અરવલ્લીની શહાદતને સલામ!
ચંદરવો :- રાઘવજી માધડ
અરવલ્લીની ગિરિમાળાના ઈશાનિયા ખૂણે આવેલા પાલ-દઢવાવ વિસ્તારમાં, આદિવાસીઓ અંગ્રેજ સામે અવાજ ઉઠાવવા એકઠા થયા છે. જેના આગેવાન છે, રાજસ્થાનના મેવાડ-કુલીયારી ગામના વણિક મોતી લાલ તેજાવત. કુદરતનો ખોળો ખુંદતીને અભાવોમાં ઉછરતી આ ભોળી પ્રજા, ગાઢ અરણ્ય વીંધતી ને ડુંગરે ડુંગરેથી ગાતી – નાચતી એકઠી થઇ રહી છે. આજ કાંઇક જુદી રીતનો રંગ તેમનામાં દેખાઈ રહ્યો છે.
કોઈ દિ’ન બોલે. સહન કરવું, થાય એટલું વહન કરવું પણ કોઈના સામે પડવું એ સ્વભાવમાં જ નથી. પણ ઝુલમ હદ વટાવી ગયો છે.. ઢોર પડાવી લેવાના, વેઠ કરાવવાની, નવા નવા વેરા લેવાના.. ત્યાં સુધીતો ચલાવ્યું પણ ઘરની આબરૂ માથે હાથ મુક્યો. સ્ત્રીની સલામતી નહી.. ને વિરોધ, વંટોળના જેમ ફ્રી વળ્યો હતો.
અબાલ વૃદ્ધ એવા હજાર-બારસોના ટોળામાંથી બુલંદ નારો ઉઠયોઃ ‘મોતાબાવજીની જે… જે જીવા કુશકા ખરાડીની…’ ત્યાં મોતીલાલે જુસ્સાભેર કહ્યું: ‘આ પાલ સ્ટેટના શાસનકર્તા ક્રૂર ને નિર્દયી બન્યા છે તમે કોઈની આગળ જરીકેય ઝૂકશો નહી. આત્મગૌરવ ને સન્માનથી રહેવાનું, જીવવાનું છે.’ જોડીદાર જીવા ખરાડીએ મોતીલાલના સૂરમાં સૂર પુરાવતા કહ્યું: ‘મોતાબાવજી રાઇટ બાત કીધી હૈ… હવે ગમે ઇ થાય લા, જીવ કાઢી આલો… મરો કે મારો લા..’ આ આહવાનના પડઘા શમે એ પહેલા ડુંગરની ગાળિયો ગજાવતો ઢોલ સંભળાયો. તરઘા યો ટીપાય એમ આ ઢોલ જોખમનો હતો એ વનવાસીઓને સંકેતમાં સમજતા કોઈને ઝાઝી વાર ન લાગી.
જ્યારથી મોતીલાલે અંગ્રેજો સામેની ચળવળ શરુ કરી છે ત્યારથી તે અંગ્રેજોની દાઢમાં છે. ક્યારે કાંટો કાઢી નાખે તે કહેવાય એવું નથી. કંપની સરકારના પાયામાં લૂણો લગાડે તેવું કોઈ કાર્ય ઊગતા પહેલા જ તેનો અસ્ત કરી નાખવો તેવી કુટનીતિ કોઈથી અજાણ નહોતી. તેથી જીવા ખરાડી ગફ્લતમાં રહે એવા નહો તા. મોતીલાલ માટે સાંઢણી સાબદી જ રાખી હતી. તેમણે કહ્યું: ‘તમતમારે નાહો..’ પણ મોતીલાલ કહેઃ ‘મારુંને તમારું સરખું જોખમ છે. સૌને રેઢા મૂકીને હું નહી જાઉં…’ આમ વડચડ થવા લાગી. પણ વખત હાથમાંથી વહી રહ્યો હતો. અંગ્રેજ પલટન ધસી આવી રહી હતી. તેથી મોતીલાલને સીધા સાંઢણી ચઢાવી રવાના કરી દીધા.
ત્યાં અંગ્રેજ જનરલ ચટ્ટન સાથે બે-બે અંગ્રેજ અને આદિવાસી સોલ્જર સાથે આખી પલટન ઝાડી-ઝાંખરા વીંધતી લગોલગ આવી પહોંચી. તેમાં સુબેદાર સુરજી નિનામાએ આગળ આવી, આંખો કાઢીને કહ્યું : ‘આંઈ ઢોકળીયા કૂવા માથે બધા ભેગા થયા હોં એમ કે ?’ પછી દમામભેર સવાલ કર્યોઃ’મોતીલાલ કિમનો ગીજ્જો ? મું પૂછું કિમનો ગીજ્જો…’ પણ કોઈની જીભાનમાંથી મોતીલાલ વિશે હરફ શુદ્ધા નીકળે એમ નહોતો. ચટ્ટન હાંફ્ળો ફંફ્ળો થઇ ગયો. તેની ધોળી જીભાનમાંથી કાળી વાણીનો બફટ થાવા લાગ્યો. અને મોતીલાલને જીવતો કે મરેલો પકડી લાવવા આદેશ કર્યો. સોલ્જર્સ ચારેકોર્ય ખાંખાખોળા કરવા લાગ્યા.પણ મોતીલાલને જંગલની જાણભેદુ સાંઢણી ગાઢ અરણ્યમાં અદ્રશ્ય થઇ ગઇ હતી.
સુબેદાર સુરજી નિનામાને એકલો જોઈ જીવા ખરાડીએ કહ્યું: ‘હેં તું આપડી નાતનો ને ચિતરીયા પાલ નો હૈ… અણાના હાથે થઇ ગીજ્જો હૈ ?’ નિનામા નાતનો પાછો વિસ્તારનો હતો. તે અહીં આવ્યો તે અજૂગતું લાગતું હતું. ને સામે નિનામાનો લૂલો બચાવ કોઈના ગળે ના ઉતર્યો. ત્યાં ધૂંઆફૂઆ થતો ચટ્ટન ધોયેલા મૂળા જેવો ખાલી હાથે પાછો ર્ફ્યો. તે ક્રોધનો માર્યો સળગી ઉઠયો હતો. તેણે સૌને ભાગી જવા માટે આદેશ આપ્યો.
વચ્ચે સુરજીએ પણ ટાપશી પુરી. પણ કોઈને અસર થઇ નહી. તેથી જનરલ ચટ્ટને ફ્રમાન છોડયું : ‘જો દસ ગીનને ટક નહી ભાગેગા, ઉસકો ગોલી માર ડેંગે !’ પણ ઝુલમ સામે ને આઝાદી કાજે અડગપણે લડી લેવાના નિર્ધાર સાથે નીકળેલા વનવાસીઓ પરોઠના પગલાં ભરે એમ નહોતા. તેમણે એક અવાજે કાળીયા દેવની જય બોલાવી. સુરજીએ ઓટોમેટિક મશીનગન સામે તીરકામઠા ખપ નહી લાગે તેવી ધમકી ઉચ્ચારી. ત્યાં ટોળામાંથી કોઈએ છૂપી રીતે ચટ્ટન માથે ફયરીંગ કર્યું. તેનો ટોપો ઉડયોને માથું બચી ગયું. ધૂંધવાતા ભઠ્ઠામાં જાણે આગ લાગી, ભડકો થયો. બધા સોલ્જર્સે પોઝીશન લઇ લીધી. ચટ્ટનના હુકમ સાથે જ ફયરીંગ શરુ થઇ ગયું. સ્ત્રીઓ સહીત સામી છાતીએ ગોળીઓ ઝીલી લીધી. જોતજોતમાં લાશોનો પથારો થઇ ગયો. ત્યાં ફ્રી ચટ્ટાનનો હુકમ થયોઃ ‘લાશો કો કૂએમેં ફેંક દો.. બાકી લાશો કો ઉસ નદી મેં ગાડ દો, કિસીકો પતા ન ચલે..’ મુઆને અદ્ધમુઆને પણ કૂવામાં પધરાવી દેવામાં આવ્યા. પછી તો.. આ ઘટનાના લગભગ ત્રીસ વર્ષ બાદ, આઝાદી પછી સુરજી નીનામા પોતાના બાંધવો પર, અંગ્રેજોના ઈશારે ઝુલમ ગુજાર્યાના ભારોભાર અફ્સોસ સાથે, વતન ખોલરા(ઘર)માં પગ નહી મૂકવાના અડગ નિર્ણય સાથે ઢોકળીયા કૂવામાં પડી પ્રાણ ત્યાગે છે.
તા.૭-૩-૧૯૨૨ના ગોઝારા દિવસે, જનમભોમકાની આઝાદી કાજે એકઠા થનાર આદિવાસીઓ સામે અંગ્રેજોએ આ ક્રૂરને નિર્મમ હત્યાકાંડ આચર્યો હતો. જેમાં ૧૨૦૦ જેટલા ભોળા,નિર્દોષ અને ખમીરવંતા આદિવાસીમાં બાળકો અને સ્ત્રી-પુરુષોની નિર્મમ હત્યા કરી, લોહીની નદી વહેડાવવામાં આવી હતી. આ કલંકિત ઘટનાને કોઈપણ કારણોસર દબાવી કે છૂપાવી દેવામાં આવી હતી. જે રીતે આઝાદી વેળાના અન્ય બનાવો બહાર આવતા હતા, લોકો સુધી પહોંચતા હતા એમ બન્યું નહોતું.
હાલ આ સ્થળે ‘શહીદ સ્મારક’ બનાવવામાં આવ્યું છે.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અરવલ્લીની શહાદતને સલામ! appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/aravallini-shahadat-salam/
via Best Gujarati News
0 Comments