વિશ્વવ્યાપી :- નમન મુનશી

દુઃખદ તો એ છે કે યુવાનો; મિત્રોના દબાણ, જીજ્ઞાસા કે ઇમ્પ્રેશન જમાવવા વ્યસનને રવાડે ચઢે છે. વ્યસનને માટે સૌથી સુલભ અને સસ્તું સાધન છે તમાકુ. તમાકુ વિવિધ પ્રકારે નશા માટે ઉપયોગમાં લેવાય છે. સિગરેટ, ગુટખા-તમાકુ ચાવવી, છીંકણી સૂંઘવી, સિગાર કે હુક્કો વિગેરે. વિશ્વભરમાં પ્રસરેલું એક એવું વ્યસન છે જે માનવીના સ્વસ્થ-જીવનને જડમૂળથી વ્યાપક નુક્સાન કરે છે. કોઈપણ રીતે ઉપયોગમાં લેવાતી તમાકુ માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહી તેના સમગ્ર પરિવારને નુક્સાન કરે છે.

તમાકુમાં નિકોટીન નામનો અત્યંત નશાવાળો પદાર્થ હોય છે જે થોડા સમય માટે આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફ્સાં, પેટને અસર કરે છે. તમાકુના સેવનથી તંદુરસ્તીને હાની પહોંચે છે કે કેન્સર જેવા મહારોગને સામે ચાલીને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તે વાત નાનુ બાળક પણ સારી રીતે જાણે છે. જયારે સામે રહેલી ખીણમાં પડવાથી કે કુદવાથી મોત જ આવે છે તેવું જાણવા છતાં લોકો આવા આત્મઘાતી વ્યસનના બંધાણી કેમ થઇ જાય છે?

તેનું કારણ છે નિકોટીન. નિકોટીન ઝેરીલો પદાર્થ જરૂર છે પરંતુ તે સીધો જ મનુષ્યને મૃત્યુ નથી આપતો, તે ધીમે ધીમે વ્યક્તિની ઉંમર અને શરીર પર ઘાતકી અસર કરે છે, જ્ઞાનતંતુઓને અસર કરે છે, પાચનતંત્ર થી વિચારતંત્ર નબળા બનાવે છે.

તમાકુના સેવનને લીધે ઉધરસ, ગળામાં બળતરા, ચામડી કરચલીવાળી થવી, હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો, ન્યુમોનિયા, ફેફ્સાં, ગળું, પેટ, મૂત્રાશયના કેન્સરનો ભોગ બની શકો છો. પેસિવ સ્મોકિંગ પણ આરોગ્ય માટે હાનીકારક છે. પેસિવ સ્મોકિંગ એટલે કે ધુમ્રપાન કરનાર વ્યક્તિ દ્વારા છોડવામાં આવેલ ધુમાડો આસપાસ ઉભેલી સ્વસ્થ્ય વ્યક્તિના શ્વોચ્છવાસમાં જવાથી થતુ નુક્સાન. જો કોઈ વ્યક્તિ પોતાના પરિવારમાં કે જાહેર સ્થળ પર ધુમ્રપાન કરે તો ધુમાડો તેના પરિજનો, બાળકો, વડિલો, મિત્રો કે તેની આસપાસ ઉપસ્થિત વ્યક્તિના શ્વાસમાં જાય છે અને ધુમ્રપાન કરતા નથી તો ય તેમના સ્વાસ્થ્યને ગંભીરક્ષતિ થાય છે.

તમાકુની ખેતી જ બંધ કરી દેવામાં આવે તો?

તમાકુની હાનિ સાથે તેના છોડમાંથી મળતાં કેટલાક તત્વો લાભદાયી પણ છે તે જાણવુ તમામ માટે જરૂરી છે. તમાકુનો ઉપયોગ માત્ર સિગરેટ, બીડી અથવા ગુટખા પુરતો સિમીત નથી. અનેક લાભદાયી ચીજોના ઉત્પાદનમાં નિકોટીનનો ઉપયોગ થાય છે. તમાકુમાંથી દરવર્ષે આશરે ૪૦૦ ટન નિકોટીન સલ્ફ્ટ બનાવવામાં આવે છે. જેનો છંટકાવ શાકભાજી તથા બાગાયતી પાકો ઉપર કિટનાશક તરીકે વિદેશોમાં થાય છે. પરંતુ ભારતમાં નિકોટીન સલ્ફ્ટના કીટનાશક દવા તરીકેના ઉપયોગ ઉપર ૧૯૯૨થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તમાકુમાંથી ૯૯ ટકા શુધ્ધતાવાળુ નિકોટીન આલ્કલોઈડ મેળવી શકાય છે. જેનો ઉપયોગ નિકોટીક એસિડ તથા નિકોટીન એમાઈડ બનાવવામાં થાય છે. જે મુખ્યત્વે આરોગ્યવર્ધક દવા બનાવવામાં વપરાય છે. તમાકુના પાનમાંથી ફુડ પ્રોટિન મેળવી શકાય છે જે એનિમલ ફીડ બનાવવામાં વાપરી શકાય છે, સોલેનોસોલ મેળવી શકાય, જેનો ઉપયોગ હ્દયરોગ પ્રતિરોધક દવા બનાવવામાં થાય છે.

આવા સંજોગોમાં આપના સ્વસ્થ્ય જીવન અને હૃદયની સ્વસ્થતા માટે એકમાત્ર વિકલ્પ છે, તમાકુનું વ્યસન છોડવું. જો આપ તમાકુના વ્યસની હોવ તો આજે જ તમાકુ છોડી દો. આપના અને આપના પરિજનોના સ્વાસ્થ્ય માટે ઉપરાંત, માનસિક, ભાવનાત્મક અને આર્થિક નબળાઈઓથી બચવામાટે પણ તમાકુ છોડવું ખૂબ જરૂરી છે.તમાકુનું વ્યસન કોઈ પણ પ્રકારે લાભકર્તા નથી અને તેને છોડવા માટે કોઈ બહાના કે કારણોની રાહ જોવી આવશ્યક નથી. હૃદયરોગથી બચવા માટે આજે જ તમાકુનું વ્યસન છોડી દેવું જોઈએ.

ભારતમાં ઘણા રાજ્યએ ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે પરંતુ તમાકુ મળે જ છે. જરૂરત તો છે, આત્મસંયમની જેમ તમે જીવતા રહેવા માટે ખીણમાં પડવાનું ટાળો છો તો આ સામે ચાલીને મૃત્યુના દરવાજે શા માટે જઈ રહ્યા છો? તમાકુનું સેવન ઘાતક છે, સ્મોકિંગથી કેન્સર જેવા રોગો થાય છે તેવી ચેતવણી સિગારેટના પેક ઉપર કે ગુટખાના પાઉચ ઉપર લખવામાં આવે છે, ખોપડીનું નિશાન સુધ્ધાં દર્શાવવામા આવે જ છે તેમ છતાં ય વ્યસનીઓની આંખ અને મગજ ખુલી નથી સકતા એ હદે આવી ઝેરીલી વસ્તુઓ માણસને ગુલામ બનાવી દે છે.

જાગ્યા ત્યાંથી સવાર. તમાકું છોડવી ખુબ જ મુશ્કેલ બાબત છે. નિકોટીન એક મજબુત ઝેરી વ્યસન છે જે મગજ નબળું પાડી ચૂક્યું હોય છે. તેમ છતાં પણ તમે યોગ્ય ઉપચારો સાથે અને અભિગમપૂર્વક વળગીને આ વ્યસનને છોડાવવા માટે ધૈર્ય ની સાથે સાથે ઈચ્છાશક્તિ પણ રાખવી જોઈએ. જ્યાં ચાહ છે ત્યાં જ રાહ પણ છે, તે એક દિવસમાં બંધ થતું નથી. પણ કેટલાક દિવસોના અંતે થાય છે. જો તમે તમાકું છોડવા માંગો છો તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MHFW)ના એમ-સેશન કાર્યક્રમમાં જોડાવ.

તમાકુની અનેક જટિલ અસરો અને નુક્સાનનો ભોગ સ્વસ્થ સમાજ ન બને અને વિશ્વમાં તેના વિશે જાગૃતિ આવે તે માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રત્યેક વર્ષે ૩૧ મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post યુવાધનનો શિકાર કરનાર શોખનો અંત લાવો! appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/juvenile-hunting-hobby/
via Best Gujarati News