈ વાત એ મિત્રની પત્ની સુધી, પછી પત્નીની નણંદ સુધી, નણંદની પડોશણ સુધી, પડોશણના પ્રેમી સુધી અને પ્રેમીના બિઝનેસ પાર્ટનર સુધી આંગડિયા સેવાની મદદ વગર પહોંચી જાય છે.
જેમની સાથે વાતો કરવાથી તમારું હૃદય હળવું થતું હોય, તમને દિશાસૂચન મળતું હોય કે કોઈપણ પ્રકારની બિનશરતી સહાય મળતી હોય એવી વ્યક્તિઓ તમને સહાનુભૂતિ, સલાહ કે મદદ આપવાનું પોતે વળતર મેળવતા હોય એ રીતે તમારી અંગત વાતોને બીજાઓના નિંદારસને સંતોષવા મોકલી શકે છે. આવા વાતાવરણમાં કવિ રાજેન્દ્ર શાહની લોકપ્રિય કવિતા ‘બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ’માંની એક પંક્તિ કંઠસ્થ રાખવીઃ ‘આપણી વ્યથા, અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.’
માણસ જેવા વાતાવરણમાં રહે એવો જ એ વહેલો-મોડો થઈ જાય. સતત ઊતરતી કક્ષાના અર્થાત્ મીડિયોકર વાતાવરણમાં જીવનારી વ્યક્તિ આજે નહીં તો કાલે મીડિયોકર બની જાય એ નિશ્ચિત છે. મગજને સ્ફૂર્તિ આપે, દિમાગને ઉત્તેજિત કરે એવું વાતાવરણ જો માણસની આસપાસ ન હોય તો તે એણે પ્રયત્નપૂર્વક ઊભું કરવું જોઈએ અને જો એવું વાતાવરણ હોય છતાં એ વિખેરાઈ જતું લાગે કે ડહોળાઈ જતું લાગે તો લાખ પ્રયત્નો કરીને એને સાચવી રાખવું જોઈએ. આવું કરવામાં દુનિયાદારીનો થોડોક ભોગ આપવો પડે. થોડા અવ્યવહારુ બનવું પડે. માણસને જેમ સામાજિક, પારિવારિક ઈત્યાદિ જવાબદારીઓ હોય છે એમ એના પર પોતાની જાત પ્રત્યેની પણ જવાબદારી હોય છે. આ જવાબદારી નિભાવતાં નિભાવતાં ક્યારેક કોઈ તમને સ્વાર્થી ગણી કાઢે તો ભલે. બહારના લોકો કે બહારનું વાતાવરણ તમને બહુ ન વતાવે એ માટે દરેક માણસની આસપાસ એક અભેદ્ય કવચ હોવું જોઈએ. ધસ ફાર એન્ડનો ફર્ધર. અહીં સુધી આવી ગયા તે ભલે આવ્યા પણ હવે આગળ વધવું નહીં એવી ચેતવણી ગર્ભિત રીતે માણસે પોતાની સાથે લાંબો-ટૂંકો સંબંધ ધરાવતી દરેક વ્યક્તિને વંચાવી દેવી જોઈએ. તમારા આંતરિક વિશ્વમાં કોણ કેટલું પ્રવેશી શકે અને કોણ કેટલી જગ્યા લઈ શકે એની મર્યાદા તમારે પોતે જ આંકવાની હોય. ન આંકી શકો તો તમારો વાંક. પછી ફરિયાદ નહીં કરવાની કે આ વ્યક્તિ મને આવું કહી ગઈ કે મારી સાથે તેવું વર્તન કરી ગઈ. તમારી સાથે બીજાઓનું કેવું વર્તન હોય એનો ઘણો બધો આધાર તમે પોતે આંકેલી આ સીમારેખા પર પણ રહેલો છે.
– સાયલન્સ પ્લીઝ!
– કઈ વ્યક્તિ સાથે કેવું બને એનો આધાર માત્ર નસીબ પર નથી હોતો.-
– અજ્ઞાત
www.facebook.com/Saurabh.a.shah
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તમારા આંતરિક વિશ્વમાં કોણ પ્રવેશી શકે એ કોણ નક્કી કરે? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/your-inner-world-co/
via Best Gujarati News
0 Comments