આજના અનેક વિદ્યાર્થીઓ કાલે એવી નોકરીઓ કરશે જેનું આજે અસ્તિત્વ નથી
ટિન્ડરબોક્સ :- અભિમન્યુ મોદી
ગુગલ, એપલ, એમેઝોન, ફેસબુક, નેટફ્લીક્સ, આઈબીએમ, માઈક્રોસોફ્ટ, આલ્ફબેટ, એડોબ જેવી વર્લ્ડ બેસ્ટ અને રીચેસ્ટ કંપનીઓમાં સામ્ય શું છે? વિશ્વના કુલ અર્થતંત્રનો મોટો હિસ્સો આવી આઠ-દસ કંપની ઉપર કોઈને કોઈ રીતે નિર્ભર કરે છે. લગભગ દરેક ભારતીયની રોજીંદી જિંદગીમાં આ બધી કંપનીઓનો સિંહફળો છે. ભારતના ગામડાના ગરીબ પરિવારનો ઓછું ભણેલો બેરોજગાર દીકરો પણ ગુગલમાં સર્ચ કરીને પોતાના માટે નોકરી ગોતતો હોય છે. માનવજાતની લાઈફ્સ્ટાઈલ સમૂળગી ચેન્જ કરી નાખનારી આ કંપનીઓમાં સરખાપણું એ છે કે આ કંપનીઓ કર્મચારીઓને નોકરી આપતી વખતે ડીગ્રી સર્ટીફીકેટને ખાસ મહત્વ આપતા નથી. મહત્વ ફ્ક્ત તે ઉમેદવારની આવડત અને લાયકાતને મળે છે અને આ સફ્ળ કંપનીઓને એટલી તો કોમન સેન્સ આવી ગઈ છે કે માર્કશીટની તાકાત નથી કે કોઈની લાયકાતનું સર્ટીફીકેટ કાઢી આપે.
બારમાં ધોરણનું રીઝલ્ટ થોડા અઠવાડિયા પહેલા આવ્યું અને હમણાં દસમાં ધોરણનું રીઝલ્ટ આવ્યું. પુરા માર્ક્સ તો કોઈ દેશની સરકારને પણ નથી મળતા એ જાણતા વાલીઓ તેના બાળકને ધાર્યા હતા એટલા માર્ક્સ ન આવ્યા તેનો વ્યાજબી બળાપો પણ કાઢે તે સમજી શકાય એવી વાત છે. વિદ્યાર્થીઓ ઉત્સાહી છે, ખુશ છે અને સાથે મુંજાયેલા પણ છે. એક અજ્ઞાત ડર બધા જ ભૂલકાઓના મનમાં ખોસી દેવામાં આવ્યો છે કે જો ભણશો નહિ, કે નેવું ટકા ઉપર નહિ લાવો તો સારી નોકરી નહિ મળે. દરેક છોકરો તેના બાપુજી પાસેથી ન ભણવાના બદલામાં કેળાની રેકડી કાઢવાની જોબ ઓફ્ર ધમકીના સ્વરૂપમાં સાંભળી ચુક્યો છે. આવી ધમકીથી વિદ્યાર્થીનું દિલ ખુબ રડયું છે પણ એના હીબકા ન સંભળાય એટલે ભૂલભરેલા પાઠયપુસ્તકો ગોખવામાં અને નવ્વાણું પરસેન્ટાઈલ લાવવામાં તેણે ધ્યાન ડાઈવર્ટ કરી નાખ્યું છે.
વિદ્યાર્થીઓથી વધુ બાપડા-બિચારા તો વાલીઓ છે. એ બધા બહુ ગંભીરતાથી માને છે કે ‘તેના જમાનામાં તો ગમે તેમ કરીને ગાડું ચાલી ગયું, હવે આ કોમ્પીટીશનના સમયમાં એનું બાળક ભણશે નહિ તો જીવશે કઈ રીતે?’ આ દયાજનક બીક સાથે દરેક મા અને દરેક બાપ એના બાળકને સ્કુલે તેડવા-મુકવા જાય છે અને રીઝલ્ટ આવ્યે ફેસબુકમાં ગર્વ સાથે શેર કરે છે. વાલી બિચારા કેટકેટલી જગ્યાએથી દબાયેલા છે- પાડોશીના દીકરીનો ગોલ્ડ મેડલ, ઓફીસના કલીગના છોકરાના ર્ફ્સ્ટ રેન્કના પેંડા, ફેમીલીમાંથી પુછાતા વ્યંગાત્મક પ્રશ્નો, પોતાનાં ન પુરાં થયેલા સપનાંઓની અડધી ખોદાયેલી કબર. આમાં વાલી પણ સરખામણી કરવા કે બાળકને ખીજાવવા અને છેલ્લે ઈમોશનલ બ્લેકમેઈલ કરવા સિવાય બીજું શું કરી શકવાના? વાલીઓ માટે સહાનુભૂતિ ન દાખવીને આપણે આપણી અંદર રહેલી સુષુપ્ત નિષ્ઠુરતા બતાવીએ છીએ.
‘ભારતના વાલીઓમાં જ આ પ્રોબ્લેમ છે’- એવું સર્ટીફીકેટ ફડવું સહેલું છે પણ કડવી અને વરવી વાસ્તવિકતા જાણવી અઘરી છે. અહીંના મા-બાપની પણ ચિંતા વ્યાજબી છે કારણ કે ભારતની અમુક કોર્પોરેટ કંપનીઓ ફ્લાણા ઇન્સ્ટીટયુટમાંથી ઢીંકણા માર્ક્સ સાથે પાસ ન થયા હોય તો ઇન્ટરવ્યુ લીધા પહેલા રીજેક્ટ કરી દે છે. બધી જ પ્રાઈવેટ કંપનીઓ અને સરકારી કંપનીઓએ ઓફીસના નામે વાઈફઈ વાળી જેલ બનાવીને રાખી છે જેમાં આવવાનો સમય ફ્ક્સિ છે અને ફ્રજીયાત ઇન-ટાઈમ પંચિંગ કરવાનું છે પણ જવાનો ટાઈમ ફ્ક્સિ નથી. ફૂટપટ્ટીથી માપીને રીસેસ ટાઈમ અપાય છે, રજાથી એલર્જી અને એન્ટરટેઈનમેન્ટથી ફેબિયા ધરાવતી લાખો ભારતીય કંપનીઓ અને સરકારી કચેરીઓ કરોડો લોકોને રોજગારી આપે છે. આવી પરિસ્થિતિમાં તો રાવણ પણ ગભરાઈ જાય અને દ્રોણાચાર્ય પણ. વાલીઓ કે ગોખાવી દેતી સ્કૂલો કે નિર્દોષ વિદ્યાર્થીઓનો શું વાંક કાઢવો?
પણ, હવે સમય બદલાઈ રહ્યો છે. વિકસિત દેશોમાં અત્યારે એવો સિનારિયો છે કે સ્કુલમાં ભણી રહેલા પાંસઠ ટકા વિદ્યાર્થીઓ એવી નોકરી કરશે જે આજની તારીખે અસ્તિત્વમાં આવી નથી. ભારતમાં પણ એવું થવા જઈ રહ્યું છે કે પાંચ વર્ષ પછી કઈ લાઈનની ડીમાન્ડ હશે એ કોઈ કહી શકતું નથી. વિશ્વની મોટી મોટી કંપનીઓની ઓફ્સિો ભારતમાં આવી રહી છે અને તેઓ પોતાની સ્ટાઈલથી એટલે કે કોમન સેન્સથી જ ભારતીયોને પોતાની કંપનીમાં સમાવી રહી છે. આવી જગ્યાઓએ ડીગ્રી સર્ટીફીકેટ કે પીએચ.ડી.માં ગોલ્ડમેડલનું મહત્વ નથી પણ ક્ષમતા, બુદ્ધિ, આવડત, સર્જનાત્મકતા, નાવીન્યપૂર્ણ એટીટયુડ, સારો સ્વભાવ અને ખાસ તો નવું શીખવાની ધગશ સૌથી વધુ મહત્વ ધરાવે છે. નેટફ્લીક્સ હોય કે ગુગલ, વોટ્સએપ ઇન્ડિયા હોય કે એમેઝોન ત્યાં કર્મચારીને માણસ તરીકે જોવાય છે, મશીન તરીકે નહિ. એના અનુભવ કરતા એની ઈમાનદારી અને સમર્પણ ભાવનાની કદર થાય છે. રજા આપવામાં કોઈ મોઢું બગાડતું નથી અને ઓફીસમાં સોશ્યલ મીડિયાની સાઈટ ઉપર પ્રતિબંધ નથી.
ભારતની વસ્તી ખુબ છે એટલે એનો ગેરફયદો ભારતની મોટાભાગની કંપનીઓ અને સરકારી કચેરીઓ લઇ રહી છે. યાદ રાખજો, જેમ ઇન્ટરનેટ સર્વિસના ભાવ બધાએ ઘટાડવા પડયા અને લૂંટ બંધ કરવી પડી એ જ રીતે ભારતની લાખો કંપનીઓએ એક દિવસે પોતાની લોહી ચૂસવાની પદ્ધતિને તિલાંજલી આપવી પડશે. મેન્ટલ ટોર્ચર કરતી રિક્રુટમેન્ટ પ્રોસેસ બધે જ બદલાશે. સરકારમાં પણ અને પ્રાઈવેટ સેક્ટરમાં પણ. આ ભવિષ્ય બહુ દુર નથી અને તે સમયે માણસના સર્ટીફીકેટની જાડી ફઈલ કે દળદાર રીઝયુમે/સીવી નહિ પણ તેની ટેલેન્ટ જ કામ લાગશે. આત્મવિશ્વાસ હોય તો ભારતમાં કે વિદેશમાં, કોઈ પણ કંપનીના સીઈઓ પણ બની શકાય છે અથવા પોતાની ખુદની કંપની પણ ખોલી શકાય છે. રીઝલ્ટ પછી ચાલુ વેકેશનમાં નવા કલાસીસ કે સ્કુલ-કોલેજ ગોતવાની સાથે પોતાનામાં કોન્ફ્ીડન્સનું પૂરેપૂરું સિંચન થાય તેવી તૈયારી કેટલાએ કરી?
facebook.com/abhimanyu.modi.7
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આજના અનેક વિદ્યાર્થીઓ કાલે એવી નોકરીઓ કરશે જેનું આજે અસ્તિત્વ નથી appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/today-many-students-ka/
via Best Gujarati News
0 Comments