… એટલે લાતકાંડ બાદ આ માટે થાવાણીએ કર્યું રાખડીનું નાટક, જાણો પડદા પાછળની કહાની
। અમદાવાદ ।
ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને જાહેરમાં માર મારી ગુંડાગીરી આચરી અને એ પછી અચાનક પીડિત મહિલાને બહેન બનાવી રાખડીનું (સમાધાન) નાટક ભજવ્યું, તેની પાછળ માત્રને માત્ર પોતાનું ધારાસભ્ય પદ બચાવવાનો કારસો છે તેમ ભાજપના જ આંતરિક વર્તુળો જણાવી રહ્યા છે. પાણી મુદ્દે રજૂઆત કરવા આવેલી મહિલાને લાકડીઓથી ફટકારી, ગંભીર ઈજા પહોંચાડી તે બદલ આઈપીસી કલમ ૩૨૪નો ગુનો બને છે, અને તેમાં ધારાસભ્યને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સંજોગોમાં જો પોલીસ ખરેખર કાર્યવાહી કરે તો બલરામના ધારાસભ્ય પદ ઉપર લટકતી તલવાર રહેશે. સમગ્ર ઘટના એનસીપીના મહિલા કાર્યકર સાથે ઘટી પરંતુ એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ વિરોધ સુદ્ધાં દર્શાવ્યો નથી.
ભાજપના નેતાઓ તેમના જ ધારાસભ્યની કરતૂતને વખોડી તો રહ્યા છે, પરંતુ કમનસીબે કોઈ પગલાં ભર્યા નથી. માત્ર પ્રદેશ ભાજપે ધારાસભ્યને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. આમ તો ભાજપના નેતાઓ મહિલા સશક્તિકરણની મોટી મોટી ડંફાસો મારતાં રહે છે, પણ ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢવા કે પછી ધારાસભ્ય પદેથી હકાલપટ્ટી કરવા માટેની કેમ કોઈ જાહેરાત કરતાં નથી તેવો સવાલ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. આ ઘટનામાં પીડિત મહિલા એનસીપીના છે, એક તરફ એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપને પાડી દેવાની માટેની વાતો કરે છે પરંતુ બીજી તરફ તેમણે જાહેરમાં ખૂલીને વિરોધ સુધ્ધાં દર્શાવ્યો નથી.
‘લાત મારી એ ધારાસભ્ય થાવાણી,
છતાં થાંભલા જેવા ચૂપ રહ્યા વાઘાણી’
ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીની મહિલાને માર મારવાની ગુંડા-મવાલી જેવી હરકત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ એ પછી આ વિષયને લગતાં સંદેશા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.
‘જો ભાજપના પ્રદેશ પ્રમુખની બહેન સાથે આવી ઘટના બની હોત તો દમન કરનાર પાસે રાખડી બંધાવા જાત? ‘
‘સમાધાન રાખડીથી થાય કે રાખડી બાદ આપેલ ભેટથી થાય, કહેવાનું એટલું જ થાય કે હવે દર સોમવતી અમાસ બલરામ રક્ષાબંધન તરીકે ઉજવાશે’
‘આસારામ પણ જીદે ચઢયા છે કે, મારે પણ રાખડી બાંધવી છે- નરોડા’
‘બહેન બનવા માટે મળો ભાજપના બલરામને’
‘ભાઈ બેનનો પ્રેમ હતો, કોય કાય બોલતા નહિ- નરોડા.’
‘આસારામ જમતા નથી, જીદે ચડયા છે મારે પણ રાખડી બંધાવી છે’
‘જેમણે પોતાના હક્કનું માગ્યું – પાણી તેમનું નામ હતું તેજવાણી,
લાત મારી એ ધારાસભ્ય થાવાણી, ખૂબ લડયા કોંગ્રેસના કાર્યકરો અને ધાનાણી,
છતાં થાંભલા જેવા ચુપ રહ્યા વાઘાણી, પછી આલાપી ભાઈ-બહેનની વાણી,
ફાંફાં પડ ગયા બહેન બનાતે બનાતે છેલ્લે એવું બોલ્યા રૂપાણી.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post … એટલે લાતકાંડ બાદ આ માટે થાવાણીએ કર્યું રાખડીનું નાટક, જાણો પડદા પાછળની કહાની appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/why-balram-thawani-made-drama-of-rakhi-here-is-the-truth/
via Best Gujarati News
0 Comments