ગુજરાત ચેમ્બરના ભગવાકરણનો તખ્તો તૈયાર
। અમદાવાદ ।
વર્ષોથી રાજકારણથી પર અને શ્રેષ્ઠીઓની સંસ્થા ગણાતા ગુજરાત વેપારી મહામંડળ હવે રાજકારણનો ભાગ બની જાય તેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. GCCIમાં સત્તા કબજે કરવા એડીસી બેંકના અજય પટેલ અને તેમના ખાસ વિશ્વાસુ ડો. મયુર દેસાઈએ રાજપથ અને કર્ણાવતી ક્લબની જેમ હવે GCCI કબજે કરીને પોતીકી પેઢી બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ બન્નેની ‘પાવર પેનલ’એ બંન્ને ક્લબોમાં એકહથ્થુ શાસન બાદ હવે ચેમ્બરનું પણ ભગવાકરણ કરવા ‘સામ, દામ, દંડ અને ભેદની નીતિ’ અપનાવી છે.
ગત વર્ષે ચેમ્બરની ચૂંટણીમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ માટે ફોર્મ ભરનાર જયેન્દ્ર તન્નાનું ફોર્મ ‘ટેકનીકલ’ કારણોસર રદ કરીને અજય પટેલે પોતાની બેંકનું ઓડીટ કરતા અને વિશ્વાસુ દુર્ગેશ બુચને આ હોદ્દા પર બિનહરીફ બેસાડીને આગામી વર્ષે બુચ પ્રેસિડેન્ટ બને તે નિશ્ચિત કર્યું હતું. હવે આ વર્ષે ડો. મયુર દેસાઈ અને અજય પટેલની પેનલના નટુભાઈ પટેલ (મેઘમણિવાળા)ને સિનયિર વાઈસ પ્રેસિડેન્ટ પદે બિનહરીફ બેસાડી દીધા છે. વાઈસ પ્રેસિડેન્ટ હેમંત શાહે, એલિસબ્રિજ જિમખાનામાં મીટિંગ યોજીને JITOના જોરે સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડવાનો ઈરાદો જાહેર કર્યો હતો. પરંતુ તેમને ચેમ્બરના સભ્યોનો ટેકો ન મળતાં હેમંત શાહે આ હોદ્દા માટે ફોર્મ ભર્યું નહોતું આમ, નટુભાઈ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થશે અને આગામી વર્ષે ચેમ્બરના પ્રેસિડેન્ટ પણ બનશે. ગત ચૂંટણીમાં ‘પ્રોમિસ’ આપીને બેસાડી દીધેલ ભાર્ગવ ઠક્કર સામે કોઈએ ફોર્મ નહીં ભરતાં તેઓ પણ બિનહરીફ વાઈસ પ્રેસિડેન્ટ બનશે, પણ તેમની સાથે એવો સોદો કરાયો છે કે આગામી વર્ષે તેમણે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે દાવો નહીં કરવાનો. ચેમ્બરમાં વર્ચસ્વ ધરાવતા અને એકબીજાના વિરોધી શંકર કાકા અને શૈલેષ પટવારીનો સાથ લેવામાં પણ પાવર પેનલ યેનકેન પ્રકારે સફળ રહી છે.
આમ અત્યાર સુધી જીસીસીઆઇના હોદ્દેદારો પોતાના સ્વાર્થ ખાતર સરકારની કઠપૂતળી બનતા હતા, પણ હવે તમામ હોદ્દેદારો પોતાના જ ચૂંટાય એ સુનિશ્ચિત કરીને સમગ્ર જીસીસીઆઇ જ સરકારની એક સંસ્થા બની જાય એવો તખ્તો અજય પટેલ અને .ડો. મયુર દેસાઇની જોડીએ તૈયાર કરી દીધો છે.
ફોર્મની સ્ક્રૂટિની પહેલાં જ પેનલ રચાઈ । ચેમ્બરમાં જનરલ કેટગરીમાં લોકલની ૮ અને બહારગામની ૪ સહિત ૧૨ સભ્યોની કમિટી માટે પેનલ રચાઈ છે. ઉમેદવારી ફોર્મની સ્ક્રુટિની સોમવારે થનાર હોવા છતાં શનિવારે આ પેનલ રચાઈ હતી. આ કેટેગરીમાં રચાયેલી હરીફ પેનલને પણ સામ, દામ, દંડ, ભેદની નીતિ અખત્યાર કરીને તેમજ ફોર્મ પરત ખેંચી લેવા અને ફોર્મ પરત ન ખેંચે તો સ્ક્રુટિનીમાં રીજેક્ટ કરવા ચીમકી અપાઈ હોવાનું પણ ચેમ્બરના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
GCCIની ગરિમાને બટ્ટો પહોંચાડનાર સામે પગલાં અંગે કોણ નિર્ણય લેશે ?
પ્રમુખ જૈમિન વસાએ ચેમ્બરમાં રીનોવેશન માટે ૪ ઝાડ કાપી નાંખતાં AMCએ ચેમ્બરને દંડ ફટકાર્યો હતો. આવો દંડ ચેમ્બરની ગરિમાને બટ્ટો લગાડવા સમાન હોવાથી બંધારણ મુજબ આખી બોડી ડિસ્ક્વોલિફાય થઈ શકે. આથી પ્રમુખ જૈમિન વસા, દુર્ગેશ બુચ, હેમંત શાહ, શૌરીન પરીખ, વગેરે હોદ્દેદારોને ડિસક્વોલિફાય કેમ નથી કરાતા એવી ચર્ચા પણ જોરશોરથી જીસીસીઆઇમાં ઉઠી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુજરાત ચેમ્બરના ભગવાકરણનો તખ્તો તૈયાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-chamber-bhagwatran/
via Best Gujarati News
0 Comments