। વોશિંગ્ટન ।

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન માટે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકામાંથી માઠા સમાચાર આવ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે વિશ્વ સંસ્થાના સભ્ય દેશોને આતંકવાદને આર્થિક સહાય સામેની લડાઈ ઉગ્ર બનાવવા અને આતંકવાદને ફંડિંગને ગંભીર અપરાધ ગણાવતા કાયદા સુનિશ્ચિત કરવાના આદેશ જારી કર્યા છે. સુરક્ષા પરિષદે ફ્રાન્સ દ્વારા તૈયાર કરાયેલો ઠરાવ સ્વીકારી લીધો છે. આ ઠરાવમાં આતંકવાદી અથવા આતંકી સંગઠનોને આર્થિક સ્રોતો ઉપલબ્ધ કરાવતા અથવા તો તેમના માટે ભંડોળ એકઠું કરનારા સામે ખટલા ચલાવવા તેમના ઘરેલુ કાયદા અત્યંત આકરા બનાવવા અને આતંકવાદ ફંડિંગને ગંભીર અપરાધ ગણવાની હાકલ કરાઈ હતી.

આ ઠરાવ લાગુ નહીં કરનાર દેશ સામે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ લાદી શકાશે. ઠરાવમાં સભ્ય દેશોને આતંકવાદને થતું ફંડિંગ શોધી કાઢવા અને તે અંગેની તપાસમાં માહિતીના આદાન પ્રદાનના પ્રયાસો મજબૂત બનાવવા ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ રચવાની અપીલ પણ કરાઈ છે. આતંકવાદને મળતી આર્થિક સહાય અટકાવવા માટેનો આ સૌપ્રથમ નક્કર પ્રયાસ છે.

જૈશ-એ-મોહમ્મદના આતંકી સરગણા મસૂદ અઝહર સામે અમેરિકાએ ઠરાવ રજૂ કર્યા પછી આતંકવાદના સફાયા માટેના વૈશ્વિક પ્રયાસોમાં વેગ આવ્યો છે. હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય અટકાવવા માટેનો ઠરાવ સ્વીકારી લીધો છે. આ ઠરાવે આતંકવાદને ફંડિંગ પર નજર રાખતી વોચડોગ સંસ્થા એફએટીએફને સંયુક્ત રાષ્ટ્ર સાથે સાંકળી દીધી છે.

પાકિસ્તાનમાંના આતંકી ઠેકાણાઓ નષ્ટ કરવાની માગ કરતો ઠરાવ અમેરિકી સંસદમાં રજૂ

એેક અમેરિકી સાંસદે પાકિસ્તાન દ્વારા તેની ધરતી પરના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરાય તેવી માગ કરતો ઠરાવ અમેરિકી સંસદમાં રજૂ કરાયો છે. અમેરિકી સંસદની પ્રતિનિધિ સભાના કોંગ્રેસમેન સ્કોટ પેરી દ્વારા રજૂ કરાયેલા ઠરાવાં ૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા સીઆરપીએફ પર કરાયેલા આતંકવાદી હુમલાને વખોડી કઢાયો છે. ઠરાવ રજૂ કરતાં પેરીએ જણાવ્યું હતું કે, હવે બહુ થયું. હવે આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનની સરકારને જવાબદાર ગણવાનો સમય આવી ગયો છે. અમેરિકાના અથાક પ્રયાસો છતાં આતંકવાદીઓને આશ્રય આપવાનો પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

આતંકવાદને સમર્થનમાં પાક. રીઢો અપરાધી : ભારત

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ટેરર ફંડિંગ પર અસરકારક રોક લગાવવા અને તેના નિયમો નક્કી કરવાની દિશામાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સને મોટી ભૂમિકા સોંપવાના ઠરાવને આવકાર આપ્યો હતો. યુનો ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને શુક્રવારે પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, આતંકવાદને સમર્થનમાં પાકિસ્તાન રીઢો અપરાધી દેશ છે. પાકિસ્તાન તરફ ઇશારો કરતાં અકબરુદ્દીને જણાવ્યું હતું કે, આતંકવાદીઓને સમર્થન આપી રહેલા કેટલાક દેશ પોતાની કરતૂતોનો બચાવ કરવા અને આતંકવાદીઓ સામે કાર્યવાહી નહીં કરવા બહાના શોધી રહ્યાં છે. આ પ્રકારના સિરિયલ ઓફેન્ડર દેશો આતંકવાદને સમર્થન આપી રહ્યાં છે. યુનો આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે ઉત્સુક છે. ટેરર ફંડિંગ પર લગામ કસતા ઠરાવનો કડકાઈથી અમલ થવો જોઈએ.

યુનોના ઠરાવનો રાજકીય સાધન તરીકે ઉપયોગ થવો જોઈએ નહીં : પાકિસ્તાન

પાકિસ્તાનના યુનો ખાતેના રાજદૂત મલીહા લોધીએ જણાવ્યું હતું કે, એફએટીએફ અને ૧,૨૬૭ પ્રતિબંધ સમિતિનો કેટલાક દેશો દ્વારા પોતાના હિતમાં રાજકીય સાધન તરીકે ઉપયોગ થવો જોઈએ નહીં. પાકિસ્તાની રાજદૂતે પોતાના ભાષણમાં ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો હતો.

ચીનના પ્રોજેક્ટ્સ અનેક દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપઃ અમેરિકા

વિશ્વના અનેક દેશોમાં ચીન દ્વારા હાથ ધરવામાં આવેલા કનેક્ટિવિટી પ્રોજેક્ટ સંબંધિત દેશો માટે આર્થિક મદદ ઓછી પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક છે. ચીન હાલમાં બેઇજિંગ બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરવાની તૈયારીમાં વ્યસ્ત છે તેવામાં અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોઓએ આ ચેતવણીસુચક નિવેદન આપ્યું છે. વન બેલ્ટ વન રોડ વિષે ચીન દાવા કરતું રહે છે કે અરબો ડોલરને ખર્ચે હાથ ધરવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ એશિયા, આફ્રિકા,ચીન  અને યુરોપ વચ્ચેની કનેક્ટિવિટી અને સહયોગને વધારશે. બીજી તરફ અમેરિકી વિદેશપ્રધાન પોમ્પિયોએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ચીનની આ પહેલ અમેરિકા અને તેના સહયોગી અને મિત્ર દેશો માટે સંરક્ષણ મોરચે ખતરો બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ટેરર ફંડિંગમાં સંડોવાયેલા દેશો સામે પ્રતિબંધ લાદતાં ઠરાવને UN એ સ્વીકાર્યો appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/terror-funding-involved/
via Best Gujarati News

0 Comments