ઇન આંખો કા હર એક આંસૂ મૂઝે મેરી કસમ દે દો
ક્લાસિક :- દીપક સોલિયા
તુમ અપના રંજ-ઓ-ગમ અપની પરેશાની મુઝે દે દો એ ગીતની વાત ચાલી રહી હતી. તેના એક અંતરામાં સ્ત્રી કહે છે કે જો યાર, તારી નજરમાં હું આમ પણ નકામી જ છું. યે માના મૈં કિસી કાબિલ નહીં હૂં ઇન નિગાહોં મેં… તો પછી તારી અંદર જે નકામું છે એ મને આપી દે. બુરા ક્યા હૈ અગર… નકામાને નકામું સોંપી દેવામાં આવે તો.
અહીં સહેજ અટકવા જેવું છે અને સમજવા જેવું છે (જેથી હવે પછી જે અન્ય ગીતની આપણે આ લેખમાં વાત કરીશું તે તમે વધુ સારી રીતે સમજી શકશો).
હું તો છું જ નકામી… કે હું તો છું જ નકામો… પોતાના વિશે આવી વાત કોઈ ઝટ સ્વીકારે નહીં. છતાં, જો કોઈ જો સામે ચાલીને પોતાનું નકામાપણું સ્વીકારે તો મોટે ભાગે એવું બનતું હોય છે કે તેના મનમાં બીજાંઓ દ્વારા, ખાસ તો નજીકના સ્વજનો દ્વારા, એવું ઠસાવવામાં આવ્યું હોય છે કે તારામાં કશું બળ્યું જ નથી.
અને ફ્રેક્નલી, આવું ઠસાવવાનું કામ સ્ત્રીઓ કરતાં પુરુષોને વધુ ફવતું હોય છે. તારામાં ઝાઝું કશું બળ્યું નથી, તને સરખી રસોઈ કરતાં પણ નથી આવડતું, તારી બુદ્ધિ પગની પાનીએ છે… આવું બધું પુરુષો આસાનીથી સ્ત્રીના મગજમાં ઠસાવી શકતા હોય છે.
તેની એક નાનકડી છતાં મહત્ત્વની સાબિતી છે, સ્ત્રીની (મુખ્યત્વે પત્નીની) મજાક ઉડાવતી જોક્સ. તમે જો વોટ્સએપ પર સક્રિય હશો તો ફ્ક્ત બે-ત્રણ દિવસના જ મેસેજિસ યાદ કરવાથી તમને પત્નીની (કે ઇવન પ્રેમિકાની) મજાક ઉડાવતી બે-ચાર જોક્સ યાદ આવી જશે. એ જોક્સનો સૂર એવો જ હોય છે કે પત્નીઓ ડોબી, કચકચ કરનારી, ઓછી અક્કલવાળી હોય છે.
આખી વાતમાં મહત્ત્વની બાબત એ છે કે સમાજે આ વાત જાણે સ્વીકારી લીધી છે. માટે એનો ઝાઝો વિરોધ નથી થતો. બાકી, શિખ તેમ જ અન્ય જ્ઞાતિઓ વિશે અગાઉ છૂટથી જોક્સ થતી, પરંતુ હવે નથી થતી, કારણ કે હવે તેઓ વિરોધ કરે છે, તેમની લાગણી દુભાય છે, તેઓ હંગામો મચાવે છે.
સ્ત્રીઓ આવો હંગામો નથી મચાવતી. સ્ત્રી-વિષયક જોક્સને સ્ત્રીઓ ચૂપચાપ વેઠી લે છે અને સારી જોક હોય તો હસી પણ લે છે. અસલમાં એ સ્ત્રીની ઉદારતા છે. એની મજાક ઉડાવવામાં આવે તો પણ એની લાગણી ઝટ દુભાતી નથી. બાકી, સ્ત્રીઓ બેઝિકલી હોય છે વધુ સંવેદનશીલ. એની લાગણી જલદી દુભાઈ શકે, પરંતુ તેની મજાક ઉડાવવામાં આવે, તેને હલકી ચિતરવામાં આવે… આ બધી વાતોથી તે ઝટ દુભાતી નથી. એનું એક કારણ છે, સદીઓથી ચાલતી આવતી પરંપરા… કે સ્ત્રી સેકન્ડ ક્લાસ મનુષ્ય છે… એ તો બોલ્યા કરે… એ તો કચકચ કર્યા કરે…
આવામાં, સ્ત્રી જ્યારે પુરુષ સાથીને મદદ કરવા માગતી હોય, તેનું દુઃખ-દર્દ બાંટવા માગતી હોય ત્યારે એ પ્રેમપૂર્વક પુરુષને કહેતી હોય છે કે તુમ અપના રંજ-ઓ-ગમ અપની પરેશાની મુઝે દે દો.
અને પુરુષ? રોમેન્ટિકલી નહીં, પરંતુ પ્રેક્ટિકલી વિચારીએ તો સમજાય કે સ્ત્રી જ્યારે મદદની ઓફ્ર કરે ત્યારે પુરુષ મોટે ભાગે યા તો ચૂપ રહે (મૌન રહીને કહી દે કે તું રહેવા દે) અથવા ચોખ્ખા શબ્દોમાં કહી દે કે મારું હું ફેડી લઈશ… તું કચકચ ન કર… તું માથું ન ખા…
અને આ વાત સ્ત્રીને દુભાવે છે.
એ મદદ કરવા માગે છે, પણ પુરુષ મદદ લેવા તૈયાર નથી થતો.
અહીં ઉપસ્થિત થાય છે એક અણિદાર સવાલઃ જે પુરુષ પોતાના દિલની વાત પોતાની પ્રેમિકા કે પત્ની સાથે શેર નથી કરતો એ પુરુષ શું ખરેખર પેલી સ્ત્રીને ચાહતો હોય છે ખરો?
તમે જ કહો, પ્રેમ અને મેરેજના પાયામાં છે શું? એક જ શબ્દમાં કહેવું હોય તે એ શબ્દ છેઃ શેરિંગ. જીવનને આપસમાં વહેંચી લેવું તે. એ બન્ને આપસમાં કશુંક શેર કરે તો જ બાત બને. તો જ સંતાન જન્મે. સ્ત્રી અને પુરુષ પોતપોતાના અંડ-શુક્ર કોષ ભેગાં કરે ત્યારે જ તો રચાય છે સંતાન. ટૂંકમાં, આખો મામલો જ જ્યારે પથારીથી માંડીને જીવનની ઝીણામાં ઝીણી વાતો શેર કરવાનો હોય ત્યારે સ્ત્રી એવી અપેક્ષા રાખવાની જ કે હે પુરુષ, નાની-ક્ષુલ્લક વાતો તું મને ન કહે ત્યાં સુધી ઠીક છે, પરંતુ તારા દિલમાં મોટી ઉથલપાથલ ચાલી રહી હોય અને તું એના વિશે મારી સાથે વાત જ ન કરે, શેરિંગ જ ન કરે એ તો કેમ ચાલે? તું મને પ્રેમ કરતો હોય અને છતાં મને તારાં દુખ-દર્દની સાથી ન બનાવતો હોય તો પછી આખી વાતમાં પ્રેમ આવ્યો જ ક્યાં? વાત થાય જ, જો પ્રેમ હોય તો…
પ્રેમ હોય તો… આ વાતને આ જ શબ્દોમાં ગીતકાર રાજા મહેંદી અલી ખાને ફ્લ્મિ આપ કી પરછાઈયાંના એક ગીત દ્વારા કહી છેઃ
અગર મુઝસે મોહબ્બત હૈ, મુઝે સબ અપને ગમ દે દો
ઇન આંખો કા હર એક આંસૂ મુઝે મેરી કસમ દે દો…
આ ગીત પણ શક્તિશાળી છે. એની શરૂઆત જ જુઓઃ અગર મુઝસે મોહબ્બત હૈ… પ્રેમ હોય તો વાત કર. પ્રેમ હોય જ નહીં તો ઠીક છે, આખી વાત પડતી મૂકીએ, પણ જો પ્રેમ હોય, જો તું એવો દાવો કરતો હોય કે તું મને ચાહે છે, તો… મુઝે સબ અપને ગમ દે દો.
અને તારી આંખોનું પ્રત્યેક આંસુ પણ મને આપી દે, તને મારા સમ.
નાઉ ધીસ ઇઝ બ્યૂટી… જો તું મને ચાહતો હોય તો નેચરલી, હું મરી જાઉં એ તને ન જ ગમે. એટલે, જો તું મને ચાહતો હોય તો મુઝે સબ અપને ગમ દે દો અને હું મરી જાઉં એ તને ન ગમતું હોય તો, ઇન આંખો કા હર એક આંસૂ મુઝે દે દો… તુઝે મેરી કસમ.
બહોત અચ્છે. વધુ આવતા અંકે.
(ક્રમશઃ)
facebook.com/dipaksoliya1
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇન આંખો કા હર એક આંસૂ મૂઝે મેરી કસમ દે દો appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/in-eye-ka-her-one-tune-moose-mo/
via Best Gujarati News
0 Comments