અન્યાય સામે અવાજ ન ઉઠાવવો એ પણ પાપ છે!
વાત વિશેષ :- પરવેઝ મલેક
આજકાલ ગરમીનો પ્રકોપ તેમજ અસર તેની ચરમસીમા પર છે. એર કન્ડિશન્સનું વેચાણ ગરમીના પારાની જેમ વધી રહ્યું છે. ગરમી એટલી છે કે ગ્રાહક દુકાનમાં પહોંચે ત્યારે કોઈ ખાસ બ્રાન્ડની વાત કર્યા પછી જે હાજર સ્ટોકમાં હોય તેની ખરીદી કરી લે છે. ગરમી તો પહેલાં પણ આટલી જ પડતી હતી, પણ તેને સહન કરવાની આપણી શક્તિ હવે પહેલાં જેવી નથી રહી. કાળઝાળ ગરમી વચ્ચે કોઈપણ કામ આપણે ટાળવાનું પસંદ કરીએ છીએ.
પણ જે લોકો રોજી-રોટી કમાવા ખાતર આખો દિવસ તડકામાં અડીખમ ઊભા રહે છે, તેમનું શું? તેમને તો ખરેખર સલામ છે. આપણે તેમને ફ્ક્ત સલામ કરી છુટા થઇ જવાની નીતિ રાખીએ છીએ. જ્યારે આવા કોઈ પથારા પરથી આપણે શાકભાજી, કપડાં, પગરખાં કે કોઈપણ રાસરચીલું વગેરે ખરીદીએ છીએ ત્યારે ભરતડકે આખો દિવસ ઊભા રહેવાની એની તપસ્યા ધ્યાનમાં લેતા નથી. વસ્તુનો ભાવ કરાવવામાં આકાશ અને ધરતી એક કરી દઈએ છીએ. આવા ભાવતાલ પાછળ પૈસા બચાવવાની લાગણી કરતાં આપણે ઈડરિયો ગઢ જીત્યાનો ઈગો જ સંતોષીએ છીએ.
જરા વિચારો આજ ખરીદી આપણે મોટા એરકન્ડિશન્ડ સ્ટોરમાં મોટી બ્રાન્ડ માટે કરીએ તો ભાવતાલની રકઝક કરીએ છીએ? ત્યાં તો અગાઉથી જ મોટા ડિસ્કાઉન્ટ્સના બોર્ડ જોવા મળે છે. આવા સ્ટોર્સમાં કોઈને કોઈ કારણસર આખું વર્ષ સેલના પાટિયા ઝુલ્યા કરે છે. સેલના ડિસ્કાઉન્ટથી ખુશ થઈ જતાં પહેલાં આપણે ક્યારેય જાણવાની તસ્દી લીધી ખરી કે સેલની જાહેરાત પહેલાં આજ વસ્તુનો ભાવ શું હતો? શું આપણને ખબર છે કે આજકાલ ગેરંટી શબ્દનું સ્થાન વોરન્ટી શબ્દએ કેમ લઇ લીધું છે? શું આપણને ખબર છે કે હોટેલમાં જમવાના બિલમાં જોડાઈને આવતો સર્વિસ ટેક્સ સરકાર લે છે કે જે તે હોટેલવાળા જ લેતા હોય છે?
આવા અસંખ્ય પ્રશ્નોનું ઝૂંડ આપણી આસપાસ વમળાયા કરે છે. આપણી આસપાસ? જી, હા આપણી આસપાસ. કેમ કે આપણે એક યા બીજી રીતે કોઈપણ વસ્તુ કે સર્વિસના ગ્રાહક છીએ. આ પ્રશ્નો દ્વારા આપણી સાથે થતી અનફેર ટ્રેડ પ્રેક્ટિસ વિશે સવાલ ઊઠાવીને વાત કરવાનો સમય પાકી ગયો છે. આજે આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણે પ્રશ્નો પૂછતાં જ નથી. સરકાર દ્વારા જાગો ગ્રાહક જાગો… જેવા કેમ્પેઇન અવારનવાર યોજાતા રહે છે. પણ ગ્રાહકોની એટલે કે આપણી ઊંઘ થોડી વધારે પાકી થઇ ગઈ છે, ઊડતી જ નથી.
અનફેર ટ્રેડ પ્રેક્ટિસ (ગેરવ્યાજબી વ્યાપાર પદ્ધતિ) એટલે વેચાયેલા માલ કે સર્વિસ સાથે જોડાયેલા વાયદાઓ પાળવામાં થતા અખાડા, એમાં શબ્દો સાથે થતાં ચેડાં પ્રત્યે આંગળી ચીંધતો કાયદો. કાયદાકીય રીતે કન્ઝુમર પ્રોટેક્શન એક્ટ (ગ્રાહક સુરક્ષા કાયદો) ગ્રાહકોને રક્ષણ પૂરું પાડે છે. પ્રોડક્ટની જાહેરાતથી લઇ ખરીદીમાં સંકળાયેલ બધી જ બાબતો પછી તે ખરીદી પહેલાંની હોય કે ખરીદી પછીની હોય. તેથી આગોતરી માહિતી મેળવવાનો અને તેનો અમલ કરાવવાનો ગ્રાહકને સંપૂર્ણ અધિકાર છે. દરેક વસ્તુ કે સર્વિસ વિશે માહિતી માંગવાનો અને જો ન મળે તો તેના વિશે કાયદાકીય પગલાં લેવાનો પણ અધિકાર છે. જોકે ગ્રાહકો એટલે આપણે શાકભાજી વાળા સાથે બે રૂપિયા માટે અડધો કલાક લડી લઈએ છીએ. પણ જયારે મોટી બ્રાન્ડ સામે લડવાનું આવે તો ખબર નહિ કઈ શરમ નડી જાય છે. શાની બીક લાગી જાય છે! શરમ અને બીક છોડીને આવી બધી જ કંપનીઓ સામે મક્કમ બની લડવાનો સમય પાકી ગયો છે. આખરે આપણે આપણો પૈસો કેટલી મહેનતથી કમાઈએ છીએ?
neo123vez@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અન્યાય સામે અવાજ ન ઉઠાવવો એ પણ પાપ છે! appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/unlikely-to-raise-voice-against-injustice/
via Best Gujarati News
0 Comments