। ગાંધીનગર ।

ગુજરાતમાં મકાન અને અન્ય બાંધકામોની સાઈટ ઉપર શ્રમિકના અકસ્માતે મૃત્યુના સંજોગોમાં રૂ. ૩ લાખની સહાય યોજનાનો સરકારે વિસ્તાર કર્યો છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જે શ્રમિક નોંધાયેલા નહી હોય તેમના આશ્રિતોને પણ આ સહાય ચૂકવવામાં આવશે.

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના ઉપ સચિવ જે.કે.શાહની સહીથી પ્રસિધ્ધ ઉપરોક્ત ઠરાવનો અમલ ૪ નવેમ્બર ૨૦૧૬થી કરવાનો નિર્ણય જાહેર થયો છે. આ તારીખથી બાંધકામ સાઈટ પર અકસ્માતે મૃત્યુ પામનાર નહી નોંધાયેલા શ્રમિકના વારસદારોને આ સહાય આપવામાં આવશે. ઠરાવમાં જણાવ્યા મુજબ બોર્ડમાં નોંધાયેલા શ્રમયોગીને ચાલુ કામે, બાંધકામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય તો તેમના આશ્રિતોને રૂ.૨ લાખ અને કાયમી અશક્તતાના કિસ્સામાં રૂ.૧ લાખ સુધીની સહાય આપવામાં આવતી હતી. ૪ નવેમ્બર ૨૦૧૬ના રોજ તેમાં સુધારો કરીને મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નહીં નોંધાયેલા શ્રમિકોના કિસ્સામાં ઉપરોક્ત સહાયના ૫૦ ટકા અર્થાત રૂપિયા એક લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. અઢી વર્ષ પહેલાંના ઉપરોક્ત ઠરાવમાં સરકારે ફરીથી સુધારો કર્યો છે. જે અનુસંધાને પ્રસિધ્ધ થયેલા ૨૭મી મેના સુધારા ઠરાવમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નહી નોંધાયેલા બાંધકામ શ્રમિકોને પણ પૃાદવર્તી અસરથી રૂપિયા ત્રણ લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

જેમાં બાંધકામની સાઈટ નોંધાયેલી નહી હોય ત્યા પણ ચાલુ કામે અકસ્માતે મૃત્યુના કિસ્સામાં નહિ નોંધાયેલા શ્રમિકને આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યુ છે. એટલુ જ નહી, આ યોજના હેઠળ કાયમી અશક્તતાના કિસ્સામાં પણ રૂપિયા ત્રણ લાખની સહાય આપવામાં આપશે. આ નિર્ણયથી ૪ નવેમ્બર ૨૦૧૬થી અત્યાર સુધીમાં જે કોઈ બાંધકામ સાઈટ પર અકસ્માતની ઘટના ઘટી હશે તેવા તમામ કિસ્સાઓમાં મૃતક શ્રમિકોના વારસદારોને ઉપરોક્ત સુધારા મુજબ રૂ.૩ લાખની સહાય ચુકવવામાં આવશે.

૧૨ લાખથી વધુ શ્રમિકો બાંધકામ ક્ષેત્રે કાર્યરત

ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રે ૧૨ લાખથી વધારે શ્રમિકો કાર્યરત છે. જેમાંથી પ,૩૨,૮૯૫ શ્રમિકો બોર્ડમાં નોંધાયેલા છે. વર્ષ ૨૦૧૫-૧૬થી ત્રણ વર્ષના સમયકાળમાં બાંધકામ ઉપરાંત ખેતી, ઉદ્યોગો સહિતના ક્ષેત્રોમાં કાર્યરત ૧૯૩૧ શ્રમિકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અકસ્માતે મૃત્યુ સહાય ચુકવાઈ છે.

બિલ્ડર, કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.૨,૦૯૭ કરોડ ઉઘરાવ્યા

મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડે રાજ્યમાં બાંધકામક્ષેત્રે કાર્યરત બિલ્ડર, કોન્ટ્રાક્ટર્સ પાસેથી અત્યાર સુધીમાં રૂ.૨,૦૯૭ કરોડની માતબાર સેસ વસૂલી છે. શ્રમિકોના કલ્યાણ માટે આ રકમનો પુરતો સદ્ઉપયોગ પણ થતો નથી ત્યારે બિલ્ડર, કોન્ટ્રાક્ટર્સ દ્વારા નહી નોંધાયેલા શ્રમિકો માટે પણ યોજનાઓનો વ્યાપ વધારવાની માગંણી હતી. સરકારે હમણાં માત્ર અકસ્માતના કિસ્સામાં સહાય માટે તેમનો સમાવેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બાંધકામ ક્ષેત્રે સંકળાયેલાં 12 લાખથી વધુ શ્રમિકો માટે સરકારે કરી મોટી જાહેરાત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-increase-compensation-for-accidental-death-of-construction-workers/
via Best Gujarati News