ઝીરો લાઈન :- ગીતા માણેક

એમકાનમાં સુનકાર છવાયેલો છે. ઘરના સભ્યો જરૂર સિવાય ભાગ્યે જ કંઈ બોલે છે. સાઠની ઉંમર વટાવી ચૂકેલા નિવૃત્ત પોલીસ અધિકારી સુરેન્દ્રસિંઘ બિષ્ટની ઉંમર અચાનક વીસેક વર્ષ વધી ગઈ હોય એવું લાગે છે. તેમની પત્ની રેખા છેલ્લાં લગભગ દોઢેક મહિનાથી ઘરનો ઉંબરો ઓળંગીને પણ નીકળી નથી. અમેરિકાથી આવેલો સોફ્ટ વેઅર એન્જિનિયર દીકરો નીરજ પાસે માતા-પિતાને આશ્વાસન આપવા માટેના શબ્દો ખૂટી પડયા છે. પોતાના નાના ભાઈ ચિત્રેશ બિષ્ટની ચિરવિદાયે સર્જેલો ખાલીપો ભરી શકવા અસમર્થ છે એની લાચારી તેની આંખોમાં વ્યક્ત થઈ રહી છે.

આ ચિત્રેશ બિષ્ટ કોણ હતો ? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આપણામાંના મોટાભાગના આ નામથી પરિચિત નહીં હોય. જેઓ નિયમિત અખબાર વાંચે છે કે ટેલિવિઝન અથવા ઇન્ટરનેટ પર દેશ-દુનિયાની ઘટનાઓ વાંચતા-જોતા રહે છે તેમાંના કેટલાકને આ નામ ક્યાંક સાંભળ્યું છે એવું લાગશે. પરંતુ મોટાભાગના માટે આ નામ સાવ અજાણ્યું જ હશે.

જેની અમે વાત કરી રહ્યા છીએ એ ચિત્રેશ બિષ્ટ એટલે ભારતીય સૈન્યનો ૩૧ વર્ષીય જુવાનજોધ મેજર ચિત્રેશ બિષ્ટ. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં પાકની નાપાક હરકતના ત્રીજા દિવસે સવારથી સુરેન્દ્રસિંઘ પોતાના આ નાના દીકરાના લગ્નની કંકોત્રીની વહેંચણી કરવા ઘરેથી નીકળી પડયા હતા ત્યારે તેમનો આ જાબાંઝ દીકરો સવારથી કાશ્મીરના રાજોરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં બોમ્બ ડિફ્યુઝ કરવાના કામે વળગી ગયો હતો. એન્જિનિયર થયેલા ચિત્રેશ બિષ્ટે દુશ્મનો દ્વારા જમીન નીચે બિછાવેલી સુરંગોને ડિફ્યુઝ કરવાની વિશેષ તાલીમ લીધી હતી. આ અગાઉ તેણે જુદી-જુદી જગ્યાઓએ ઘણી સુરંગો ડિફ્યુઝ કરવાની કામગીરી નિભાવી હતી. ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૯ની બપોરે ત્રણ વાગ્યા સુધીના સમયમાં તેણે ૨૩ બોમ્બ ડિફ્યુઝ કરી નાખ્યા હતા. જો આ સુરંગો વેળાસર ડિફ્યુઝ ન થઈ હોત તો તે વિસ્તારના અનેક જવાનોના અને નાગરિકોના પણ ફૂરચાં ઉડાવી ગઈ હોત. પાકની આ નાપાક હરકતને તેણે નાકમિયાબ કરી દીધી હતી. પરંતુ ચોવીસમો બોમ્બ ડિફ્યુઝ થાય એ પહેલાં જ ધડાકો થયો…

દહેરાદૂનના જે મકાનમાં અમદાવાદથી નવી નવેલી દુલ્હન ડોલીમાં બેસીને આવવાની હતી, તેના પગના રૂમઝૂમ ઝાંઝર રણકવાના હતા, શહેનાઈના સૂર વાગવાના હતા અને પરિવારના સૌથી નાના દીકરાના લગ્નનો ઉત્સવ ઊજવવાનો હતો ત્યાં ૧૭મી ફેબ્રુઆરીએ લાકડાની પેટી આવી. પોતાના જ નહીં આ દેશના સપૂત વીરના દર્શન પણ માતા-પિતા કે અન્ય પરિવારજનોને નસીબ ન થયા, કારણ કે પૂરા લશ્કરી માન-સમ્માન સાથે લાવવામાં આવેલી એ પેટીમાં મેજર ચિત્રેશ બિષ્ટનો મૃતદેહ નહીં પણ તેના પાર્થિવ શરીરના થોડાક ટુકડાંઓ ભેગાં કરીને એક પોલિથીન બેગમાં ભરવામાં આવ્યા હતા. પાકના આતંકવાદીઓએ જમીન હેઠળ બિછાવેલી સુરંગમાંના ૨૪મા બોમ્બે મેજર ચિત્રેશના શરીરના ફૂરચેફૂરચાં ઉડાવી દીધા હતા. કાચના ફ્લાવરવાઝના ટુકડાં સમેટતા હોય એમ તેના શરીરના આ ટુકડાંઓને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને લાકડાની પેટીમાં મૂકી દેવાયા હતા.

તમારી, મારી અને દરેક દેશવાસીના શરીર સુરક્ષિત રહી શકે, મન પ્રફુલ્લિત રહી શકે એ માટે શહીદ થનાર આ જવાનના દેહને ન તો શાસ્ત્રોક્ત રીતે મુખાગ્નિ મળ્યો કે ન તો અંતિમસંસ્કાર. આવી કોઈ વિધિ થઈ શકે એવો દેહ જ બચ્યો નહોતો. શરીરના અંગ-પ્રત્યાંગના આ ટુકડાંઓની પોટલીને ચિતા પર ચડાવી દેવામાં આવી.

કોઈ ટીનએજરને કે પુખ્ત વયના નાગરિકને પૂછીશું તો તેને પોતાને ગમતા ફ્લ્મિસ્ટાર, ક્રિકેટસ્ટાર, યુ-ટયૂબ સ્ટાર વિશે ઘણી બધી માહિતી હશે, તેમના વ્યાવસાયિક અને અંગત જીવનની ઝીણામાં ઝીણી વિગતો પણ કેટલાક આપી શકશે. પરંતુ ૧૦૦માંથી ૯૯ જણાંને મેજર ચિત્રેશ બિષ્ટનું નામ પણ ખબર ન હોય એવું બને.

મેજર ચિત્રેશ બિષ્ટના લગ્નની કંકોત્રી વહેંચાઈ રહી હતી એ સમયે તેઓ શહીદ થયા એટલે એ વખતે મીડિયામાં તેમના વિશે થોડું કવરેજ થયું હતું. જેને કારણે કેટલાક લોકોને આ નામ સાંભળ્યું હોવાનું યાદ હશે. પરંતુ આપણામાંના મોટાભાગના કાં તો તેમના વિશે જાણતાં જ નથી અથવા મેજર ચિત્રેશ બિષ્ટને ભૂલી ગયા હોઈશું. જો કે, દહેરાદૂનના નહેરુ કોલોની વિસ્તારના ૯૪ નંબરના મકાનની બહાર લાલ રંગની એસયુવી કાર પર ધૂળના થર જામી ગયા છે. તેના માલિકના ઈંતઝારમાં ઊભી છે. આ કાર મેજર ચિત્રેશ બિષ્ટે બહુ હોંશથી ખરીદી હતી. આ કારના નંબરની પસંદગી તેણે પોતે કરી હતી અને એ તેની બટેલિયનનો નંબર હતો. વૃદ્ધ પિતા આજે પણ જુવાનજોધ દીકરાની અર્થીનો બોજ ખભા પર અનુભવી રહ્યા છે. હારી ચૂકેલા યોદ્ધા જેવા આ પિતા અને લાડકવાયા દીકરાના શરીરના વિચ્છેદિત અંગ-પ્રત્યંગોને વિદાય આપનાર માતા પોતાના દીકરા અને મોટો ભાઈ નીરજ પોતાના ભાઈ ચિત્રેશને ક્યારેય નહીં ભૂલી શકે.

gitamanek@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આપણે ભૂલી ગયા પણ તેઓ નહીં ભૂલી શકે   appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/we-have-forgotten-but-they-no-b/
via Best Gujarati News

0 Comments