પહેલી એપ્રિલ એટલે ‘સ્વઓળખ’નો દિવસ!
લાફ્ટર કાફે : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’
”એ…પ્રિલ, ફૂઉ…લ. બના…યા આઆ… તો ઉનકો ગુઉસ્સાઆ… આયાયા.”
”શાંતિ રાખ,” હાથમાં પેપર પકડી એમાં ડોકિયું કરી (ખરેખર તો મોં સંતાડીને!) વાઇફને ધમકાવતાં મેં કહ્યું, ”એક તો ગુનો કરે છે અને પાછી ફરિયાદ પણ કરે છે?”
”ગુનો?!” વાઇફે સહેજ આશ્ચર્યથી કહ્યું, ”મેં ક્યારે ગુનો કર્યો?”
”એ વરસે મને ખબર પડી ગઈ હોત, તો આટલાં વરસો પછી મારે આ ગીત સાંભળવાનો દહાડો ન આવ્યો હોત…”
”તમે શેની વાત કરો છો, મને એ જ નથી સમજાતું.”
”ન જ સમજાય,” મેગેઝિનમાં નજર ડૂબાડીને મેં કહ્યું, ”એપ્રિલફૂલ કરનારને સમજ ન પડે કે જેને આપણે એપ્રિલફૂલ બનાવીએ છીએ, તેના જીવનમાં તેની પર શું શું વીતશે…”
”લાગે છે કે આજે તમારું ચસકી ગયું છે…”
”ચસકી તો એ વરસે ગયું’તું… જ્યારે હું તને જોવા આવેલો અને કયા ચોઘડિયામાં તને પસંદ કરી બેઠો… આટલાં વરસો પછી તારા મોઢે આ ગીત સાંભળ્યા પછી આજે તો મારું ઠેકાણે આવ્યું છે…”
”વાહ!” ખુશ થઈને સોફા પરથી ઊભા થતાં વાઇફે કહ્યું, ”કોન્ગ્રેચ્યુલેશન! આજે આપણે પાર્ટી આપીએ…”
”કોને?”
”કોઈ પણને. પણ પાર્ટી તો આપીએ જ! આટલા સરસ સમાચાર હોય અને લોકોથી આપણે છુપાવીએ એ સારું ન કહેવાય.”
”કયા સારા સમાચાર છે?”
”હમણાં તો તમે કહ્યું કે આજે તમારું ઠેકાણે આવ્યું છે! મારાં મમ્મી-પપ્પા જાણશે ત્યારે કેટલાં રાજીના રેડ થઈ જશે…!”
”એમાં એ લોકોને રાજી થવાની શું જરૂર છે?”
”કેમ નહીં?” કિચનમાં એન્ટ્રી લેતાં વાઇફે કહ્યું, ”પોતાના એકના એક જમાઈનું આટલા વરસો પછી ઠેકાણે આવ્યું, એ જાણીને સાસુ-સસરાને ખુશી ન થાય?”
”એટલે? અત્યાર સુધી એમને પણ એવો ખ્યાલ હતો કે મારું ઠેકાણે નથી?” હાથમાંથી મેગેઝિન એકબાજુએ મૂકતાં મેં ફરીથી પૂછયું, ”મારું હજુય ઠેકાણે નથી?”
”તમે જે પ્રશ્ન પૂછયો એની પાછળથી પ્રશ્નાર્થ ચિહન કાઢીને એક સાદા કે વિધાનવાક્યની જેમ બોલો, તરત જ સાચો જવાબ મળી જશે!”
વાઇફને ખબર ન પડે એ રીતે મેં મનમાં બોલી જવાનો પ્રયત્ન કર્યો. અને પછી વધારે ગુસ્સે થયો : ”વ્યાકરણના નિયમો તારી સ્કૂલમાં ભણાવજે, મને પણ વિદ્યાર્થીઓ જેવો ડફોળ સમજે છે?”
”સમજવાની વાત જ નથી, સ્વીકારવાની વાત છે!”
”શું સ્વીકારવાની?”
”હકીકત!” વાઇફે TV ચાલુ કરતાં કહ્યું, ”સમજુ માણસ હકીકતનો સ્વીકાર કરતો જ હોય છે.” ”મારા સમજુપણા વિશે તને શંકા છે હજુ?”
”સહેજ પણ નહીં!” ચેનલો બદલતાં વાઇફે કહ્યું, ”તમે ‘સમજુ’ માણસ છો જ !”
તો મેરા ક્યા કસૂર… જમાને કા કસૂર… જિસને દસ્તુઉ…ર બનાયા… યાઆ…!
”ટી.વી. બંધ કર,” ટી.વી.ની કોઈક ચેનલમાંથી ગવાઈ રહેલા આ ગીતથી ગભરાઈને મેં કહ્યું, ”જ્યાં જુઓ ત્યાં બસ આ જ ગીત ગવાય છે…”
”જીવનમાં કોઈ સારું કામ કર્યું હોય તો એને યાદ કરવાનો આ જ દિવસ છે!” વાઇફે TVનો અવાજ સહેજ મોટો કરતાં કહ્યું, ”આજનો દિવસ વરસમાં એક જ વાર આવે છે જ્યારે મોટાભાગની વ્યક્તિઓ પોતાનાથી અજાણપણે પણ સત્કર્મ થઈ ગયું હોય એને યાદ કરીને આજે ધન્ય બની જાય છે!”
”આજે કોઈ ખાસ દિવસ છે?”
”હા, આજે બુદ્ધિનું બેસતું વરસ છે!”
”બુદ્ધિનું બેસતું વરસ?” મેં ચમકીને પૂછયું. ”પણ એમાં તમે આટલા બધાં ચમકો છો કેમ? વાઇફે મને શાંતિથી અને ધીમેથી કહ્યું, ”બુદ્ધિવાળા ભલેને ઉજવતા! જેની સાથે આપણો કોઈ સંબંધ જ નહીં, એનું બહુ ટેન્શન નહીં રાખવું. આમ ને આમ તમે હેરાન થાવ છો અને…””અને? તુ એમ જ કહેવા માંગે છે ને કે તનેય હેરાન કરું છું?””આનો જવાબ પણ તમારી પાસે જ છે!””હું સમજ્યો નહીં.” ”છેલ્લો પ્રશ્ન તમે કર્યો એની પાછળથી પણ પ્રશ્નાર્થ ચિહન કાઢીને પછી મનમાં સાદા વાક્યની જેમ બોલી જુઓ… જવાબ મળી જશે!”
”તું મને ગાંડો કરી મૂકીશ હોં…”
”ખોટી ચિંતાઓ ન કરો,””ક્યારેય એવું સાંભળ્યું છે કે માણસ બીજી વાર ગાંડો થઈ ગયો હોય?”
– અમુક દિવસો તો ખરેખર યાદગાર બની જતા હોય છે. આપણો જન્મદિવસ હોય, શહીદદિન હોય (ફના થવાની ભાવના કે ક્ષમતા જેમનામાં નથી હોતી એવા લોકો જ આ દિવસને ‘લગ્નદિવસ’ તરીકે ઓળખતા હોય છે!) કે મૃત્યુદિન હોય… વ્યક્તિની હાજરી હોય કે ન હોય, ધામધૂમથી ઉજવાતો હોય છે.
વિદેશોમાં તો મૂર્ખ, મહામૂર્ખ અને મહામહામૂર્ખ એમ ત્રણ કેટેગરીમાં ‘મુર્ખાઈ પ્રતિયોગિતા’નું આયોજન થતું હોય છે. અને એમાં ‘મૂર્ખશ્રી,’ ‘મૂર્ખભૂષણ’ અને ‘મૂર્ખ વિભૂષણ’ જેવા એવોર્ડઝ પણ અપાય છે. આપણે ત્યાં તો ‘મેરિટ’નું સ્ટાન્ડર્ડ ઘણું ઊચું હોવા છતાં એવી સ્પર્ધાઓ કે પ્રતિયોગિતાઓ થતી જ ન હોય, પછી આપણી ટેલેન્ટ શું ધોઈ પીવાની?
હા, બહુ બહુ તો આપણે ત્યાં ‘મૂરખના જામ’ જેવો શબ્દ બોલીને કોઈ ટુર્નામેન્ટમાં મળતો હોય એવો નાનકડો ટુકડો ફેંકીને સામેની વ્યક્તિની પરમ મૂર્ખતાનું સન્માન કરતા હોય અને ક્યારેક વળી સામેની વ્યક્તિ આ બાબતમાં આપણને ઓવરટેક કરી જતી હોય એમ લાગે ત્યારે માંડ માંડ એને ‘મૂર્ખસ્ય શિરોમણિ’ જેવો ઈલ્કાબ આપતા હોય, પણ એ તો ક્યારેક જ!
પાકિસ્તાન અને ચાઇના જેવા દેશોમાં તો ત્યાંની સરકારોએ જ એકબીજાને મૂર્ખ બનાવવાનો રિવાજ ફ્રજિયાતપણે શરૂ કર્યો છે. આંતર રાષ્ટ્રીય સંબંધોના કેટલાક પંડિતોનું એવું કહેવું છે કે આ બંને દેશો વચ્ચે એવા પ્રકારની રિલેશનશિપ છે કે એમને એકબીજા સિવાય કોઈ બહારનો દેશ મૂર્ખ બનાવી જાય તો એને એ બંને દેશો ‘મૂર્ખતા’ કહેવાય એમ કહીને વખોડી નાખે છે. આ બંને દેશોના શાસકોને ખબર છે કે મૂર્ખ બનવામાં અને બનાવવામાં ત્યારે જ સાચો આનંદ મળે કે જ્યારે કોઈ આપણાં જ આપણને મૂર્ખ બનાવવાનો પુરુષાર્થ કરે! આટલા ઉમદા પ્રકારનો પુરુષાર્થ કરવાનું પ્રારબ્ધ અન્ય દેશોને નથી મળતું, એ તો જે ‘અનન્ય’ દેશો હોય એને જ મળે! આ દૃષ્ટિએ પાકિસ્તાન અને ચાઇના જેવા દેશો, દુનિયાના અને દુનિયામાં ખરેખર અનન્ય કહેવાય. કદાચ આ જ કારણે ચાઇના હંમેશાં અમેરિકાનો વિરોધ કરતું રહ્યું હોય એમ પણ બને.
સુગરક્યુબ
તું દર પહેલી એપ્રિલને ‘સાક્ષાત્કાર દિન’ તરીકે કેમ ઉજવે છે?
એ દિવસે અમારાં મેરેજ થયેલાં!
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પહેલી એપ્રિલ એટલે ‘સ્વઓળખ’નો દિવસ! appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/first-april-i-e-self-realization/
via Best Gujarati News
0 Comments