વડોદરામાં રાત્રે દારૂના નશામાં ધૂત PSIએ યુવકને ૩ ગોળી ધરબી દીધી
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલાં રવિપાર્ક ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે નશામાં ધૂત મકરપુરાના પ્રોબેશનલ PSIએ પાનના ગલ્લાવાળા સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ તેમનાં પુત્ર પર ર્સિવસ રિવોલ્વરમાંથી ઉપરા છાપરી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતાં ચકચાર મચી હતી. ફાયરીંગમાં એક ગોળી યુવકને પેટમાં તથા બે પગમાં વાગતાં ગંભીર હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ટોળાં ઉમટી પડતાં આરોપી પીએસઆઈ બુલેટ છોડી ભાગી ગયો હતો.
તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસે મણીલાલ પ્રજાપતિ પાનનો ગલ્લો ધરાવે છે. આજે રાતે 9.15 વાગ્યે મકરપુરા પોલીસ મથકનો પ્રોબેશન PSI શક્તિસિંહ.વી.ચુડાસમા સિવિલ ડ્રેસમાં બુલેટ લઈ ગલ્લા પર ગયો હતો. પીએસઆઈએ મણીલાલ સાથે નજીવી બાબતે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. જેથી મણીલાલનો પુત્ર સિમિત (ઉં.વ.૩૩) ઘરમાંથી દોડી ગયો હતો. તે કંઈ સમજે પહેલાં જ પીએસઆઈ શક્તિસિંહે મારી નાંખવાના ઈરાદે ર્સિવસ રિવોલ્વર સિમિત તરફ તાકી ઉપરાછાપરી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં તેને એક ગોળી પેટમાં અને બે પગમાં વાગી હતી.
પીએસઆઈ નશામાં ધૂત હોવાનો પણ આક્ષેપ ઘટનાસ્થળે ઉમટી પડેલાં લોકોએ કર્યો હતો. બનાવ બાદ શક્તિસિંહ તેનું બુલેટ મુકી નાસી છુટયો હતો. આ પીએસઆઈ લગભગ એક વર્ષથી મકરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.
ફાયરિંગ બાદ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મકરપુરા પોલીસ મથકે દોડી ગયા હતા. તેઓએ બંધ બારણે પીએસઆઈની પુછપરછ કરી હતી. હોસ્પિટલની બહાર ટોળાં ઉમટી પડતાં પોલીસે ત્યાં જવાની હિંમત કરી ન હતી અને ઈજાગ્રસ્તના ભાઈને પોલીસ મથકે ફરિયાદ લખાવવા બોલાવ્યો હતો. જેને લઈ મોડીરાતે પોલીસ સ્ટેશને ટોળાં જામ્યા હતા.
મકરપુરા પોલીસ મથકના પીએસઆઈ ચુડાસમાની કરતૂતને પગલે લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે એક પણ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત સિમિત પ્રજાપતિને દાખલ કર્યો હતો, તે ન્યુઈરા સ્કુલ પાસેની હોસ્પિટલમાં રાતના ૧૧ વાગ્યા સુધી ફરક્યો ન હતો. બીજી તરફ હોસ્પિટલની બહાર ટોળેટોળાં ઉમટી પડયા હતા. તે વખતે મોડીરાતે હોસ્પિટલની બહાર જ શના ઠોકારના ભત્રીજા અને ભીમા ભરવાડની ગેંગ વચ્ચે જૂની અદાવતે અથડામણ થઈ હતી. આ ઘટનાને લઈ આવનારા દિવસોમાં ગેંગવોરના ભણકારી વાગી રહ્યાં છે.
પીએસઆઈએ મારી તરફ પણ બે ફાયર કર્યાઃ ઇજાગ્રસ્તનો ભાઇ દિલીપ
ઇજાગ્રસ્ત સિમિતના ભાઈ દિલીપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું જમવા બેઠો હતો, ત્યારે ફાયરીંગનો અવાજ આવતાં દોડીને બહાર ગયો હતો, તે વખતે પીએસઆઈ ચુડાસમાએ મારી તરફ પણ બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા, પરંતુ હું બચી ગયો હતો. ફાયરીંગ કરનાર શક્તિસિંહ ચુડાસમા થોડા દિવસો પહેલા જ તરસાલીની માધવનગર સોસાયટીમાં રહેવા આવ્યો છે, તેમ રહીશોએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વડોદરામાં રાત્રે દારૂના નશામાં ધૂત PSIએ યુવકને ૩ ગોળી ધરબી દીધી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/drunk-psi-fires-3-round-on-a-man-in-vadodara/
via Best Gujarati News
0 Comments