“સુબહા ન આઈ, શામ ન આઈ, જિસ દિન તેરી યાદ ન આઇ…
ફ્લિમની ચિલમ : સલિલ દલાલ
હિન્દી ફ્લ્મિોનાં ગીતોમાં ‘હિન્દી’ ભાષાનો પ્રયોગ કરનારા યોગેશજી જેવા કવિઓની વાત કરતાં ગયા સપ્તાહે ‘નીરજ’નો પણ ઉલ્લેખ થયો હતો. એ બે કવિઓમાં ફરક એટલો હતો કે સિનેમાનાં ગીતો લખવામાં નીરજનું આગમન યોગેશ પછી થયું હતું; પરંતુ, નીરજ અકસ્માતે કવિતા કરતા નહોતા થયા. એ હિન્દી સાહિત્યના માતબર કવિ ઓલરેડી હતા જ. તેમણે લખેલી એક કવિતા, “કારવાં ગુજર ગયા, ગુબાર દેખતે રહે…” ૧૯૬૬ની ફ્લ્મિ ‘નઈ ઉમર કી નઈ ફસલ’માં આવી, એ ફિલ્મસંગીતમાં નીરજની પ્રથમ એન્ટ્રિ. હકીકતમાં તો ‘બરસાત કી રાત’ બનાવનારા ચંદ્રા (અભિનેતા ભારતભૂષણના ભાઇ)એ એક કાર્યક્રમમાં એ કાવ્ય નીરજના મુખે સાંભળીને તે ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી અને સિનેસંગીતના દરવાજા ખુલ્યા. નીરજ તે વખતે મુંબઈ આવ્યા હતા, પોતાના કાવ્યપઠનનો બે કલાકનો સોલો પ્રોગ્રામ કરવા.
એ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યપ્રધાન યશવંતરાવ ચવ્હાણ હતા. તેમણે કવિતાપાઠ અને ખાસ તો “કારવાં ગુજર ગયા…”ને ઓડિયન્સ તરફથી બેશુમાર તાળીઓના મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવ પછી, રૂપિયા પાંચ હજારનું ઇનામ નીરજને આપ્યું! પ્રોગ્રામના અંતે ચંદ્રાજીએ તે ગીત ખરીદીને કોઇ પિક્ચરમાં મૂકવાનો પ્લાન કરવાને બદલે એ ગાયનની આસપાસ જ વાર્તા ઘડવાનું નક્કી કર્યું. એક ગીત ફિલ્મ બનાવવાની પ્રેરણા બને એવો એ કદાચ પ્રથમ પ્રસંગ હતો. ફિલ્મનું નામ ‘નઈ ઉમર કી નઈ ફસલ’ પણ નીરજે કરેલું નામકરણ હતું એટલું જ નહીં, એક માત્ર “કારવાં ગુજર ગયા…” જ નહીં, ફિલ્મનાં તમામ ગીતો પણ તેમણે જ લખી આપ્યાં!
‘નઈ ઉમર કી નઈ ફસલ’નાં રોશનના સંગીત નિર્દેશનમાં તૈયાર થયેલાં ગાયનોએ સૌનું ધ્યાન ખેંચ્યું. ખાસ કરીને મુકેશના સ્વરમાં ગવાયેલું, “દેખતી હી રહો આજ દર્પણ ન તુમ, પ્યાર કા યે મહુરત નીકલ જાયેગા…”! તે વખતે કવિ મુંબઈમાં નહોતા રહેતા. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના એક નાનકડા ગામ પુરાવલીમાં ૧૯૨૫માં થયો હતો. ભણતર ઇટાવામાં કર્યું પરિવારમાં તેમનાથી મોટા એક અને નાના બે ભાઇ હોઇ પિતાના અવસાન પછી ભણવાનું છોડીને ટયુશન કરવા માંડયાં. છેવટે તેમની નોકરી સરકારના પુરવઠા ખાતામાં ટાઇપીસ્ટ તરીકેની લાગી અને ત્યાં એ ‘સક્સેના સાહેબ’ તરીકે ઓળખાતા હતા. તેમનું મૂળ નામ ગોપાલદાસ સક્સેના હતું.
આ ટાઇપીસ્ટ કવિતાઓ તો કરતા; પરંતુ, કવિતાના રવાડે ચઢેલા કર્મચારીઓને તે દિવસોમાં અધિકારીઓ બહુ માનથી નહોતા જોતા. (આજે એ સ્થિતિ બદલાઇ હશે ખરી?) એટલે ઉપનામ ‘નીરજ’ રાખ્યું, જેનો અર્થ થાય છે, ‘કમળ’ (પાણી ‘નીર’માં જન્મેલા નીરજ). પણ એકવાર કવિતા અને સાહિત્યનાં સામયિકોમાં તેમની કૃતિઓ છપાવા લાગી પછી હરિવંશરાયજીએ જેમ પોતાની અટક ‘શ્રીવાસ્તવ’ને બદલે ‘બચ્ચન’ કરી દીધી એમ આપણા કવિએ પણ ‘નીરજ’ને જ જાણે કે અટક કરી નાખી અને આખું નામ કર્યું ગોપાલદાસ નીરજ! પછી તો ભણ્યા પણ ખરા અને આગળ જતાં યુનિવર્સિટીમાં અધ્યાપક પણ થયા. કવિને મુંબઈનો ફેરો ફ્ળ્યો. કેમ કે ‘નઈ ઉમર કી નઈ ફ્સલ’ પછી તરત અભિનેતા ચંદ્રશેખરે પોતાની ફ્લ્મિ ‘ચા ચા ચા’ માટે ગીતો લખાવ્યાં.
‘ચા ચા ચા’માં રફી સાહેબે ગાયેલી આ બે કૃતિઓ તો આજે પણ તેમના ચાહકોને યાદ હશે જ… “સુબહા ન આઈ, શામ ન આઈ, જિસ દિન તેરી યાદ ન આઇ, યાદ ન આઇ…” અને બીજી “વો હમ ન થે, વો તુમ ન થે, વો રહગૂજર થી પ્યાર કી, લૂટી જહાં પે બેવજહ પાલકી બહાર કી…” એ અફલાતુન કમ્પોઝિશન ઇકબાલ કુરેશીના સંગીત નિર્દેશનમાં થયાં હતાં. પણ જો ફિલ્મી ગીતકાર તરીકે આગળ વધવું હોય તો, રાજ કપૂર, દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજેન્દ્ર કુમાર જેવા ટોપ સ્ટારની ફિલ્મમાં ગાયન લખાય તો જ મેળ પડે. એક કાર્યક્રમમાં દેવ આનંદે નીરજને સાંભળ્યા અને વાયદો કર્યો કે ક્યારેક આપણે ભેગા કામ કરીશું. દેવ સાહેબને ‘જ્વેલથીફ’ વખતે શૈલેન્દ્રના અવસાનથી મોટી ખોટ લાગી. કેમ કે સચિન દેવ બર્મન અને શૈલેન્દ્રની જોડીએ ‘ગાઇડ’માં નવકેતનને એક અવિસ્મરણીય આલ્બમ આપેલું હતું. એ ઇતિહાસનું પુનરાવર્તન થવાને બદલે શૈલેન્દ્રનું લખેલું એક જ ગીત “રુલા કે ગયા સપના મેરા, બૈઠી હું કબ હો સવેરા…” તેમની પાસે હતું. બાકીનાં ગાયન મજરુહ સુલતાનપુરીની મસ્ત કલમે મળ્યાં અને એ આલ્બમ પણ સુપરહીટ જ થયું. છતાં, દેવ આનંદ અને બર્મનદાદાની પધ્ધતિ હતી એમ તેમની સાથે કલાકો કે ઇવન દિવસો સુધી બેસીને કાવ્ય રચનાઓ માટે મંથન કરવા જેવો સમય કાઢી શકે એવા અને ખાસ તો ક્વોલિટી રાઇટરની તલાશમાં ‘નવકેતન’ બેનર હતું જ. એવામાં નીરજનો પત્ર આવ્યો!
નીરજે દેવ આનંદને પત્ર લખીને યાદ કરાવ્યું કે તમે સાથે કામ કરવાનો વાયદો કર્યો હતો. દેવ સાહેબે પોતાના હસ્તાક્ષરમાં પત્ર લખીને કવિને મુંબઈ બોલાવ્યા. નીરજ તો કોલેજમાં ૬ દિવસની રજા મૂકીને મુંબઈ આવી ગયા. તેમને દેવ સાહેબે એક હજાર રૂપિયા આપ્યા અને એક સરસ હોટલમાં ઉતારો આપ્યો. આ નવા કવિ પાસે ગીતો લખાવવાની વાત જ્યારે દેવ આનંદે સચિનદેવ બર્મનને કરી, ત્યારે નેચરલી, દાદાને બહુ ઉત્સાહ નહોતો. પહેલીવાર મળ્યા, ત્યારે નીરજનો ટેસ્ટ લેતા હોય એમ સચિનદાએ અઘરું લેસન આપ્યું. તેમણે કહ્યું, હીરોઇન દારુના નશામાં છે અને ગાયન ગાય છે. એ પ્રસંગનું મહેફીલ-ગીત લખવાનું છે; પણ તેમાં શરાબ, જામ કે નશા જેવા શબ્દો ના જોઇએ. શરૂઆત ‘રંગીલા રે…’થી શરુઆત કરવાની રહેશે અને બાકીની પણ નાની નાની પંક્તિઓ જ જોઇશે. બીજે દિવસે મળવાનું નક્કી કર્યું.
નીરજે તો રાતમાં જ લખી કાઢયું, “રંગીલા રે… તેરે રંગ મેં, યું રંગા હૈ મેરા મન, છલિયા રે, ન બુઝે હૈ કિસી જલ સે, યે જલન…”! સવાર પડતામાં દેવ આનંદને મળીને આખું ગીત સંભળાવ્યું. તેના અંતરામાં “દુઃખ મેરા દુલ્હા હૈ, બિરહા હૈ ડોલી, આંસુ કી સાડી હૈ, આહોં કી ચોલી, આગ મૈં પીઉં રે, જૈસે હો પાની, નારી દીવાની હું, પીડા કી રાની, મનવા યું જલે હૈ, જગ સારા છલે હૈ, સાંસ ક્યું ચલે હૈ, પિયા… વાહ રે પ્યાર, વાહ રે વાહ…!” દેવ સા’બ પણ નશાને લગતા કોઇ શબ્દો વિનાની એ કવિતા સાંભળીને ‘વાહ રે વાહ’ બોલી ઉઠયા અને દાદા બર્મને સાંભળ્યું, ત્યારે એ પણ બંગાળીમાં ‘ભાલો ભાલો’ કહેવા માંડયા.
નીરજે છ દિવસના રોકાણ દરમિયાન દેવ આનંદ તેમ જ નવકેતનની ટીમ સાથે બેસીને ‘પ્રેમ પુજારી’નાં તમામ ગાયન લખી આપ્યાં.
‘પ્રેમ પુજારી’ના આલ્બમને મળેલી સફ્ળતા નીરજજીની યશકલગીમાં બિરાજતું એક અનેરું પીંછું છે. ‘પ્રેમ પુજારી’નું જ “જૈસે રાધાને માલા જપી શ્યામ કી, મૈંને ઓઢી ચુનરિયા તેરે નામ કી…” શિરમોર કહી શકાય. જ્યારે ‘ફુલોં કે રંગ સે…’નો તો નિખાર જ કાંઇક ઓર હતો. એ ગીતની શરૂઆત કેવી લાંબી; પણ એસ.ડી. બર્મનની ધૂનની એ કમાલ હતી કે આજે આટલાં વર્ષે પણ ચાહકો તે આરંભ આખો ગાઇ શકે… ‘ફુલોં કે રંગ સે, દિલ કી કલમ સે, તુઝકો લિખી રોજ પાતી, કૈસે બતાઉં કિસ કિસ તરહ સે, પલ પલ મુઝે તુ સતાતી, તેરે હી સપને, લેકર કે સોયા, તેરી હી યાદોં મેં જાગા, તેરે ખયાલોં મેં ઉલઝા રહા યું, જૈસે કી માલા મેં ધાગા…” અને પછી ધ્રુવ પંક્તિ કેવી લઈ આવ્યા હતા, નીરજ?
“હાં બાદલ-બીજલી, ચંદન-પાની જૈસા અપના પ્યાર, લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર… હાં ઇતના મદિર, ઇતના મધુર તેરા મેરા પ્યાર…!” હિન્દી સિનેમાના ગીતમાં પ્રણયની ચંદન અને પાણીના મિલાપ જેવી પવિત્ર વ્યાખ્યા? આ પત્રલેખન જાણે કે પુરાણોમાં પ્રભુ મહિમા માટે લખાયેલા શ્લોક “અસિત ગિરિ સમં, સ્યાત કજ્જલં સિંધુ પાત્રે…”માંની પંક્તિઓ “સુરતરુવર શાખા લેખિની પત્ર મુર્વી, લિખતિ યદિ ગૃહિત્વં શારદા સર્વકાલં…”ને તાદ્દશ્ય કરતા હોય એવી કલ્પના હતી. દેખીતી રીતે જ દેવ આનંદ કે બર્મનદાદા પણ નીરજને ‘પ્રેમ પુજારી’ પછી છોડી દેવાના નહોતા એ નક્કી થઈ ચૂક્યું હતું.
તિખારો!
કરણ જોહરે આ સપ્તાહે શાહરૂખને ખોટું લાગી જાય એવી એક કોમેન્ટ ટ્વીટર પર કરી, ત્યારે પોતાના ચાહકોએ મિત્ર કરણને ઠમઠોરવા શરૂ કર્યા; એ જોઇને શાહરૂખ ખાને હળવાશથી ટ્વીટ કર્યું કે “કરણની આંગળીઓ જાડી છે. એટલે ભૂલમાં એમ ટાઇપ થયું હશે. મિત્રો તેને માફ કરો”!! (કરણે એ ટ્વીટ રદ કરી દીધી.)
salil_hb@yahoo.co.in
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post “સુબહા ન આઈ, શામ ન આઈ, જિસ દિન તેરી યાદ ન આઇ… appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/subah-na-i-sham-n-i-jes-din/
via Best Gujarati News
0 Comments