। નવી દિલ્હી ।

છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં બેન્કોમાં કૌભાંડ આચરવાનાં ૬,૮૦૦ કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા અને રેકોર્ડ બ્રેક રૂ. ૭૧,૫૦૦ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આમ એક જ વર્ષમાં બેન્ક કૌભાંડોમાં ૭૩ ટકાનો જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. પીએનબી કૌભાંડ અને વીડિયોકોનનું ICICI બેન્કનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યા છતાં બેન્ક કૌભાંડોમાં ઘટાડો થયો ન હતો. સરકાર દ્વારા બેન્ક કૌભાંડો રોકવા કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી હતી. કૌભાંડો આચરીને વિદેશ ભાગી ગયેલા ડિફોલ્ટર્સને પકડવા અને પ્રત્યર્પણ દ્વારા દેશમાં લાવવાનાં પગલાં લેવામાં આવ્યા હોવા છતાં બેન્ક કૌભાંડો ઓછા થયા ન હતા. આરબીઆઈએ જાહેર કરેલી માહિતી મુજબ  ૨૦૧૭-૧૮માં બેન્કોમાં કૌભાંડનાં ૫૯૧૬ કિસ્સા બહાર આવ્યા હતા જેમાં રૂ. ૪૧૧૬૭.૦૩ કરોડની છેતરપિંડી કરાઈ હતી. RTI હેઠળ માગવામાં આવેલી વિગતોમાં કૌભાંડના આ આંકડા બહાર આવ્યા હતા.

સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર – મોનિટરિંગ સિસ્ટમ મજબૂત કરવા સલાહ

બેન્કો સાથે નીરવ મોદી અને મેહુલ ચોકસીએ તેમજ સ્ટેટ બેન્ક સહિત દેશની અનેક બેન્કો સાથે વિજય માલ્યા દ્વારા કરોડોનાં કૌભાંડ આચરવામાં આવ્યા છે આમ છતાં બેન્કોમાં કૌભાંડો વધતા જ રહ્યા છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) દ્વારા કૌભાંડનાં ૧૦૦ કેસોનું વિશ્લેષણ કર્યું હતું. સીવીસીએ તેના રિપોર્ટમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને મોનિટરિંગ સિસ્ટમ મજબૂત કરવા સલાહ આપી હતી. છેતરપિંડીના કેસમાં બેન્કોએ ગુનાઈત કેસ કરવાનાં હોય છે. બેન્કોએ કેટલા કેસમાં પગલાં લીધા અને કેટલામાં નહીં તેની વિગતો હજી મળી નથી.

છેલ્લા ૧૧ વર્ષમાં રૂ. ૨.૦૫ લાખ કરોડની છેતરપિંડી

આરટીઆઈ હેઠળ આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા ૧૧ વર્ષમાં બેન્કમાં ફ્રોડનાં કુલ ૫૩,૩૩૪ કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. જેમાં બેન્કોની કુલ રૂ. ૨.૦૫ લાખ કરોડની રકમ ફસાઈ હતી.

કોની કોની સામે સીબીઆઈનાં પગલાં?

સીબીઆઈએ ૨૦૧૮માં બે સરકારી બેન્કનાં આધિકારીઓ IDBI બેન્કનાં પૂર્વ સીએમડી અને એરસેલનાં પૂર્વ પ્રમોટર શિવસંકરન, તેમના પુત્ર સામે IDBI બેન્ક સાથે રૂ. ૬૦૦ કરોડનાં કૌભાંડમાં કેસ કર્યા હતા. જ્યારે સીવીસીની ફરિયાદને પગલે ૨૦૧૦થી ૨૦૧૪ સુધી IDBI બેન્કમાં કામ કરનાર ૧૫ બેન્ક અધિકારીઓ સામે FIR કરી હતી. આ લોકો લોન મંજૂર કરવામાં એક યા બીજી રીતે સંડોવાયેલા હતા. ઈન્ડિયન બેન્કનાં એમડી અને સીઈઓ કિશોર ખરાત કે જેઓ અગાઉ IDBI બેન્કમાં એમડી અને સીઈઓ હતા તેમની સામે તેમજ સિન્ડિકેટ બેન્કનાં તેમના સમકક્ષ મેલ્વીન રેગો અને IDBI બેન્કનાં ચેરમેન કમ એમડી એમ આર રાઘવન સામે સીબીઆઈએ FIR કરી હતી. અન્ય કેટલાક બેન્ક ફ્રોડમાં સીબીઆઈ તેમજ ઇડીએ તપાસ હાથ ધરી હતી.

કયા કયા સેક્ટરમાં ફ્રોડ કરાયા

સીવીસી મુજબ ૧૩ સેક્ટરમાં ફ્રોડ કરાયું હતું જેમાં જેમ એન્ડ જવેલરી, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ઈન્ડસ્ટ્રીઝ, કૃષિ ક્ષેત્ર, મીડિયા, એવિએશન, સર્વિસ અને પ્રોજેક્ટ, ચેક ડિસ્કાઉન્ટિંગ, ટ્રેડિંગ, માહિતી ટેક્નોલોજી, નિકાસ, ફિકસ્ડ ડિપોઝિટ્સ, એલસી વગેરેનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બેન્ક ફ્રોડમાં 1 વર્ષમાં 73%નો ઉછાળો: આંકડો જાણી ગણતા જ રહી જશો appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/the-amount-of-bank-fraud-reached-at-rs-71500-crore/
via Best Gujarati News