ઇન્ડિગોની ફ્લાઇટ કોણ ઉડાવી શકે, ગંગવાલ કે ભાટિયા ?
વોટ્સએપ કોર્પોરેટ : કલ્પેશ શેઠ
‘ભારતની એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી ઉપર હાલમાં રાહુની માઠી ગ્રહ દશા ચાલી રહી છે. દોઢ દાયકા પહેલાં દર વર્ષે નવી કંપનીઓ રૂપકડી એર-હોસ્ટેસો સાથે ગ્રાહકોની સેવામાં હાજર થતી હતી. આજે બેન્કવાળા આ કંપનીઓના ચક્કર કાપે છે. ખેર આ બધામાં આંગળીના વેઢે ગણી શકાય તેવી જે કંપની બચી છે તેમાં પણ ‘ડખા’ થયા છે. આમેય તે આપણા સિવિલ એવિયેશન સેક્ટરની હાલત નબળી છે તેમાં ઇન્ડિગો, સ્પાઇસ જેટ કે ગો એર જેવી કંપનીઓ આંધળાના ગામમાં કાણિયા રાજાની જેમ પોતાના વિમાનો ઉડાડતી રહી છે. એરલાઇન્સની ભાષામાં કહીએ તો અગાઉ વિવાદ સર્જનારી કંપનીઓનાં પાઇલટ કેપ્ટનોને હવામાન ખરાબ છે કે વિમાન તે સમજાય તે પહેલાં જ તેમના વિમાન ક્રેશ થયાં તો હાલમાં ઇન્ડિગોમાં બે કો-પાઇલટના ઝઘડાના કારણે પ્લેન ક્રેશ થવાની ભીતિ ઊભી થઈ છે. હાલત એટલી નાજુક છે કે મામલો કોર્ટ સુધી ગયો છે.
જેના કારણે ઇન્ડિગોના શેરના ભાવ ૯.૫ ટકા જેટલા ઘટી ગયા છે. કંપનીના બન્ને કેપ્ટનોની પ્રોફઇલ અને વિચારધારા એવું ફ્લિત કરે છે કે એકને ઇન્ડિગોને ઉત્તરમાં લઈ જવી છે જ્યારે બીજાને દક્ષિણમાં…! રાહુલ ભાટિયા અને તેના પરિવારજનોનો ઇન્ડિગોમાં ૩૮.૨૬ ટકા સ્ટેક છે જ્યારે રાકેશ ગંગવાલ અને તેમના પરિવાર જનોનો ૩૬.૬૯ ટકા સ્ટેક છે. કંપનીની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન જો ગત સપ્તાહનાં શેરના ભાવ પ્રમાણે ગણીએ તો ૬૧,૮૦૦ કરોડ રૂપિયા જેટલી થાય. વર્ષ ૨૦૦૬માં શરૂ થયેલી ઇન્ટરગ્લોબ એવિએશન હવે ઇન્ડિગોના નામે ઓળખાય છે. જેનું વર્ષ ૨૦૧૩માં ભારતનાં શેરબજારોમાં લિસ્ટિંગ થયું. ગંગવાલ કંપનીને વૈશ્વિક સ્તરે ઉડાન ભરાવવાના પ્રોજેક્ટો પર વિશેષ ધ્યાન આપતા હતા જ્યારે રાહુલ ભાટિયા ભારતમાં ઇન્ડિગોનાં કારોબાર અને વહીવટ ઉપર ધ્યાન આપતા હતા.
પ્રોફઇલ જોઈએ તો રાકેશ ગંગવાલ એવિયેશન ઇન્ડસ્ટ્રીનાં અનુભવી મહારથી છે. જેમણે અમરિકાની યુ.એસ એરવેયઝ જેવી કંપનીનાં સી.ઈ.ઓ અને ચેરમેન જેવા હોદા સંભાળ્યા ઉપરાંત યુનાઇટેડ તથા એર ફ્રાન્સ જેવી કંપનીઓમાં કામ કયુંર્ છે. તેમની આ ક્ષમતાના કારણે જ કદાચ કંપની એ પોતાના વિમાનોને એર બસમાંથી એર ક્રાફ્ટમાં તબદીલ કરવાની કામગીરી પાર પાડી હતી. સામાપક્ષે રાહુલ ભાટિયાએ પોતાના વિઝન દ્વારા કંપનીને ભારતમાં નફે કરતી કરી છે. ઇન્ડિગો જેવી એકાદ બે કંપની છે જેની બેલેન્સીટ ગ્રીનમાં રહેતી હતી. ભારતમાં કંપનીનો પેસેન્જર માર્કેટ શેર પણ મોખરે રાખી શકાયો છે.
જો કે ડિસેમ્બર મહિનાનાં ત્રિમાસિક રિઝલ્ટમાં કંપનીનો નફે ૭૫ ટકા જેટલો ઘટી ગયો છે. હવે કંપનીનાં બન્ને પ્રમોટરો વચ્ચે કંપનીને કઈ દિશામાં આગળ લઈ જવી તે અંગે ખેંચતાણ ચાલી રહી છે. ગંગવાલને હવે ભારતની એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસિવ પ્લાન સાથે ઝંપલાવવું છે જ્યારે ભાટિયા સાવચેતી ભરી શાંત ચાલ ચાલવા માગે છે. એકાદ વર્ષ પહેલાં એટલે કે ફેબ્રુઆરી-૨૦૧૮માં ગંગવાલે કંપનીનાં કુલ ૧૫૫ વિમાનોના કાફ્લાને વધારીને ૨૫૦ કરવાની પહેલ મૂકી હતી. જે સીધો ૫૦ ટકા જેટલી પેસેન્જર સીટનો વધારો સૂચવતી હતી. પણ આ દરખાસ્ત મેનેજમેન્ટે માન્ય રાખી નહીં. આ વિવાદમાં તો ગત એપ્રિલ-૧૮માં આદિત્ય ઘોષ જેવા એક ડિરેક્ટરે ખુરશી પણ છોડી હતી. સામાપક્ષે ભાટિયા ગ્રૂપ આટલી કેપેસેટીને ઓવર કેપેસીટી અને રોકાણ સામે વળતરનો મુદ્દો રજૂ કરી રહી છે.
બન્ને ગ્રૂપમાં ગંગવાલનો ગ્રૂપનો સ્ટેક ઓછો હોવા છતાં ઘોષની રવાનગી, કી મેનેજમેન્ટ લેવલે ગ્રેગરી ટેલરની નિયુક્તિ, યુનાઇટેડ એરલાઇન્સમાંથી કર્મચારીઓની પસંદગી જેવી ઘટનાઓ એવું ફ્લિત કરે છે કે કંપનીમાં ગંગવાલ ગ્રૂપનો પ્રભાવ અને કંટ્રોલ વધારે છે. વકીલો તથા આર્ટિકલ ઓફ એસોસિયેશન ગંગવાલ ગ્રૂપ કરતાં રાહુલ ભાટિયા ગ્રૂપને વધારે અધિકાર મળે એવું કહે છે અને કંપનીનાં મેનેજમેન્ટની કી પોઝિશન તથા ડાયરેક્ટર નિયુક્ત કરવાની સત્તા રાહુલ ભાટિયાની ઇન્ટરગ્લોબને હોવાનો દાવો કરે છે. એક તરફ કંપનીનાં બે પ્રમોટરો અધવચ્ચે હવામાં ઊડતા વિમાનનું સુકાન કબજે કરવા રણે ચડયા છે તો બીજીતરફ હરીફઈમાંથી હટી ગયેલી એરલાઇન કંપનીનો માર્કેટ શેર કબ્જે કરવાની તક આ જંગના કારણે હાથમાંથી જઈ રહી છે. આગામી દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટ કોણ ઉડાવશે, કઈ દિશામાં જશે અને કઈ સ્પીડે જશે તે હવે વકીલો નક્કી કરવાના છે. યાત્રીઓએ તો માત્ર અધવચ્ચે અકસ્માત ન થાય તેની પ્રાર્થના કરવાની છે..!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇન્ડિગોની ફ્લાઇટ કોણ ઉડાવી શકે, ગંગવાલ કે ભાટિયા ? appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/who-can-fly-indigo-flight-gangwal-or-bhatia/
via Best Gujarati News
0 Comments