GDP અને જોબ ડાઉન, નિર્મલા સિતારામનના શિરે કાંટાળો ક્રાઉન
વોટ્સએપ કોર્પોરેટ : કલ્પેશ શેઠ
‘મોદીજીના નેતૃત્વવાળી NDA-૨માં ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી નિર્મલા સિતારામનને નાણાંની સુરક્ષા કરવાની અર્થાત નાણામંત્રાલયની જવાબદારી મળી છે. પણ મેડમ નિર્મલાને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા ખરાબ અનુભવનો સામનો કરવો પડયો..! શુક્રવારે હજુ મંત્રાલયની ખુરશી સંભાળી જ હતી ત્યાં સાંજે જાહેર થયેલા GDPનાં આંકડાએ ખુરશીમાંના ખિલ્લાનું કામ કર્યું છે. જાન્યુઆરી-૧૯ થી માર્ચ-૧૯નાં ચોથા ત્રિમાસિકનો GDP ગ્રોથ ઘટીને ૫.૮ ટકા આવ્યો છે આ સાથે જ ભારતે વિશ્વની સૌથી વધારે ઝડપથી વિકસતી ઇકોનોમીનો દરજ્જો ગુમાવ્યો છે. આશરે દોઢ વર્ષના ગાળા બાદ ચીન ૬.૪ ટકાના દર સાથે આ મુદ્દે પ્રથમ સ્થાને આવી ગયું છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ૬.૮ ટકાના દર સાથે દેશની વિકાસ યાત્રા ધીમી પડી ગઈ છે. આ આંક છેલ્લા પાંચ વર્ષનો સૌથી નીચો જણાવાય છે. આ અગાઉ આપણા આંકડા શાસ્ત્ર્રીઓ દ્વારા ત્રિમાસિક GDP ૬.૫ ટકા તથા વાર્ષિક GDP ૭.૧ ટકા રહેવાની ધારણા મુકાઈ હતી. આ ઉપરાંત આપણો બેરોજગારીનો આંકડો ૬.૧ ટકા આવ્યો છે.
દેશની રાજકોષીય ખાધ દેશના વચગાળાના બજેટ જેટલી ઊંચી એટલે કે ૨૩૧ ટ્રિલિયન અને GDPના ૩.૪ ટકા જેટલી થઈ ચૂકી છે. શહેરી વિસ્તારોમાં બેરોજગાર ૭.૮ ટકા તથા ગ્રામીણ વિસ્તારોમાં ૫.૩ ટકાનો રહ્યો છે. જાહેર વહીવટ, ડિફેન્સ તથા અન્ય સેવાઓ (૮.૬) કન્સ્ટ્રક્શન (૮.૭) તથા ગેસ પાણી તથા અન્ય આવશ્યક સેવાઓનો સાત ટકા જેટલો હિસ્સો રહ્યો છે.
યાદ રહે કે અગાઉ એજન્સીઓએ GDP દર ૬.૩ રહેવાનું અનુમાન મૂક્યું હતું. RBI એ પણ એપ્રિલ મહિનામાં અનુમાન મૂક્યું હતું કે વાર્ષિક GDP ૭.૨ ટકા રહેશે પણ RBIની આશા ઠગારી નીવડી છે. હવે જૂન મહિનામાં RBI ફ્રી એકવાર વ્યાજદરમાં કપાત જાહેર કરી શકે છે. હવે આગામી સપ્તાહે રેપોરેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ જેટલો ઘટાડો આવી શકે છે. જો આ નિર્ણય લેવાય તો ૫.૭૫ ટકાના દર સાથે રેપો રેટ વર્ષ ૨૦૧૦ પછીના સૌથી નીચા દરે આવી જશે.
આ આંકડા એવું સાબિત કરે છે કે રિપોર્ટ કાર્ડમાં પોલિટિકલ ગેમમાં તેઓ ૩૦૦ માર્ક સાથે છ ગ્રેડ લઇ આવ્યા છે પણ ફઇનાન્સ મેનેજમેન્ટમાં ગ્રેસ માર્ક સાથે પાસ થવું પડે છે. હવે નવા નાણાંમંત્રી નિર્મલા સિતારામન આગામી એક મહિના સુધી બજેટની તૈયારી કરશે, જેમાં સરકારે અગાઉ આપેલા વચનો તો પૂરા કરવા જ પડશે. ઉપરાંત અર્થતંત્રની ગાડીને ફ્રી પાટે ચડાવવાના પ્રયાસ પણ કરવા પડશે. લગભગ ૪૨ જેટલી સરકારી કંપનીઓના ખાનગીકરણને પ્રાધાન્ય આપવામાં આવશે. જેનાથી આવા માંદા એકમનો નિભાવ ખર્ચ સરકારી તિજોરી પરથી હળવો કરી શકાશે. અમુક સરકારી બેન્કોના મર્જરનો બીજો રાઉન્ડ પણ આવી શકે છે. સરકાર આગામી દિવસોમાં વિદેશી રોકાણકારોને આકર્ષી શકાય તેવા પગલાં ભરશે એ વાત નક્કી છે. આ ઉપરાંત મધ્યમ વર્ગીય નાગરિકોને એટલે કે પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વર્ગને બાદ કરીને અન્ય કરદાતાઓ પર નવો બોજ આવી શકે છે.
વિશ્વ બેન્કના આંકડા બોલે છે કે ભારતને દર વર્ષે ૮૧ લાખ નવી રોજગારીની આવશ્યકતા છે. જેના માટે નવા નાણાંપ્રધાને નક્કર આયોજનો કરવા પડશે. કૃષિવિકાસ સાધવો પડશે, ખેડૂતોને સાલ-૨૦૨૨ સુધીમાં બમણી આવક કરી દેવાના મોદીજીનાં વિઝનને સાકાર કરવા માટે પણ નવા નાણાંમંત્રીએ પહેલ કરવી પડશે. GSTનાં અટપટ્ટા તથા નાના વેપારીઓને નહીં પરવડતા નિયમો સરળ બનાવવા પડશે. ખાસ તો કરદાતાઓનો સ્પ્રેક્ટ્રમ પણ મોટો કરવો પડશે. જેનાથી સરકારની તિજોરી ભરનારા લોકોની સંખ્યામાં વધારો થાય. જુલાઈની પાંચમી તારીખે બજેટ જાહેર થશે. બસ સવાલ એ છે કે નવા પ્રોફઇલમાં નાણાંમંત્રી પોતાની જવાબદારી કેવી રીતે નિભાવે છે? શું ઇકોનોમીની ગાડી પાટે ચડાવશે કે પછી ગાડું જેમ છે તેમ ગબડાવ્યે રાખશે?!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post GDP અને જોબ ડાઉન, નિર્મલા સિતારામનના શિરે કાંટાળો ક્રાઉન appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/trouble-for-gdp-and-job-down-nirmala-sitharaman/
via Best Gujarati News
0 Comments