સપા – બસપા ગઠબંધન ભંગાણને આરે ! એકલે હાથે પેટાચૂંટણી લડીશું : માયાવતી
। નવી દિલ્હી ।
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મળેલા પરાજય પછી સપા – બસપા સંબંધો ફરી ખાટા થયા છે. રાજધાની દિલ્હીમાં સોમવારે યોજાયેલી બસપાની લોકસભા પરિણામ સમીક્ષા બેઠકમાં માયાવતીએ પરાજયના કારણોની સમીક્ષા કરી હતી. દિલ્હીમાં સાંસદો,સંકલક, જિલ્લા પક્ષ પ્રમુખોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં મયાવતીએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગઠબંધનનો કોઇ લાભ ના થયો અને યાદવોના મત તેમને ટ્રાન્સફર નહોતા થયા. માયાવતીએ કહ્યું કે તેમન્ ોજાટોના મત પણ ના મળ્યા. માયાવતીએ ગણતરીના દિવસોમાં ઉત્તર પ્રદેશમાં યોજાનારી ૧૧ વિધાનસભા માટેની પેટાચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી.સમીક્ષા બેઠકમાં માયાવતીએ જણાવ્યું હતું કે શિવપાલ યાદવે યાદવોના મત કાપ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલાં સપા,બસપા અને આરએલડીએ મોટી તૈયારી સાથે ગઠબંધન કર્યું હતું. ત્રણેય પક્ષોએ ઉત્તર પ્રદેશમાં ૫૦ થી વધુ બેઠક પર વિજય મેળવશે તેવો દાવો કર્યો હતો. પરંતુ લોકસભા ચૂંટણી પરિણામો આશાથી વિપરીત આવ્યા હતા. સપાને માત્ર પાંચ બેઠકો તો બસપાને માત્ર ૧૦ બેઠકો મળી હતી. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો ૬૪ બેઠકો પર વિજય થયો હતો.
માયાવતીના વલણો દર્શાવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં ટૂંકસમયમાં સપા – બસપા ગઠબંધન તૂટી જશે. સમીક્ષા બેઠકમાં માયાવતી ગઠબંધનને મુદ્દે તદ્દન નાખુશ જોવા મળી. પેટાચૂંટણીમાં એકલે હાથે ઝંપલાવવાનો નિર્ણય તેમના વલણોમાં આવેલા ફેરફારની વાત કરી જાય છે. બસપા સામાન્યપણે પેટાચૂંટણી લડવાની પરંપરા નથી ધરાવતી.હાથીએ સાયકલ સવારી છોડવા મન બનાવી લીધું હોવાના સંકેતો વચ્ચે માયાવતીએ લોકસભા ચૂંટણી વખતે સપા- બસપા સમન્વય માટે બનેલી ભાઇચારા સમિતિઓને આગળ પર કામ કરતા રહેવા સૂચના આપતાં પક્ષીય સંગઠનને પણ મજબૂત બનાવવા સૂચના આપી હતી.
નવ વર્ષ પછી માયાવતી લડશે તમામ પેટાચૂંટણી
લોકસભા ચૂંટણી પરિણામોથી નારાજ બસપા નેતા માયાવતીએ પરાજયના કારણોની સમીક્ષા શરૂ કરી દીધી છે. મહત્વનો નિર્ણય લેતાં માયાવતીએ તમામ વિધાનસભા ચૂંટણી ૫૦ ટકા મતના લક્ષ્યાંક સાથે લડવાની જાહેરાત પણ કરી હતી. નવ વર્ષથી બસપા કોઇ પેટાચૂંટણી નહોતી લડી. બસપાએ છેલ્લે વર્ષ ૨૦૧૦માં પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ભાજપ, સપા અને અપના દળના વિધાનસભ્યો આ વખતે લોકસભાની બેઠક જીતીને સાંસદ બનતાં ૧૧ જેટલી વિધાનસભા બેઠક ખાલી થઇ છે અને ટૂંકસમયમાં તે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
બીજી તરફ અખિલશ સંયુક્ત રેલીને સંબોધી રહ્યા હતા
બસપા નેતા દિલ્હીમાં પરાજયની સમીક્ષા કરીને મહત્વની જાહેરાતો કરી રહ્યા હતા તે જ સમયે સપાના વડા અખિલેશ યાદવ તેમને જીતાડનારા આઝમગઢના મતદારોનો આભાર માનવા સપા – બસપા સંયુક્ત રેલીને સંબોધી રહ્યા હતા. આ રેલીમાં મંચ પર બસપાના સાંસદ સંગીતા આઝાદ પણ હાજર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સપા – બસપા ગઠબંધન ભંગાણને આરે ! એકલે હાથે પેટાચૂંટણી લડીશું : માયાવતી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/sp-bsp-coalition-break-up/
via Best Gujarati News
0 Comments