ફોકસ :- વસંત કામદાર

અમેરિકા ખાતે વર્ષ ૨૦૧૨માં જુવાન વૈજ્ઞાનિકો માટે વિશ્વનાં સહુથી મોટા એવા ઈન્ટેલ સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ ફેરનું આયોજન થઈ રહ્યું હતું. તેમાં અનેક વૈજ્ઞાનિકોએ શોધખોળનાં સંશોધન પત્રો રજૂ કર્યા હતા. એ બધામાંથી  માનવજીવન માટે અતિશય ઉપયોગી હોય તેવા એક સંશોધનને પ્રથમ ઈનામ આપવામાં આવ્યું. જેવું એ પ્રતિષ્ઠિત ઈનામ જાહેર થયું કે સભાગૃહમાં કોલાહલ શરૂ થઈ ગયો. કેટલાક વરીષ્ઠ અને પીઢ વૈજ્ઞાનિકોએ એ ઈનામ માટે હકદાર વૈજ્ઞાનિક સામે વાંધો પણ ઉઠાવ્યો. પરંતુ એમનાં એ વાંધાને ફગાવી દેવામાં આવ્યો અને ૧ લાખ ડોલરનું માતબર ઈનામ કેવળ ૧૫ વર્ષનો એક નવો નિશાળીયો જીતી ગયો. અમેરિકાનાં પ્રસાર માધ્યમોએ તેને હીરો બનાવી દીધો અને તેને એક અજાયબી તરીકે વધાવી લેવામાં આવ્યો. કેવળ ૧૫ વર્ષની ઉમરે સહુ કોઈને આશ્વર્ય થાય તેવું સંશોધન કરનાર એ જુવાનનું નામ જેક એન્ડ્રાકા…

જેક એન્ડ્રાકાનો જન્મ થયો. તે સામાન્ય બાળકની માફક જ મોટો થયો. તેને કાગળનાં ફૂલો બનાવવાની જાપાનીઝ કળા ઓરીગામીમાં ખૂબ રસ પડતો એટલે એ નવરાશનાં સમયે રંગબેરંગી કાગળોમાંથી જાત જાતનાં ફૂલો બનાવતો. એ સ્વભાવે અંતર્મુખી હતો. તેને નવરા રખડતા ભાઈબંધોની સાથે ટોળા ટપ્પા કરવાનું ગમતું નહીં. તેનાં પિતાજી સ્ટીવ સીવીલ એન્જિનીયર હતા અને માતા જૈન એનેસ્થેટીસ્ટ હતાં એટલે ઘરમાં રમતગમતનાં બદલે સાયન્સનો પ્રભાવ વધારે હતો. શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮માં તેણે સ્ટેનફોર્ડ યુનીવર્સિટી ખાતે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો છે અને એન્થ્રોપોલોજી તથા ઈલેક્ટ્રીસીટીએ તેનાં મુખ્ય વિષયો છે.

એ હજુ તો નિશાળમાં ભણતો હતો ત્યારે એટલે કે ૨૦૧૨માં તેનાં પરીવારમાં એક ઘટના બની. તેનાં કાકાનું ટૂંકી બિમારી બાદ અચાનક અવસાન થયું. એ કાકાનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ હતો અને જેકને તેમની સાથે ખૂબ સારું બનતું હતુ. કાકાનાં અવસાનનાં આ સમાચારે જુવાન જેકને ખૂબ દુઃખી કરી દીધો. તેણે એ કાકાનાં અવસાન અંગે વધુ વિગત મેળવી તો તેને ખબર પડી કે એ કાકાનું અવસાન શરીરમાં પાચનતંત્રના એક મહત્ત્વનાં અવયવ ગણાતા સ્વાદુપીડનાં કેન્સરના લીધે થયું હતું. એ કેન્સરની વિશેષતા એ હતી કે એ શરીરમાં પ્રસરીને અંતિમ તબક્કાઓ સુધી પહોંચી જાય ત્યાં સુધી દર્દીને તેની ખબર જ પડતી નથી અને જ્યારે ખબર પડે છે ત્યારે તો ઘણું મોડુ થઈ ચૂક્યું હોય છે.

એ પછી જેક નિશાળમાં ગયો પણ તેનું મન ભણવામાં લાગતું નહોતું. તેને રાત દિવસ કાકાનો જીવ લેનાર સ્વાદુપીંડાનાં કેન્સર વિશેનાં જ વિચારો આવતા હતાં. આખરે તેણે નક્કી કરી લીધું કે સ્વાદુપીંડાના કેન્સર સામે જંગ છેડશે અને તેને હરાવીને જ જંપશે. આ દિશામાં તેણે જેવું સંશોધન કરવાનું નક્કી કર્યું કે તેના જીવવિજ્ઞાનનાં વર્ગમાં નેનો ટયુબ ટેકનોલોજીનું પ્રકરણ શરૂ કર્યું. જેકે એ નેનો ટેકનોલોજીની મદદથી સ્વાદુપીંડનાં કેન્સરને પકડી પાડતું સેન્સર બનાવવાનું શરૂ કર્યું. એ દરમિયાન જેકે સ્વાદુપીંડનાં કેન્સરને લગતાં અસંખ્ય લેખો વાંચી લીધા. તેણે એ વિષયમાં થયેલી શોધખોળો વિશે પણ ઉંડાણથી જાણી લીધુ. હવે જેકને તેનાં આ સંશોધન માટે ફાર્માસ્યુટીકલ લેબની જરૂર પડી. તે પોતાનું સંશોધન લઈને અમેરીકાની એક પછી એક લેબનાં દરવાજા ખખડાવવા લાગ્યો પરંતુ કેવળ ૧૫ વર્ષનાં આ લબરમૂછીયા નિશાળીયાને કોણ એવી તક આપે…? તેણે આવી ૨૦૦ લેબોરેટરીમાં ધક્કા ખાધા અને તેમાંની ૧૯૯ લેબોરેટરીઓએ તેને અવગણીને કે પછી અપમાનીત કરીને હાંકી કાઢયો. આખરે તેને જોન હોપીકીન્સ યુનીવર્સીટીમાં પેથોલોજી, ઓન્કોલોજી તથા બાયોમોલેક્યુલર ટેકનોલોજી જેવા વિષયો શીખવતાં કેન્સર નિષ્ણાંત પ્રોફેસર ડો.અનીર્બન માઈત્રાનો સાથ મળી ગયો. તેમણે આ જુવાનીયાનાં સંશોધનનું મહત્ત્વ પારખીને તેનાં સંશોધનની ચકાસણી માટેની તમામ સુવિધાઓ પૂરી પાડી. જેક તેની નિશાળ પૂરી કરીને લેબોરેટરીમાં આવી જતો અને અહીં મોડી રાત સુધી તેનાં સંશોધનની વિવિધ ચકાસણી કર્યા કરતો. તે રજાનાં દિવસોમાં પણ અહીં કામ કરતો. આશા અને નિરાશાઓની અનેક પળો બાદ એક દિવસ આખરે તેણે ડો.અર્નીબન સમક્ષ પોતાનું સંશોધન સફળ સ્વરૂપે રજૂ કર્યું અને ડો.અનીર્બનની આંખો હરખનાં આંસુથી છલકાઈ ગઈ. એક નવા નિશાળીયાએ આખરે જીવલેણ એવા સ્વાદુપીંડનાં કેન્સરને અગાઉથી પારખી લેતી ટેકનોલોજી વિકસાવી લીધી હતી અને તેનાંથી માનવજાતને અક્લ્પનીય લાભ થવાનો હતો…જે કે પોતાનાં આ સંશોધનની પેટન્ટ મેળવી લીધી અને તે પછી તેને સોસાયટી ઓફ ધી સાયન્સ એન્ડ પબ્લીકની વેબ સાઈટ ઉપર સર્વપ્રથમ વાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તેણે એન્ડ્રાકા ટેકનોલોજીનાં નામે કંપનીની પણ સ્થાપના કરી.

તેણે વિકસાવેલી આ કેન્સર નિદાન પદ્ધતિ તત્કાલીન પદ્ધતિઓ કરતાં ૨૮ ગણી ઝડપી અને ૨૬ હજાર ગણી સસ્તી પૂરવાર થઈ એટલું જ નહીં પરંતુ એ જૂની પદ્ધતિઓ કરતાં ૧૦૦ ગણી વધારે અસરકારક પણ સાબીત થઈ. આ જ કારણથી હવે આ પદ્ધતિનાં ઉપયોગથી ફેફસા અને ગર્ભાશયનાં કેન્સરનાં નિદાનની પણ શરૂઆત થઈ છે.

કેવળ ૧૫ વર્ષની ઉંમરે કેન્સર જેવા જીવલેણ રોગથી સમયસર ચેતવણી આપતી પદ્ધતિ વિકસાવનાર જેક એન્ડ્રાકાને શત શત અભિનંદન.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નિશાળીયાએ હરાવ્યું કેન્સરને appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/beginner-beat-cannes/
via Best Gujarati News