શરીરને ટકાવી રાખનાર કોણ?
આરોગ્ય ચિંતન : વૈદ્ય મનુભાઈ ગૌદાની
આયુર્વેદ વિજ્ઞાન ત્રિદોષના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર ટકેલું છે. આ ત્રિદોષના કર્મને જાણ્યા વગર અય્યુર્વેદ વિજ્ઞાનને સમજવું શક્ય નથી. બ્રાહ્ય જગતને ત્રણ શક્તિઓ કાર્યરત રાખે છે. અગ્નિ, જળ અને વાયુ. સૂર્યનું પ્રતીક અગિન, ચંદ્રનું પ્રતીક જળ તથા વાયુ સ્વયં સર્વત્ર વ્યાપ્ત છે. આવી જ રીતે આપણા શરીરરૂપી જગતમાં ત્રણ મૂળ શક્તિઓ કાર્ય કરે છે. એ છે ‘ત્રિદોષ’ એટલે કે વાયુ, પિત્ત અને કફ. સૂર્ય અથવા અગ્નિરૂપે પિત્ત શરીરની ઉષ્ણતા જાળવી રાખવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. સમગ્ર પાચનતંત્રનું કાર્ય તથા દેહોષ્મા-ટેમ્પરેચર પિત્તને આધિન છે. આ પિત્તની વધઘટ થવાથી અનેક પ્રકારની વ્યાધિઓ થાય છે.
આયુર્વેદમાં પિત્તના મૂળ ૪૦ રોગો ગણાવ્યા છે. શરીરને ગતિ દેવાનું અથવા શરીરની તમામ ક્રિયાઓમાં જે ચલત્વ કાર્ય છે, તે વાયુને આધિન છે અથવા વાયુનું છે. વાયુ વગર શ્વાસોચ્છવાસની ક્રિયા શક્ય નથી. સમગ્ર-શ્વસનતંત્ર અને નર્વસ સિસ્ટમ આ વાયુને આધિન છે. તેની વધઘટથી અનેક રોગો થાય છે. પરંતુ આ વાયુના આયુર્વેદમાં ૮૦ રોગો ગણાવાય છે. ચંદ્ર અથવા જળનું પ્રતિક કફ છે અને તે શરીરની વૃદ્ધિ કરે છે તથા શરીરમાં સ્નિગ્ધતા ટકાવી રાખે છે. સાંધાઓને જોડી રાખવાનું કાર્ય આ કફની ચીકાશ એટલે કે સ્નિગ્ધતાને આધિન છે. આવા આ કફની વધઘટથી અનેક રોગો થાય છે પરંતુ કફના સ્વતંત્ર ૨૦ રોગો ગણાવાયા છે.
આવી રીતે વાયુ, પિત્ત અને કફ એ ત્રણ મૂળભૂત શક્તિઓ શરીરનું ધારણ, પોષણ અને સંવર્ધન કરે છે. જ્યારે આ ત્રણે દોષોના કાર્ય સમ અવસ્થામાં હોય તો આપણું શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. પરંતુ આ ત્રણમાંથી કોઈપણ એક બે કે ત્રણેની વધઘટ થાય, તો શરીર વિકારમય બને છે. આપણા શરીરમાં વાયુ, પિત્ત અને કફ સર્વત્ર વ્યાપેલા છે. પરંતુ વાયુનું વિશેષ સ્થાન બસ્તિ અથવા પેડૂનો પ્રદેશ ગણાવાયો છે. પિત્તનું સ્થાન-યકૃત, પિત્તાશય, પ્લીહા, ગણાવાય છે. અને કફનું સ્થાન છાતીનો પ્રદેશ ગણાવાયો છે. ઉંમર પ્રમાણે બાલ્યાઅવસ્થામાં કફના રોગો, યુવાવસ્થામાં પિત્તના રોગો, વૃદ્ધાવસ્થામાં વાયુના રોગોનું પ્રમાણ વધારે રહે છે. સમયાનુંસાર સવારે કફનું, બપોરે પિત્તનું અને સાંજે વાયુનું પ્રમાણ વધારે રહે છે. એ જ પ્રમાણે રાત્રિની શરૂઆતમાં કફનું, મધ્ય રાત્રિએ પિત્તનું અને રાત્રિના અંત ભાગે વાયુનું પ્રમાણ વધારે હોય છે. ઋતુ પ્રમાણે ભિન્નતા જોવામાં આવે છે. ગ્રીષ્મમાં ઉષ્ણતા અને રુક્ષતાને લીધે વાયુનો સંચય થાય છે. વર્ષાઋતુમાં પિત્તનો સંચય, શરદમાં પ્રકોપ અને હેમતમાં શમન થાય છે. શિશિરમાં કફનો સંચય, વસંતમાં પ્રકોપ અને ગ્રીષ્મમાં શમન થાય છે.
આ કારણોને લીધે જ આપણે ત્યાં વર્ષામાં વાયુના રોગોનું, શરદમાં પિત્તના રોગોનું અને વસંતમાં કફના રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. એવી જ રીતે આહાર લીધા પછી શરૂઆતમાં કફનો પચતો હોય ત્યારે પિત્તનો અને પચી ગયા પછી વાયુનો પ્રકોપ થાય છે.
વાયુની અધિકતાથી જઠરાગ્નિ વિષમ બને છે. અર્થાત ક્યારેક ભોજન પચે છે, અને ક્યારેક નથી પચતું, પિત્તની અધિકતાથી અગ્નિ તીક્ષ્મ બને છે. એટલે આહાર રસને બાળી નાંખે છે. જેથી આવો આહાર શરીર પોષણમાં સમર્થ બનતો નથી. કફની અધિકતાથી મંદાગ્નિ રહે છે. જેથી આહાર યોગ્ય રીતે પચતો નથી. વાયુ પ્રકૃતિવાળી વ્યક્તિઓનો કોઠો-પેટ ક્રૂર તથા મળ ત્યાગ ક્રિયા અનિયમિત રહે છે. પિત્તના પ્રભાવથી કોઠો મૃદુ એટલે કે નરમ થાય છે, અને મળ ત્યાગ ક્રિયા જલદી થાય છે. કફના પ્રભાવથી કોઠાની ક્રિયા સમાન રહે છે, જેથી મળ પ્રવૃત્તિ નિયમિત અને યોગ્ય રીતે થાય છે.
આ વાયુ પિત્ત અને કફ તેના સ્વભાવિક કર્મ દ્વારા શરીરને ટકાવી રાખે છે. વૃક્ષોનો આધાર જેમ મૂળ છે, તેમ જીવિત શરીરનો આધાર આ વાયુ, પિત્ત અને કફની સ્વભાવિક સ્થિતિ અથવા કર્મ પર અવલંબે છે. સ્વાભાવિક સ્થિતિ એટલે પ્રાકૃત સ્થિતિ.
શરીરને સ્વસ્થ રીતે ટકાવી રાખવા માટે આ ત્રણે દોષોની ક્રિયાઓ સમ અથવા સ્વભાવિક હોવી જોઈએ. તેમાં વધઘટ ન ચાલે. આ ત્રણે દોષોની ક્રિયાઓ યોગ્ય રીતે થતી હોય તો, શરીરની સમગ્ર ક્રિયાઓનું યોગ્ય સંચાલન થાય છે અને તેમાં વધઘટ થાય તો રોગોત્પતિ થાય છે.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post શરીરને ટકાવી રાખનાર કોણ? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/body-sustained-who-who/
via Best Gujarati News
0 Comments