દેશની રાજકોષીય ખાધ રૂ. ૮.૫૧ લાખ કરોડ પર પહોંચી, બજેટના અંદાજ કરતા ૧૩૪% વધુ
। નવી દિલ્હી ।
વર્તમાન વર્ષે ફેબ્રુઆરીના અંતે એક વર્ષમાં દેશની રાજકોષીય ખાધ રૂ.૮.૫૧ લાખ કરોડ ઉપર પહોંચી હતી જે બજેટના અદાજ કરતા ૧૩૪ ટકા વધુ હતી. આવકની વસૂલીની મંદ કામગીરીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી, એમ સરકારી આંકડાઓએ દર્શાવ્યું હતું.
૨૦૧૮-૧૯ના વર્ષમાં એપ્રિલથી ફેબ્રુઆરીની રાજકોષીય ખાધ રૂ.૮.૫૧ લાખ કરોડ હતી જે સામે સમગ્ર વર્ષ માટે સુધારિત અંદાજ રૂ.૬.૩૪ લાખ કરોડ મૂકવામાં આવ્યો હતો, એમ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (સીજીએ)ના આંકડાઓએ દર્શાવ્યું હતું.
આર્થિક બાબતોના સચિવ એસ.જી. ગર્ગે પત્રકારોને જણાવ્યું હતું કે બજેટની રૂપરેખા અનુસાર રાજકોષીય ખાધને જીડીપીના ૩.૪ ટકા સુધી મર્યાદિત રાખવા સરકાર વચનબદ્ધ છે. સીજીએના આંકડાઓ અનુસાર ફેબ્રુઆરીના અંતે કેન્દ્ર સરકારની આવક રૂ.૧૨.૬૫ લાખ કરોડ અથવા તો બજેટના સુધારિત અંદાજના ૭૩.૨ ટકા હતી. ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં આવકની વસૂલી અંદાજના ૭૮.૨ ટકા હતી.
સરકારની ટેક્સની આવક રૂ.૧૦.૯૪ લાખ કરોડ અને નોન ટેક્સ આવક રૂ.૧.૭ લાખ કરોડ હતી. ૨૦૧૮-૧૯ના વર્ષમાં એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન સરકાર દ્વારા રૂ.૨૧.૮૮ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાં રૂ.૧૯.૧૫ લાખ કરોડની રકમ રેવન્યૂ એકાઉન્ટ અને રૂ.૨.૭૩ લાખ કરોડની રકમ કેપિટલ એકાઉન્ટ પાછળ ખર્ચવામાં આવી હતી. રૂ.૫.૦૧ લાખ કરોડની રકમ વ્યાજની ચુકવણીમાં અને રૂ.૨.૭૩ લાખ કરોડની રકમ સબસિડી પાછળ ખર્ચવામાં આવી હતી. દરમિયાન ફાઇનાન્સ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી સુધી રાજ્ય સરકારોને ટેક્સના હિસ્સા રૂપે રૂ.૫.૯૬ લાખ કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. જે ૨૦૧૭-૧૮ના સમાન ગાળામાં ચૂકવાયેલી રકમ કરતા રૂ.૬૭,૦૪૩ કરોડ વધુ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post દેશની રાજકોષીય ખાધ રૂ. ૮.૫૧ લાખ કરોડ પર પહોંચી, બજેટના અંદાજ કરતા ૧૩૪% વધુ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/the-countrys-fiscal-deficit-rupee-8-51/
via Best Gujarati News
0 Comments