અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ લીધેલો આકરો નિર્ણય પેટ્રોલ-ડિઝલમાં કરાવશે ભડકો
અમેરિકાએ ભારત સહિતના આઠ દેશોને ઈરાન પરના પ્રતિબંધોમાં રાહત આપવા ઇનકાર કરી દીધા પછી સાઉદી અરબે પણ એક મોટો આંચકો આંપ્યો છે. સાઉદી અરબે આવી સ્થિતિમાં પણ ક્રૂડ ઉત્પાદન વધારવા ઇનકાર કરી દીધો છે. સાઉદી અરબની આ જાહેરાતને પગલે વિશ્વભરમાં ક્રૂડની કિંમતો વધી શકે છે અને તેને પગલે ભારતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ વધી શકે છે.
બુધવારે સાઉદી અરબના ઊર્જાપ્રધાન ખાલિદ અલ -ફલિહે જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ખરીદ કરી રહેલા દેશોને આપેલી છૂટછાટ પાછી ખેંચી લીધા પછી પણ તત્કાલ તેલ ઉત્પાદન વધારવાની સાઉદી અરબની કોઈ યોજના નથી. ફલિહે કહ્યું કે,’વેનેઝુએલા સંકટ અને ઈરાન સામેના અમેરિકાના કડક વલણ છતાં વૈશ્વિક ક્રૂડ ભંડારમાં વધારો થઈ રહ્યો છે (ગ્લોબલ ઇન્વેન્ટ્રીઝ વધી રહી છે) તેથી તાકીદે કોઈ નવા પગલાં લેવાની જરૂર નથી.’
ભારત પર ભીંસ વધશે
ભારત પોતાની તેલ જરૂરિયાત પૈકી 11 ટકા ઈરાન પાસેથી આયાત કરે છે. પરંતુ અમેરિકાએ 1લી મેથી ઈરાન પર અમલી પ્રતિબંધમાં ભારત સહિતના કોઈ દેશને છૂટછાટ આપવા ઇનકાર કરી દેતાં 2 મેથી ઈરાનમાંથી તેલ આયાત બંધ થઈ જશે. તેનો કોઈ વિકલ્પ નહીં મળે તો દેશની આર્થિક તુંદુરસ્તી કથળી શકે છે. સ્થિતિઓને સામાન્યવત રાખવા ભારતે તેલની આયાત માટે સાઉદી અરબ,સંયુક્ત આરબ અમીરાત જેવા ઓપેક દેશો પાસેથી તેલ આયાત વધારવી પડશે. જોકે પ્રતિબંધોમાં છૂટછાટ ના હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની ચાબહાર બંદરગાહ યોજના પ્રભાવિત નહીં થાય અને ભારત – અમેરિકા મળીને તે બંદર વિકસાવી શકશે.
અમેરિકાની અવગણના કરવામાં આવે તો
ભારત અને ચીન હાલમાં ઈરાન પાસેથી તેલનો સૌથી વધુ પુરવઠો આયાત કરે છે. બંને દેશો 2 મે પછી પણ ઈરાન પાસેથી તેલ આયાત ચાલુ રાખશે તો અમેરિકા સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં તંગદિલી આવી શકે છે. વેપાર સહિતના અન્ય મુદ્દે પણ તેના પરિણામો જોઈ શકાય છે. ટ્રમ્પે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારત સહિતના આઠ દેશોને છ મહિના માટે ઈરાન પાસેથી તેલ આયાતની આપેલી છૂટછાટની મર્યાદા બીજી મેના રોજ પૂરી થાય છે.
શેર બજાર પર કોઈ ખાસ પ્રભાવ નહીં
ઈરાન મુદ્દે ભારતીય શેર બજારોમાં કોઈ મોટો પ્રભાવ જોવા ના મળ્યો. ક્રૂડનો પૂરતો પુરવઠો હોવાને કારણે વાયદા બજારમાં કાચા તેલની કિંમતોમાં 0.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તેલની કિંમત પ્રતિ બેરલ રૂપિયા 4622 રહી. ઈરાની તેલ કંપનીઓ પાસેથી તેલ ખરીદવા પ્રતિબંધ હોવા છતાં વિશ્વ બજારમાં પૂરતો પુરવઠો હોવાથી વાયદા બજારમાં કાચા તેલની કિંમતોમાં આમ ઘટાડો નોંધાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ લીધેલો આકરો નિર્ણય પેટ્રોલ-ડિઝલમાં કરાવશે ભડકો appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/no-request-yet-from-china-for-more-oil-saudi-arabia/
via Best Gujarati News
0 Comments