એર ઇન્ડિયાના ચેક-ઇન સોફ્ટવેરમાં, શનિવારે સવારના 5 કલાક માટે થતી સમસ્યાની અસર હજુ સુધી ચાલુ રહી છે. સરકારી એરલાઇન કંપનીએ કહ્યું છે કે આજે પણ 137 ફ્લાઇટ્સમાં વિલંબ થશે. રવિવારે, 137 ફ્લાઇટ્સની સરેરાશ વિલંબ 197 મિનિટ હશે. એક દિવસ અગાઉ, એર ઇન્ડિયાના હજારો મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનિય છે કે એર ઈન્ડિયાનનું SITA સર્વર શનિવારે વહેલી પરોઢે ૩.૩૦ કલાકથી ટેક્નિકલ ખામીના કારણે ખોટકાઈ જતાં સમગ્ર વિશ્વના વિમાનીમથકો ખાતે એર ઈન્ડિયાના સેંકડો પ્રવાસી અટવાઈ પડયા હતા. પાંચ કલાકથી વધુ સમય માટે એર ઈન્ડિયાનું સર્વર ખોટકાઈ ગયુ હતું. એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, SITA સર્વર ખોટકાઈ જવાના કારણે એર ઈન્ડિયાના ફ્લાઇટ ઓપરેશનો પર માઠી અસર પડી હતી. પરોઢીયે સર્જાયેલી સમસ્યાના કારણે રાત્રે 8:45 કલાક સુધીમાં 155 ફ્લાઈટ બે કલાક મોડી પડી હતી. પ્રવાસીઓને પડેલી મુશ્કેલીઓ માટે અમને ઘણો ખેદ છે.

શું છે SITA  સોફ્ટવેર
SITA વિશ્વભરની એરલાઇન્સે આઈટી સેવાઓ આપતી મોટી કંપની છે. એટલાન્ટા સ્થિત આ કંપની એરલાઇન્સોને ચેક ઇન, બોર્ડિંગ અને બેગેજ ટ્રેકિંગ ટેક્નોલોજી જેવી સુવિધાઓ આપે છે. આ પ્રકારનો જ બનાવ 23 જૂન 2018ના રોજ બન્યો હતો જેમાં એર ઈન્ડિયાનું ચેક ઇન સોફ્ટવેર ખોરવાઈ જતાં સમગ્ર ભારતમાં 25થી વધુ ફ્લાઇટ વિલંબિત થઈ હતી.

શનિવારે વહેલી પરોઢિયે ૩.૩૦ કલાકે એર ઈન્ડિયાનું SITA સર્વર ખોટકાઈ જતાં દેશના દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા, અમદાવાદ સહિતના ઘરેલં વિમાની મથકો અને વિદેશોમાં પણ એર ઈન્ડિયાના પ્રવાસીઓને બોર્ડિંગ પાસ જારી કરી શકાયા નહોતા. જેના કારણે વિમાની મથકો પર સેંકડો પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો. આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટો વિલંબિત થતાં એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ જામી હતી.

એર ઈન્ડિયાના સીએમડી અશ્વની લોહાનીએ જણાવ્યું હતું કે, સિસ્ટમ ડાઉન થઈ ગઈ છે અને તેમની ટીમ અત્યારે એટલાન્ટામાં સિસ્ટમને દુરસ્ત કરવા કામગીર કરી રહી છે. અમે વિમાની મથકો ખાતે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કામગીરી કરી રહ્યાં છીએ. એક કે બે ફ્લાઇટ ઓપરેશન હોય તેવા નાના એરપોર્ટ ખાતે મેન્યુઅલી કામકાજ થઈ શકે છે પરંતુ મોટા અને વ્યસ્ત વિમાની મથકો ખાતે અમે મેન્યુઅલી કામ કરી શક્તાં નથી.

રોજની 647 ફ્લાઈટ ઓપરેટ થાય છે
એરલાઈન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એર ઈન્ડિયા દ્વારા દરરોજ 647 ફ્લાઈટનું સંચાલન કરવામાં આવે છે. શનિવારે પરોઢિયે સર્જાયેલી સમસ્યાના કારણે ઘણીબધી ફ્લાઈટના ઓપરેશનમાં મોડું થયું હતું.

એર ઈન્ડિયાના સ્ટાફના ઉડાઉ જવાબોના કારણે પ્રવાસીઓમાં આક્રોશ
ફ્લાઇટોમાં વિલંબ થવાના કારણે સેંકડો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર પ્રવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો. સર્વર ડાઉન થવાના કારણે દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક, મુંબઈના છત્રપતિ મહારાજ શિવાજી એરપોર્ટ સહિત દેશના મોટા શહેરોના વિમાની મથકો તેમજ વિદેશોના મહત્ત્વના શહેરોના વિમાની મથકો ખાતે એર ઈન્ડિયાના સેંકડો પ્રવાસીઓ ફસાઈ પડયા હતા.

પ્રવાસીઓની ફરિયાદ હતી કે પાંચ કલાકથી એરપોર્ટ પર ફસાયેલાં હોવા છતાં એર ઈન્ડિયાના કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નહોતો. મુંબઈના એરપોર્ટ પરથી એક પ્રવાસીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અહીં ઓછામાં ઓછા 2,૦૦૦ પ્રવાસીઓ અટવાઈ પડયા છે. દિલ્હીના એરપોર્ટ પર પ્રવાસીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. કેટલાંક પ્રવાસીઓએ કેન્દ્રીયમંત્રીઓ સુષમા સ્વરાજ અને સુરેશ પ્રભુને આ મામલાનો ઝડપથી ઉકેલ લાવવા ટ્વિટ મોકલ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એર ઇન્ડિયાના સોફ્ટવેર શટડાઉનની અસર, આજે પણ 137 ફ્લાઇટ્સ લેટ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/air-india-software-shutdown-effect-137-flights-delayed-today/
via Best Gujarati News

0 Comments