• રાજકોટમાંથી હત્યાના આરોપીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં હત્યા કર્યા બાદ આર્થિક પાયમાલીમાંથી ઉગરવા હત્યારાએ જ્યોતિષનો સંપર્ક કરતાં તેનો પર્દાફાશ થયો હતો. રાજકોટના માધાપર ચોકડી નજીક બેકબોન રેસિડેન્સી પાસે શ્રી એપાર્ટમેન્ટમાં રહેતાં અને પટેલનગરમાં શિવમ ટેકનોકાસ્ટ નામના કિચન હાર્ડવેર આઈટમ બનાવતાં કારખાનામાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતાં વ્રજેશ વિજયભાઈ જોષી ઉ.વ.૨૮ની બે વર્ષ પહેલાં હત્યા થઈ હતી. જેમ પાપ છાપરે ચઢીને પોકારે એવી રીતે હત્યાના આરોપી ખુદ કારખાનેદાર પ્રકાશ પ્રવિણભાઈ પીતળીયા સહિતનાએ જ બે વર્ષમાં ધંધાકીય અને આર્થિક પાયમાલ થઈ જતાં જ્યોતિષીનો સંપર્ક સાધતાં ધરબાયેલી હત્યાનો ભાંડાફોડ થયો છે. રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ચાર શખસોને સકંજામાં લઈ સુત્રધાર પ્રકાશની શોધ આદરી છે.

    પોલીસના સુત્રોની વિગતો મુજબ વ્રજેશ પ્રકાશના કારખાનામાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતો હતો. હિસાબમાં 25 લાખ જેવો ગોટાળો થયો હોવાથી વ્રજેશ કારખાને જતો ન હતો. સમાધાનના બહાને પ્રકાશે બોલાવ્યો હતો. તા.૬/૬/૧૭ના રોજ વ્રજેશ બસ સ્ટેશને આવતાની સાથે જ વ્રજેશને ઉઠાવીને પ્રકાશ સહિતના પટેલનગર સ્થિત તેના શિવમ ટેકનોકાસ્ટ નામના કારખાને લઈ ગયા હતા અને ત્યાં પ્રકાશ ઉપરાંત કારખાનામાં વીએનસી મશીન ચલાવતા પ્રકાશના બનેવી મોટામવામાં રહેતા ક્લ્પેશ બાબુભાઈ ભારદીયા અને અન્ય કારીગરોએ મળી ધોલધપાટ અને સ્કેલથી માર માર્યો હતો. ગંભીર ઈજાના કારણે બેશુધ્ધ જેવો બની ગયો હતો જેથી કારખાનાની ઓફિસમાં જ સુવડાવી દીધો હતો.

    ઈજાગ્રસ્તનું બીજા દિવસે તા.૭ના રોજ મોત નિપજ્યું હતું.

    યુવકનું મૃત્યુ થતાં ગભરાયેલાં કારખાનેદાર સહિતનાએ હવે શું કરવું ? એક છ અક્સરધારી એડવોકેટનો સંપર્ક સાધ્યો હતો. તેણે લાશને સળગાવી દેવા કે આવી રીતે નિકાલ કરી દેવા સલાહ આપી હતી. જેથી મૃતકને પ્રકાશ સહિતના એક્સયુવી કારમાં લઈ ગયા હતા અને ચોટીલા પાસે ઝરીયા મહાદેવ નજીક જંગલ જેવાં વિસ્તારમાં લાશને નાખીને સળગાવી નાખવાની પેરવી કરતા હતા. એવામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીની કાર નીકળતાં લાશને રેઢી મુકીની નાસી છુટયા હતા. હત્યા કરાયેલી લાશ મળતાં ચોટીલા પોલીસે જે તે સમયે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

    યુવકની હત્યા નિપજાવ્યા બાદ કારખાનેદાર પ્રકાશની આર્થિક અને માનસિક હાલત કથળવા લાગી હતી. ૬૦થી૭૦ કારીગરો સાથે રાત દિવસ ચાલતા કારખાનમાં, ધંધામાં પાયમાલી આવી ગઈ હતી. આર્થિક ફટકાઓ પડવાથી તેણે આવું કેમ ? એ માટે એક જ્યોતિષનો સંપર્ક સાધ્યો હતો. જ્યોતિષે એક યુવક નડે છે વિધી કરાવવી પડશે કહેતાં પ્રકાશ અને તેનો બનેવી ક્લ્પેશ બંને તૈયાર થયા હતા અને પ્રાંચી જઈને મૃતક વ્રજેશની તર્પણ વિધી પણ કરાવી હતી. વિધી બાદ પણ ધંધામાં ભાંગતા જ ગયા બધુ વેચવાનો વખત આવી પડયો અને સાવ બર્બાદ જેવા થઈ જતા ફરી જ્યોતિષને સંપર્ક કરી વિધી કરવા છતાં કંઈ અસર ફર્ક ન પડયાનું કહ્યું હતું. જ્યોતિષે ‘જેનું ખૂન કર્યુ તેના મા-બાપને તર્પણમાં બેસાડો તો જ પાયમાલીમાથી ઉગરશો’નું કહેતા છુટકારાનો માર્ગ શોધતા શખસોએ એક શખસની મધ્યસ્થીથી વ્રજેશના પુનીતનગરમાં રહેતા કાકા પ્રકાશભાઈ કુમનભાઈ જોષીને જાણ સમગ્ર વિતક કહી હતી. જો વ્રજેશના માતા-પિતા વિધીમાં બેસે તો પોતે આજીવન આર્થિક મદદ કરશેની પણ બાહેધારી આપી હતી.

    વાત સાંભળીને ચોંકી ઉઠેલા પ્રકાશભાઈએ અન્ય પરિવારજનોને જાણ કરી હતી અને ત્રણ દિવસ પહેલા સમગ્ર મામલો ક્રાઈમબ્રાન્ચ સુધી પહોંચ્યો હતો. ક્રાઈમબ્રાન્ચે પ્રકાશના બનેવી મોટામવામાં રહેતા કલ્પેશ બાબુભાઈ તેમજ અન્ય કારીગરો મહેશ, વિરલ અને નેહલને ઉઠાવી લઈ સુત્રધાર કુવાડવારોડ પર ચામુંડા સોસાયટીમાં રહેતા પ્રકાશની શોધ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જેનું ખૂન કર્યું તેનાં મા-બાપને તર્પણમાં બેસાડો તો જ પાયમાલીમાંથી ઉગરશો, જ્યોતિષને કારણે ઉકેલાય મર્ડર મિસ્ટ્રી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/rajkot-murder-mysteru-solved-because-of-an-astrologer/
via Best Gujarati News