લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએની શાનદાર જીતનું એલાન કરી રહેલાં એક્ઝિટ પોલનાં પરિણામોએ વિપક્ષી પક્ષોની ઊંઘ ઉડાડી દીધી છે. એક્ઝિટ પોલનાં પરિણામ બાદ વિપક્ષી પાર્ટીઓમાં દોડધામ મચી ગઈ છે. 23મેના રોજ આવનાર પરિણામો અલગ હોય તેવી આશા વિપક્ષી પક્ષો રાખી રહ્યા છે. અને તેને લઈને તમામ પક્ષો રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. વિપક્ષી નેતાઓનો પ્રયાસ છે કે, જો નજીકની સ્થિતિ બને તો, તેમાં યુપીએ સહિત ત્રીજા મોર્ચાની સંભાવના પર પણ વિચાર કરી શકાય છે.

માયા-અખિલેશમાં એક કલાક સુધી ચર્ચા

સોમવાર સવારે અખિલેશ યાદવ ચૂંટણીમાં પોતાની સહયોગી બીએસપી પ્રમુખ માયાવતીને મળવા પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી ચર્ચા ચાલી હતી. એક્ઝિટ પોલ્સમાં સપા અને બસપાનું ગઠબંધન ભાજપને નુકસાન પહોંચાડતું જોવા મળી રહ્યું નથી. તો બીજી બાજુ સુત્રો મુજબ, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને મળવાના છે. તો બીજી બાજુ, એનસીપી ચીફ શરદ પવાર પણ વિપક્ષી નેતાઓને એકજૂટ કરવા માટે એક્ટિવ થઈ ચૂક્યા છે. તો કોંગ્રેસ પણ એક્ઝિટ પોલ્સના પરિણામ બાદની સ્થિતિ પર મંથન કરી રહી છે.

શરદ પવાર અને ચંદ્રબાબુ નાયડુ થયા એક્ટિવ

એનસીપીના શરદ પવાર ક્ષેત્રીય પક્ષોનાં નેતાઓ સાથે સંપર્કમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, જો 23 મેના રોજ થોડું પણ અલગ પરિણામ આવે છે તો, બીજેપીને સરકાર બનાવવાથી રોકવા માટે વિપક્ષી પક્ષો સરકાર બનાવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. ટીએમસીના સુત્રોએ કહ્યું કે, મમતા બેનર્જી અને ચંદ્રબાબુ નાયડુ આગામી રણનીતિ અંગે ચર્ચા કરશે.

કોંગ્રેસ પણ કરી રહી છે મનોમંથન

રવિવારે તમામ એક્ઝિટ પોલમાં મોદી સરકાર આવતાં જ કોંગ્રેસ પણ પરેશાન થઈ ઉઠી છે. સુત્રો મુજબ, એક્ઝિટ પોલના પરિણામ બાદ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મળીને પરિણામ પછીની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે.

નવીન પટનાયક, જગન મોહન સાથે સંપર્કમાં પવાર?

એનસીપી ચીફ શરદ પવાર ઓડિશાના સીએમ નવીન પટનાયકના સંપર્કમાં છે. હજુ સુધી નવીન પટનાયકે પોતાના પત્તા નથી ખોલ્યા. ફની તોફાન બાદ પટનાયક બીજેપી તરફ સોફ્ટ વલણ અપનાવ્યું છે. તેવામાં પવારે પટનાયકનો સંપર્ક કરતાં સસ્પેન્સમાં વધારો થયો છે. તો પવાર વાઈએસઆર નેતા જગન મોહન રેડ્ડીના પણ સંપર્કમાં છે. જગન અને પટનાયકનું વલણ હજુ સુધી ભાજપ તરફ નરમ વલણ ધરાવે છે. ચૂંટણીમાં પણ ભાજપે આ બંને નેતાઓ માટે નરમ વલણ અપનાવ્યું છે.

થર્ડ ફ્રન્ટ પણ સરકાર બનાવવાની દોડમાં

ચૂંટણીના પરિણામ બાદ થર્ડ ફ્રન્ટ યુપીએ સાથે સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે. તેલંગાણાના સીએમ કેસીઆર સતત થર્ડ ફ્રન્ટ બનાવવાના પ્રયાસમાં લાગેલાં છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અંતિમ તબક્કાના મતદાન બાદ આવેલાં એક્ઝિટ પોલનાં પરિણામોમાં એનડીએને પુર્ણ બહુમત મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Exit Pollsથી વિપક્ષની ઊંઘ થઈ હરામ, આ દિગ્ગજો વચ્ચે બેઠકોનો ધમધમાટ શરૂ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/oppositon-party-planning-to-form-a-government-after-exit-polls/
via Best Gujarati News