। બેંગ્લોર ।

આઈપીએલ ૨૦૧૯ની સિઝનને હજુ એક સપ્તાહ પૂરું થયું નથી અને બે મોટા વિવાદના કારણે ટી૨૦ લીગની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. આર. અશ્વિન દ્વારા  કરવામાં આવેલા માંકડિંગ રનઆઉટનો વિવાદ શમ્યો નથી ત્યાં બીજો નવો વિવાદ ઊભો થયો છે અને  આ વિવાદમાં બે  મોટી ટીમો સામેલ છે. હકીકતમાં બેંગ્લોરના  ચિન્નાસ્વામી સ્ટેડિયમ  ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ગુરુવારે મેચ રમાઇ હતી. છેલ્લા બોલે બેંગ્લોરને વિજય માટે  સાત રનની જરૂર હતી અને બોલર હતો લસિત મલિંગા. બેટ્સમેન દૂબે  આ બોલ પર  માત્ર એક જ રન બનાવી શક્યો હતો. મેચ પૂરી થઇ ગઇ હતી અને મુંબઈના તમામ ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠયા હતા. દરમિયાનમાં ટીવી રિપ્લે પર દેખાડવામાં આવતું હતું કે મલિંગાએ જે છેલ્લો બોલ નાખ્યો હતો તે નો-બોલ હતો. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂક્યું હતું અને મેચ પૂરી થઇ ચૂકી હતી.

ટીવી રિપ્લેને જ્યારે કોહલીએ નિહાળ્યો ત્યારે તે ઘણો ગુસ્સામાં આવી ગયો હતો. તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમે આઇપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છીએ. આ કોઇ ક્લબ મેચ નથી. આ પ્રકારની ભૂલ સહેજ પણ ચલાવી શકાય તેમ નથી. અમ્પાયરે તેની આંખો ખુલ્લી રાખવાની જરૂર હતી. મુંબઇના સુકાની રોહિત શર્માએ જણાવ્યું હતું કે આવી ભૂલોના કારણે મેચનું પરિણામ બદલાઈ જતું હોય છે. નોંધનીય છે કે જે અમ્પાયરે આ ભૂલ કરી છે તે એસ. રવિ છે અને તે આઇસીસીનો ઇલિટ પેનલનો અમ્પાયર છે.

અણીના સમયે નો-બોલ તપાસવાની જરૂર છે

અમ્પાયર માત્ર બેટ્સમેન આઉટ થાય ત્યારે જ નો-બોલ કેમ ચેક કરે છે તે મોટો પ્રશ્નાર્થ છે. અણીના સમયે પણ નો-બોલ છે કે નહીં તે ચકાસવું જોઇએ કારણ કે આ પ્રકારની મેચોમાં માત્ર એક બોલ વિજય અને પરાજય વચ્ચેનો ફરક દર્શાવી દે છે. જો બેંગ્લોરને નો-બોલ મળ્યો હોત તો તેને છેલ્લા બોલે ફ્રી-હિટ મળી હોત જેની પર ચોગ્ગો કે છગ્ગો વાગી શક્યો હોત. મેચ સુપર ઓવરમાં પણ જઇ શકી હોત.

બીસીસીઆઇ પાસે ગણતરીના અમ્પાયર્સ છે

ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે ક્વોલિટી અમ્પાયર્સ જ નથી. આઇપીએલ માટે માત્ર ૧૧ જ અમ્પાયર છે જેમની પાસે છેલ્લા પાંચેક આઇપીએલ સિઝનનો અનુભવ છે. હાલની પરિસ્થિતિ એવી છે કે બીસીસીઆઇ એસ. રવિ કે નંદનને અમ્પાયરિંગમાંથી બરતરફ કરી શકે તેવી સ્થિતિમાં જ નથી. વિદેશના તટસ્થ અમ્પાયર્સને પણ બોલાવવા શક્ય નથી.

થર્ડ અમ્પાયરે હસ્તક્ષેપ કરવો કે નહીં?

મલિંગાના નો-બોલના કારણે ક્રિકેટના દિગ્ગજો અને સમર્થકોનું માનવું છે કે હવે ત્રીજા અમ્પાયરે પણ મેદાન પર બનતી કેટલીક ઘટનાઓમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે. ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ના થાય તે માટે માત્ર બેટ્સમેન આઉટ થાય ત્યારે જ નહીં પરંતુ આ પ્રકારની ઘટનાઓમાં પણ થર્ડ અમ્પાયરે નો-બોલ ચેક કરવો જોઇએ કારણ કે એક બોલ પણ કોઇ પણ ટીમ માટે મોટો ફરક પાડી શકે છે.

નો-બોલનો વિવાદ નવો નથી

૨૦૧૮ના ડિસેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝ તથા બાંગ્લાદેશ વચ્ચેની વન-ડેમાં પણ નો-બોલનો વિવાદ સર્જાયો હતો. બાંગ્લાદેશની ચોથી ઓવરમાં ઓશેન થોમસે લિટન દાસને કેચઆઉટ કરાયો હતો પરંતુ અમ્પાયર તન્વીર અહેમદે તેને નો-બોલ જાહેર કર્યો હતો. ટીવી રિપ્લેમાં સ્પષ્ટ જણાતું હતું કે તે બોલ નો-બોલ નહોતો અને થોમસનો પર લાઇનની ઉપર જ હતો. આ પહેલાંનો પણ બોલ અમ્પાયરે નો-બોલ જાહેર કર્યો હતો. નીચલા સ્તરના અમ્પાયરિંગના કારણે કેરેબિયન સુકાની કાર્લોસ બ્રાથવેઇટ નારાજ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post અમ્પાયરનું બ્લન્ડર, નો-બોલ જ જાહેર ના કર્યો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/umpire-blender-no-bo/
via Best Gujarati News

0 Comments