તમે સાચાને સાચું અને ખોટાને ખોટું કહેતાં અચકાઓ છો?
તડકભડક :- સૌરભ શાહ
કેટલાંક લોકોને બીજાઓ પોતાના વિશે સતત સારું સારું બોલ્યા કરે એવી અદમ્ય ઈચ્છા હોય છે. તેઓ ઝંખતા હોય છે કે મર્યા પછી પણ લોકો પોતાને અજાતશત્રુ તરીકે યાદ રાખે- સોર્ટ ઓફ ભગવાનનું માણસ. જિંદગીમાં એમની બસ એક જ ફિલસૂફી હોવાનીઃ ભઈ, આપણે તો ક્યારેય કોઈની સાથે બગાડવાનું નહીં, શું સમજ્યા?
કશું નહીં.
તમે જ્યારે માનતા થઈ જાઓ છો કે સૌની જોડે હળીમળીને રહેવું અને શા માટે કોઈની સાથે ટંટાફિસાદ કરવા ત્યારે, ઉપરછલ્લી રીતે તમે સાધુપુરુષ જેવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હોવાનો સંતોષ ભલે લેતા હો, પણ અંદરથી તમે સાવ બીકણ હો છો- ડરપોક પણ. તમને ભય હોય છે કે ભૂલેચૂકે તમારે કારણે કોઈને ખોટું લાગી ગયું તો એ એનો બદલો લેશે અને તે વખતે તમે એની સામે લડી શકો એવી તાકાત તમારામાં નહીં હોય એની તમને ખબર હોય છે. તમે સાચાને સાચું અને ખોટાને ખોટું કહેતાં અચકાઓ છો તે આ જ કારણે.
‘દરેક સાથે સારાસારી રાખવી’ જેવાં વિધાનો સોનેરી ફ્રેમમાં મઢાવીને જેઓ હૃદયમાં સંઘરી રાખે છે તેઓ ક્યારેય સ્વમાની બની શક્તા નથી. એમની કરોડરજ્જુ લપટી જ રહેવાની. કોઈ બે બદામનો માણસ પણ વગર વાંકે એમને ધોલધપાટ કરી જશે તો એ ચૂપ જ રહેશે. બહાદુરી કોને કહેવાય એનો એમને ક્યારેય અંદાજ પણ નહીં આવે. કોઈનીય સાથે ક્યારેય ન બગાડતા માસ્તર વિશેની કહેવત તમે સાંભળી છે. હા, એ જ માસ્તર જે મારતા નથી અને ભણાવતા પણ નથી.
કાચી માટીના પગ ધરાવતા આ લોકો બીજાની હામાં હા અને નામાં ના પુરાવવામાં નિપુણતા ધરાવતા હોય છે. કોઈકની સાથે અસહમત થવાથી પોતાનું કશું જ બગડવાનું નથી એની એમને ખબર જ નથી હોતી. જેને તેઓ સદ્ગુણ માનીને બેઠા છે એ વાસ્તવમાં તો પોતાના દુર્ગણ પર ચિપકાવેલું મહોરું હોય છે. સામે ચાલીને કે કોઈના કશાય વાંક વિના કોઈનું ખરાબ કરવાનું તો શું, ખરાબ વિચારવાનું પણ ન હોય. પરંતુ સ્પષ્ટવક્તા હોવાને કારણે જો કોઈને માઠું લાગી જવાનું હોય તો એ આપણો પ્રશ્ન નથી બનતો. વ્યક્તિ તરીકેની આપણી સ્વતંત્રતાનો એ એક ભાગ છે- જેવું લાગે એવું કહેવું. કોઈ વખત તમે કોઈકની આગળ નિખાલસ થવા નથી માગતા એનું કારણ તમારો ભય નથી, પણ આશય એવો હોય છે કે એ વ્યક્તિ મારા અભિપ્રાયને પણ લાયક નથી. કોઈ તમારા મોંમાં આંગળાં નાખવાની કોશિશ કરે અને તમને લાગે કે આ વ્યક્તિ સમક્ષ તમારે કોઈપણ પ્રકારનો અભિપ્રાય નથી ઉચ્ચારવો તો તમને એ સ્વતંત્રતા હોય જ. આમાં સામેની વ્યક્તિ માટેની અવગણના, તુચ્છકાર કે અપમાન પ્રગટ થતાં હોય તો ભલે. પણ કશાક અદ્રશ્ય ભયને કારણે તમે તમારી સમકક્ષ કે તમારાથી ઊંચી વ્યક્તિ વિશે સાચું બોલતાં ડરો એ ના ચાલે. તમારામાં એટલી તાકાત, એટલી ક્ષમતા હોવી જોઈએ કે તમે એનું બગાડી શકો અને એ બદલો લેવા માગે ત્યારે તમે એને જડબાતોડ જવાબ આપી શકો, ઈંટનો જવાબ પથ્થરથી અને સ્કૂટરનો જવાબ ટ્રેક્ટરથી આપી શકો. આટલી તાકાત ન કેળવી હોય તો તમે જીવતા હોવા છતાં મરેલા બરાબર છો.
ખુમારી શબ્દ માત્ર ડિક્શનરીમાં વાંચવા માટેનો નથી. આ શબ્દ ખોટા અહમ્માં રચ્યાપચ્યા રહેતાં કવિઓ-લેખકો-સાહિત્યકારો માટે વાપરવાનો પણ નથી. એક સામાન્ય માણસ તરીકે આપણામાં જે ખુમારી હોય છે એના પર કેટલીક વાર ધૂળ બાઝી જતી હોય છે. જિંદગીમાં સર્જાતા કેટલાક પ્રસંગો આપણને લાચાર, વિવશ, નિઃસહાય બનાવી દેતા હોય છે. કેટલાક સંજોગો સામે આપણા હાથ હેઠા પડી જતા હોય છે. આવા સમયે આપણે ઈચ્છા રાખીએ તોય ખુમારીને ઢાંકી દેવી પડતી હોય છે. તમને કરોડરજ્જુ વિનાના બનાવવામાં આવા લાચાર સંજોગો કરતાં વધુ વાંક આ સંજોગોનો ગેરલાભ ઉઠાવનારી વ્યક્તિઓનો હોય છે. તમે સંજોગો સામે સહેજ ઝૂક્યા કે તરત તેઓ તમને લાત મારવા તૈયાર જ હોવાના. દરેક ક્ષેત્રના ભલભલા દિગ્ગજોની સાથે પણ આવું થતાં તમે જોયું હશે. તો પછી આપણે તે કઈ વાડીના મૂળા. આપણી સાથે પણ બીજા આવું ન કરે તો જ નવાઈ. અવળા સંજોગો દરમિયાન આપણા સ્વમાનને મારીમારીને અધમૂવું કરી નાખવાની લોકોને મઝા પડતી હોય છે. સીધો કરી નાખ્યોને એને, તેઓ કોકટેલ પાર્ટીમાં પોતાના ગંધાતા મોઢેથી બોલતા ફરે છે.
પણ સંજોગો આખી જિંદગી એના એ નથી રહેતા. એકાદ પ્રસંગ પૂરતું સુષુપ્તાવસ્થામાં રાખી દીધેલું સ્વમાન ફરી ઢંઢોળી શકાતું હોય છે. ખુમારી પરની ધૂળ ખંખેરી શકાતી હોય છે. આળસ મરડીને બેઠો થયેલો સિંહ વધુ ખૂંખાર બની જાય છે. સ્વમાનને કોઈક જ વખત સુષુપ્તાવસ્થામાં રાખી શકાય, ગિરવે ન મૂકી શકાય, વેચી શકાય તો હરગિજ નહીં. વેચાઈ ગયેલું સ્વમાન કોઈ પાછું મેળવી શકતું નથી અને ગિરવે મૂકેલું સ્વમાન આજીવન ક્યારેય છોડાવી શકાતું નથી.
દુનિયામાં જેને કોઈ જ દુશ્મન ન હોય એવો માણસ અચૂક નબળો હોવાનો. શત્રુઓ હોવા એ તંદુરસ્તીભર્યા જીવનની નિશાની છે. વિરોધીઓ હોય એનો અર્થ એ કે તમે ‘કોઈનીય સાથે ક્યારેય બગાડવું નહીં’વાળી ફિલસૂફીમાં માનતા નથી. તમે તો જાણો જ છો કે સૌને સારું લગાડવા માગતો કઠિયારો સામાન સાથે પોતાના પુત્રને લઈને પરગામ જવા નીકળ્યો ત્યારે એણે ગધેડાની કેવી હાલત કરી હતી.
પાન બનાર્સવાલા
પ્રશંસા મેળવવાની જેમને ટેવ પડી ગઈ છે તેઓ ટીકાથી ગભરાતા હોય છે. બીજાઓ પાસે માન મેળવ્યા કરવાની ઈચ્છા સંતોષવા જતાં તમે એમને તમારું અપમાન કરવાનો હક્ક આપી દો છો.
- અજ્ઞાત
www.facebook.com/Saurabh.a.shah
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તમે સાચાને સાચું અને ખોટાને ખોટું કહેતાં અચકાઓ છો? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/youre-right-true-and-false/
via Best Gujarati News
0 Comments