દંભ : આજના જમાનાનો જાલીમ વ્યાધિ
રીલેશનના રિલેસન :- રવિ ઈલા ભટ્ટ
ક્યા કયામત હૈ કી આરિઝ ઉન કે નીલે પડ ગયે
હમને તો બોસા લિયા થા ખ્વાબ મેં તસવીર કા.
આધુનિકતાની વાત આવે એટલે સમાજ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. એક એવો વર્ગ જેઓ જાહેરમાં આ વિશે નાકનું ટેરવું ચડાવે છે, પણ મોબાઈલમાં, લેપટોપમાં અને બીજા માધ્યમોથી નિયમિત પોર્ન જોતા હોય છે. તેમને છોકરીઓના ટૂંકા વસ્ત્રો સામે વાંધો છે. તેમને છોકરીઓના મોડે સુધી ફ્રવા સામે વાંધો છે. તેમને છોકરીઓને અપાતા મુક્ત વાતાવરણ સામે વાંધો છે. બીજા એવા લોકો છે જેમને આ સમાજિકતા, સંસ્કૃતિઓના નામે ચલાવાતું દંભી પછાતપણું પસંદ નથી. તેઓ ખરેખર આધુનિકતાને આવકારવા અને સ્વીકારવા માગે છે. તેઓ દ્રઢપણે માને છે કે, વ્યક્તિએ આધુનિકતા સ્વીકારવી જોઈએ અને તેનો મર્યાદામાં રહીને ઉપયોગ પણ કરવો જોઈએ. ભારતીય સમાજની વાત કરીએ તો અહીંયા આ બધું મુશ્કેલ છે. કારણ કે ઉપરોક્ત ઉર્દુ શાયરીમાં કહેવાયું છે કે મેં તો માત્ર તેમની તસવીરને ચુંબન કર્યું હતું પણ તેમના હોઠ ખરેખર સુકાયેલા જણાયા. આજના જમાનામાં આ બધું કલ્પનાની વાતો લાગે, દાદ આપવા માટે સારું લાગે પણ ખરેખર તેને અપનાવનારા અને આવી વાતોને સ્વીકારનારા કેટલા. આપણો સમાજ એવો છે જેને દંભનું મહોરું પહેર્યા વગર શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. અહીંયા લોકોને જાહેરમાં કે પછી ઘરમાં વ્હાલ કરવા માટે કારણ જોઈએ છે અને બળાત્કારની ઘટનાઓ અનાયાસે થતી હોય છે. અહીંયાં સ્નેહ અને સ્પર્શ મુદ્દે સંકોચ રાખવામાં આવે છે જ્યારે જાતીય સતામણી ગમે ત્યારે થતી હોય છે. કોઈ સ્ત્રી પોતાને ગમતા પુરુષની કે તેના પહેલાં સ્પર્શની વાત કરે અથવા તો આધુનિક ફેશનના કપડાં પહેરે તો આજના ભદ્ર સમાજને પસંદ નથી. લોકોના નાકનું ટેરવું ચડી જાય છે.
આપણો સમાજ એવો છે કે, સ્ત્રીને કેવી નજરથી જોવી તેનું પણ આપણી પાસે ભાન નથી. અહીંયાં ચાલતી બસમાં સ્ત્રી મિત્રનો હાથ પકડી શકાતો નથી પણ આ જ દેશમાં ચાલતી બસ કે ગાડીમાં સ્ત્રી, છોકરી, યુવતી ઉપર બળત્કાર સરળતાથી થઈ શકે છે. નાની હોય ત્યારથી પિતાના ખોળામાં રમતી અને ધિંગામસ્તી કરતી છોકરી મુગ્ધાવસ્થાના ઉંબરે પહોંચે પછી પિતાને ભેટતા પણ સો વખત વિચાર કરે છે. ભાઈ સાથે તોફન કરતા હજાર વખત વિચાર કરે છે. કારણ કે આપણી સંસ્કૃતિ અને પરંપરામાં આ માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી નથી. સહેજ ટૂંકાં અથવા ઢીલાં કપડાં પહેરી ફ્રતી યુવતીના કપડાંની આરપાર જોનારા હજારો પડયા છે પણ જો એક યુવક અને યુવતી હાથ પકડીને બેઠા હોય કે ફ્રતા હોય તો તેમને અટકાવનારા પણ લાખો છે.
આપણા ઘરમાં ચાલતા ટીવી અને કમ્પ્યૂટરમાં અર્ધનગ્ન અવસ્થામાં નાચતી આઈટમ ગર્લ્સ જોવાની પરવાનગી છે પણ સ્લિવલેસ ટોપ પહેરીને ફ્રતી કે, સ્કર્ટ પહેરીને બહાર જતી અથવા તો ક્રોપટોપ પહેરતી છોકરીઓના ચારિત્ર સામે જ શંકા ઊભી કરવામાં આવે છે. અહીંયાના લોકો અંધ થઈને બળાત્કારી બાબાઓની ભક્તિ કરશે. બહેન, માતા અને દીકરીઓને લઈને આવા પાખંડીઓની સેવામાં ઊભા રહેશે પણ સાહજિક ચુંબનને સ્વીકારી શકશે નહીં. અહીંયા વર્ષોથી સેક્સને ચારિત્ર સાથે જ જોડવામાં આવ્યું છે. આપણી જ ભારતીય સંસ્કૃતિમાં અને સંસ્કૃતિ સાહિત્યમાં સ્ત્રીના શરીરને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરાયું છે. તેમાં ભારોભાર શૃંગારરસ ઠાલવવામાં આવ્યો છે. વાત્સાયનનું કામસૂત્ર અને ભતૃહરીનું શ્રુંગારશતક લાખો લોકોની વાહવાહી મેળવવામાં સફ્ળ રહ્યું હતું. મહાકવિ કાલિદાસના ઋતુકાવ્યો, મહાકાવ્યોમાં પણ સ્ત્રીની સુંદરતાને અત્યંત શ્રુંગારિક રીતે રજૂ કરવામાં આવી છે. મેઘદૂતમમાં યક્ષ જ્યારે વરસાદ સાથે પોતાનો સંદેશ મોકલાવે છે ત્યારે પોતાની પત્નીનું અત્યંત શ્રુંગારિક વર્ણન કરે છે. તે પોતાની પત્ની વિશે વાત કરતા કહે છે કે,
તન્વી શ્યામા, શિખરીદશના, પક્વબિંબોધરોષ્ટિ
મધ્યાક્ષામા ચિકતહરિણીપ્રેક્ષણા, નિમ્નનાભીહી
શ્રોક્ષીભારા હલસગમના સ્તોકનમા સ્તનાભ્યાં
યા યત્ર સ્યાહુ વતિવિષયે સૃષ્ટિરાઘેવ ધાતુઃ
આવી જ રીતે મહાભારતમાં જુગાર રમવા દરમિયાન યુધિષ્ઠિર દ્રોપદીનું વર્ણન કરે છે. વનમાં ખોવાયેલી સીતાનું વર્ણન જે રામના મુખે થાય છે કે પછી શકુંતલાનું જે વર્ણન અભિજ્ઞાન શાકુંતલમમાં આવે છે તે બધા અદ્ભૂત છે. શ્રુંગારરસની ઉત્કૃષ્ટ રચના સમાન છે. મહાકવિ ભાસ હોય કે શુદ્રક હોય કે પછી જગન્નાથ અને બાણ હોય તેમણે પોતાના નારી પાત્રોને વર્ણન થકી જ અમર બનાવ્યા છે. તેમાં ક્યાંક બિભત્સતા કે ઉત્તેજના આવી જ નહોતી. ક. મા. મુનશીએ રજૂ કરેલી મંજરી હોય કે પછી અમૃતા શેરગીલના જીવન ઉપર લખાયેલું પુસ્તક આઠમો રંગ હોય કે પછી જાઈલ્સે લખેલી ફ્ફ્ટિી શેડ્સ ઓફ ગ્રે હોય આ તમામ રચનાઓમાં ઈમેન્સિપેટેડ અને ઈવોલ્વિંગ મોર્ડન સ્ત્રીના જ દર્શન થાય છે. અહીંયા ક્યાંય અંગપ્રદર્શન, બિભત્સતા કે પછી છીછરાપણાની વાતો આવતી નથી.
આજે આ વાત કરવી પડી તેની પાછળ નક્કર કારણ છે. થોડા સમય પહેલાં જ એક લેખ લખ્યો હતો કે યુવતીઓએ શું પહેરવું તે કોણ નક્કી કરશે. આ લેખ અંગે અનેક પ્રતિક્રિયાઓ આવી હતી. તેમાં એક બહેને એવું કહી દીધું કે, લેખકની માતા, બહેન, દીકરીઓ નિર્વસ્ત્ર થઈને ફ્રે તો પણ લેખકને વાંધો નથી. એક સ્ત્રી જ્યારે નબળી અને નિમ્ન માનસિકતા સાથે અન્ય સ્ત્રીઓ માટે આટલી સાહજિકતાથી લખી કે બોલી શકતી હોય તો પછી પુરુષો વિશે તો વિચારવા જેવું જ નથી. એક સ્ત્રી હોવા છતાં સ્ત્રીઓ ઉપર પરંપરાના નામે દંભી દબાણ ઊભી કરનારી આવી સ્ત્રીઓ કેટલી હદે માનસિક રીતે કુંઠિત હશે તેનો પરિચય તેમની ફેસબુક કોમેન્ટથી મળી જતો હતો.
આવી સ્ત્રીઓ, પુરુષો કે પછી સમાજના તમામ વર્ગના લોકો કે જેઓ પરંપરાની પિપુડીઓ વગાડે છે તેમને મારે એક વાત પુછવી છે. આપણાં એવાં ઘણાં મંદિરો છે, દેવસ્થાનો છે, ઐતિહાસિક સ્મારકો છે જેમાં સ્ત્રી અને પુરુષોની વિવિધ ભાવભંગીમાઓ સાથેની ર્મૂિતઓ, શિલ્પો મુકવામાં આવ્યાં છે. આ શિલ્પોમાં ક્યાંય પણ એવું શિલ્પ બતાવો જેમાં સ્ત્રી અથવા તો પુરુષ નખશિખ ઢંકાયેલા હોય. તેમણે માત્ર આંખો, હાથના પંજા અને પગના પંજા દેખાતા હોય તેવા જ વસ્ત્રો પહેર્યા હોય. મોટાભાગના શિલ્પોમાં સ્ત્રીઓને શ્રુંગારિક સ્થિતિમાં રજૂ કરવામાં આવી છે. નર્તકી હોય કે કોઈ રાણી હોય અથવા તો કોઈ કન્યાનું શિલ્પ હોય, મોટાભાગે તેનો કટી પ્રદેશ ખુલ્લો જ બતાવાયો છે. તેની નાભી દેખાતી હોય તેવા જ શિલ્પો બનાવાયાં છે. આવાં શિલ્પોના આપણે ખોબલે ખોબલે વખાણ કરીએ છીએ. તેને કલાના ઉત્તમ નમુના કહીએ છીએ. હજારો રૂપિયા ખર્ચીને આપણ ખજુહારોના મંદિરો જોવા જઈએ છીએ. આવા સમયે આપણી પરંપરા, સંસ્કૃતિ કે પછી કહેવાતો દંભ ક્યાં જાય છે? એક યુવતી કે છોકરી ક્રોપટોપ પહેરે, લો વેસ્ટ જિન્સ પહેરે અને તેની નાભી દેખાતી હોય તો આ છોકરી ચારિત્ર્યહિન હોવાનું ટેગ લગાવી દઈએ છીએ. આવી છોકરીઓ ઉપર બળાત્કાર થવા જોઈએ તેવા સ્ટેટમેન્ટ આપીએ છીએ. આ છોકરીઓનો બચાવ કરનારા લોકો અને તેના ઘરની માતા, દીકરીઓ, બહેનો વિશે પણ બિભત્સ સ્ટેટમેન્ટ આપવા લાગીએ છીએ. આવા નિર્લજ્જ અને દંભી લોકોના કારણે જ આપણા સમાજમાં સ્ત્રીઓની મુશ્કેલીઓ વધી છે. જ્યાં સુધી માત્ર વસ્ત્રો કે દેખાવના નામે ચાલતો દંભ સમાજમાં પ્રવર્તતો રહેશે ત્યાં સુધી સ્ત્રીઓની સ્થિતિ સુધરવાની જ નથી. તેમાંય જ્યારે સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન થઈને ફ્રતી હોય ત્યારે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ સુધરવાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
raviilabhatt@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દંભ : આજના જમાનાનો જાલીમ વ્યાધિ appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/pose-today-old-fashioned/
via Best Gujarati News
0 Comments