નીરવ મોદીના જામીન ફગાવાયા, ૨૬ એપ્રિલ સુધી જેલવાસ
લંડન :
પીએનબી સાથે ૧૩,૦૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી બીજી વાર વેસ્ટમિંસ્ટર કોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં હવે ૨૬ એપ્રિલના રોજ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યાં સુધી નીરવને જેલમાં ધકેલવામાં આવ્યો છે. આગામી સુનાવણી દરમિયાન નીરવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રાખવામાં આવશે. કેસની સુનાવણી દરમિયાન નીરવ મોદીને પણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ભારત તરફથી ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસની મદદ લેવામાં આવી હતી. આ એજન્સી તરફથી હાજર રહેલા વકીલ ટોબી કેડમેનની ધારદાર દલીલોના કારણે ભારતીય એજન્સીઓને વધુ એક રાહત મળી હતી. કોર્ટે નીરવ મોદીના જામીન ફગાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, લંડનના એક સ્થાનિક અખબાર દ્વારા નીરવ લંડનમાં સંતાયો હોવાના પુરાવા જાહેર કરાતા ભારતીય એજન્સીઓ સતર્ક બની હતી. ભારતના પ્રયાસને પગલે લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવને ઝડપીને કોર્ટ સામે રજૂ કરવાના આદેશ આપ્યા હતા. પોલીસે તેને ૧૯ માર્ચે જ ઝડપી પાડયો હતો અને કોર્ટ સામે રજૂ કર્યો હતો. તેણે પાંચ લાખ પાઉન્ડના અંગત બોન્ડ ઉપર જામીનન માગણી કરી હતી. કોર્ટે પણ નીરવ મોદીની નાસી જવાની ફિતરતને આધારે તેને જામીન આપવાની ના પાડી દીધી હતી. તેને ૨૯ માર્ચ સુધી જેલમાં મોકલી દીધો હતો.
કોર્ટ રૂમ લાઇવ : જજ અર્બનથોટે નીરવના વકીલને ઝાટકી કાઢયા
કેસની સુનાવણી દરમિયાન જજ એમ્મા અર્બનથોટે જણાવ્યું કે, બંને પક્ષોના વકીલોની દલીલ સાંભળવામાં આવી છે. આ કેસમાં જણાઈ રહ્યું છે કે, નીરવ મોદી દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના કારણે ભારતની બેન્કોને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત પુરાવાઓનો પણ નાશ કરવામાં આવ્યો છે. મારા મતે આ કેસ છેતરપિંડીનો અસાધારણ કેસ છે. આ કેસમાં જામીન આપી શકાય તેમ નથી. તેમણે નીરવના વકીલને ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, તમે મારી સામે જે દસ્તાવેજો રજૂ કર્યા છે તે માત્ર કાગળોને એક ફાઈલ છે. તેમાં કશું જ નક્કર સાબિત થતું નથી. ઉલ્લેખનીય છે કે, એમ્મા અર્બનથોટ એ જ જજ છે જેમણે ડિસેમ્બરમાં માલ્યના પ્રત્યર્પણના આદેશ આપ્યા હતા.
નીરવના ભાગી જવાની પૂરતી શક્યતાઓ છે : કેડમેન
ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ટોબી કેડમેને જણાવ્યું કે, નીરવ મોદીને જામીન ન આપવા જોઈએ. નીરવ મોદીએ આશિષ લાડ નામના એક સાક્ષીને બોલાવીને મારી નાખવાની ધમકી આપી હતી. કેડમેને વધુમાં જણાવ્યું કે, નીરવ મોદી ભારતીય એજન્સીઓને સહયોગ આપતો નથી. તેને જો જામીન આપવામાં આવશે તો તેની ફરીથી ભાગી જવાની પૂરતી શક્યતાઓ છે. તે ઉપરાંત પુરાવાનો નાશ થવાની અને સાક્ષીઓને માથે જોખમ ઊભું થવાની પણ પૂરતી શક્યતાઓ રહેલી છે. ભારતથી બ્રિટન પહોંચેલી ઈડી અને સીબીઆઈની ટીમ દ્વારા પણ કોર્ટ સામે નીરવ વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
સીબીઆઈ અને ઈડી દ્વારા નીરવ મોદી, તેની પત્ની એમી, મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓ સામે ભારતમાં જમા કરાવાયેલી ચાર્જશીટની નકલ પણ બ્રિટનમાં રજૂ કરવામાં આવી છે. સીબીઆઈ અને ઈડીની ટીમે લંડનની તપાસ એજન્સીઓને તમામ પુરાવા આપ્યા છે.
નીરવને નજરકેદ કરી દો પણ જેલમાંથી બહાર કાઢો : મોંગોમેરી
નીરવ મોદી તરફથી હાજર રહેલા વકીલ ક્લેર મોંગોમેરીએ જણાવ્યું કે, કોર્ટ ઇચ્છે તો તેને ઘરમાં જ નજરકેદ કરાવી શકે છે પણ જામીન આપી દેવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post નીરવ મોદીના જામીન ફગાવાયા, ૨૬ એપ્રિલ સુધી જેલવાસ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/nirv-modi-bail-bonds/
via Best Gujarati News
0 Comments