યોગિક વેલ્થ :- ગૌરવ મશરૂવાલા

“ સંપત્તિ, મિત્રો અને યુવાનીનો ઘમંડ કરવો નહીં. કાળ આ બધી વસ્તુઓ પલકવારમાં છિનવી લે છે. આ જગતની માયામાંથી મુક્ત થઈ ગયા બાદ જ પરમસત્ય પામી શકાય છે.”

ભજ ગોવિંદમનો ૧૧મા ક્રમાંકનો શ્લોક ઉક્ત બોધ આપનારો છે.

આપણા જીવનમાં જ્યારે આપદાઓ આવે છે ત્યારનો સમય યાદ કરો. એ આફ્તો કુદરતી કે મનુષ્યર્સિજત હોઈ શકે છે. એ દુર્ઘટનાઓને લીધે આપણને અથવા આપણા સ્વજનોને કે બીજા કોઈને પણ અસર થઈ હોઈ શકે છે. દા.ત. કચ્છનો ભૂકંપ, દૂરપૂર્વના દેશોમાં આવેલું સુનામી, દક્ષિણ ભારતમાં આવેલું પૂર, વગેરે કુદરતી વિપદાઓ અથવા ભારતના ભાગલા વખતે લોકોએ કરવું પડેલું પલાયન, ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટ્વિન ટાવર પર થયેલો આતંકવાદી હુમલો, વગેરે માનવર્સિજત ઘટનાઓ.

દેખીતી વાત છે કે એ વખતે શ્રીમંત વ્યક્તિઓ કે પરિવારોને પણ અસર થઈ જશે. ઘણાં લોકોએ દાયકાઓની મહેનતના અંતે જમા કરેલી મિલકત ઓચિંતી જ છોડીને ભાગી જવું પડયું હશે.

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. કુવૈત પર સદામ હુસેને હુમલો કર્યો હતો. અમારા એક ફેમિલી ફ્રેન્ડના સગાંએ સપરિવાર દેશ છોડી દેવો પડયો હતો. કુવૈતમાં તેમની કરોડોની સંપત્તિ હતી. તેઓ ત્યાંના પ્રતિષ્ઠિત ઝવેરી હતા અને ઘરેણાંનો ધીકતો ધંધો કરી રહ્યા હતા. તેમણે પહેરેલે કપડે કુવૈત છોડીને ભાગી જવું પડયું હતું. તેમને એ મિલકતમાંથી કંઈ પાછું મળ્યું નહીં અને જીવનમાં એકડેએકથી શરૂઆત કરવી પડી.

ભારતના ભાગલા વખતે કેટલાય સિંધી પરિવારોએ પાકિસ્તાન છોડી દેવાનો વારો આવ્યો હતો. તેઓ પણ પોતપોતાની સંપત્તિ મૂકીને ચાલી નીકળ્યા હતા. તેમાંથી ઘણા લોકો અતિશય ધનવાન હતા, પણ ભારત આવ્યા બાદ તેમણે શરણાર્થી શિબિરોમાં રહેવું પડયું હતું.

ઉક્ત શ્લોકમાં આદિ શંકરાચાર્ય ભૌતિક સંપત્તિના મોહ કે આસક્તિની વાત કરે છે.

વાસ્તવિક જીવનમાં જોવામાં આવ્યું છે કે આ આસક્તિને લીધે માનસિક તાણ, અસલામતી, ઈર્ષ્યા, લોભ, ઘમંડ, વગેરે લાગણીઓ જન્મે છે. આ લાગણીઓમાંથી ગુસ્સો અને નિરાશા જન્મે છે.

શંકરાચાર્ય કહે છે કે આ જગત મોહમાયા છે. જ્યારે વિપદાઓ આવે છે ત્યારે ઘડીભરમાં બધું નાશ પામે છે.

અહીં ખાસ જોવાનું કે આ શ્લોકમાં આદિ શંકરાચાર્યે એમ નથી કહ્યું કે સંપત્તિ એકઠી કરવી નહીં. આપણને રોટી, કપડાં, મકાન, વગેરેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે જ છે. તેઓ તો એટલું જ કહે છે કે કોઈપણ સંપત્તિ પ્રત્યે મોહમાયા કે અનુરાગ ધરાવવો નહીં, કારણ કે ક્ષણભરમાં બધું ખતમ થઈ જાય છે.

આપણે ધન પ્રત્યે અનુરાગ ધરાવીએ ત્યારે અગાઉ કહ્યું એમ નકારાત્મક લાગણીઓ જન્મે છે અને તેને લીધે આપણું સુખ છિનવાઈ જાય છે.

“ફ્લાણા શ્રીમંત માણસે ખોટા રસ્તે ધન ભેગું કર્યું હશે” કે પછી “સરકાર ફ્ક્ત શ્રીમંતોને સાથ આપે છે”, એવું ઘણી વાર આપણે વાતવાતમાં કહેતા હોઈએ છીએ. આવું બોલવામાં આવે ત્યારે અંદરખાનેથી આપણી ઈર્ષ્યા બોલતી હોય છે અને તેનું કારણ આપણે ધન પ્રત્યે રાખેલો મોહ છે. કોઈની સંપત્તિ બાબતે ઘસાતું બોલવું એ આપણી પોતાની અધૂરી ઈચ્છાઓ દર્શાવે છે. આમ થવાનું કારણ ધન પ્રત્યેની આપણી આસક્તિ છે.

સંપત્તિ, સત્તા, યુવાની, વગેરે કોઈપણ બાબતે જો આસક્તિ રાખવામાં આવે તો છેલ્લે દુઃખી થવાનો જ વખત આવે છે. પ્રસન્ન જીવન જીવવા માટે અનાસક્તિ આવશ્યક છે. અનાસક્તિથી જ મનની શાંતિ મળી શકે છે.

આમ, આપણે બાહ્ય આડંબરોથી દૂર રહીને સ્વની ઓળખ કરીએ ત્યારે જ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સંપત્તિ જીવન જીવવા માટે આવશ્યક છે અને એમાં કંઈ ખોટું નથી, પરંતુ જીવનમાં પ્રસન્નતા લાવવા માટે ધન પ્રત્યેની આસક્તિ છોડી દેવી જોઈએ.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જીવનમાં પ્રસન્નતા લાવવા માટે ધન પ્રત્યેની આસક્તિ છોડી દેવી જોઈએ appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/in-life-complacency-bring-about/
via Best Gujarati News

0 Comments