પોઈન્ટ બ્લેન્ક :- એમ.એ. ખાન

આપણે જોયું કે આપણે બધા કરોડો કોષના કરોડો વોલ્ટના વીજપ્રવાહથી સર્જાતા વીજતરંગોના ફીલ્ડ એટલે કે ક્ષેત્ર છીએ. જગતના બધા જ જીવના વીજતરંગ એકબીજામાં સંકળાયેલા છે. પરિણામે એવું કરોળિયાનું જાળું રચાયું છે કે વિશ્વના એક છેડે કોઈ વ્યક્તિના વીજતરંગ કોઈ હિલચાલ કરે તો આખા જગતના જીવોને એની અસર વર્તાય છે. આપણે એ પણ જોયું કે કરોડો જીવ ભેગા મળીને એકસરખો વિચાર કરતા હોય તો બધાના તરંગો મેચ થતા જાય છે. કરોડો માણસોના વીજતરંગ એકસરખા વિચારના કારણે એક જ સરખી હિલચાલ કરે છે અને એ હિલચાલ એટલી પાવરફૂલ બની જાય છે કે વિચાર ઘનીભૂત થઈ ઘટના બની જાય છે.

કારણ સાદું છે. વિચાર મનમાં જાગે છે. મન તર્ક એટલે કે લોજિક સમજતું નથી. એ જે કંઈ વિચાર આવે તેને પોતાના પ્રોગ્રામિંગ પ્રમાણે ઢાળી લે છે અને પછી જાગૃત મગજ તથા શરીર પાસે એ ઢાળના વિચારનો અમલ કરાવે છે. મનની શક્તિ એટલી પ્રચંડ છે કે એ પોતાના વિચારને પોતાના ઢાળ પ્રમાણે સાકાર કરાવીને જ જંપે છે. એટલે જ જ્યારે લાખ્ખો માણસો એકસરખો વિચાર લઈને બાબરી મસ્જિદ કહેવાતા બાંધકામ પાસે એકઠા થયા તો એમના સામુહિક વિચાર ઘટનામાં સાકાર થઈ ગયા.

આપણે વિચારતરંગોને સતત પ્રસારિત કરનાર વીજસાધન છીએ. આ તરંગો પ્રસારિત થઈને સરખા તરંગ ધરાવનાર લોકો સુધી પહોંચી જાય છે. જો તમે કોઈના વિષે સારું વિચારો છો તો સેંકડો-હજારો કિલોમીટર દૂર બેઠેલ એ વ્યક્તિ તમારા સારા વિચારતરંગો ઝીલીને તમારા વિષે સારું બોલે છે અને સારું કરવાનો પ્રયાસ કરે છે. એ જ રીતે જો તમે કોઈના વીષે ખરાબ વિચાર કરો છો તો એના તરંગો પણ એ વ્યક્તિ સુધી પહોંચે છે અને દુનિયાના કોઈપણ ખુણે હોય એ વ્યક્તિ તમારા વિષે ખરાબ બોલે છે અને ખરાબ કરવા પ્રેરાય છે. માટે વડીલો સતત કહેતા રહે છે કે કોઈનુંય બુરું ન વિચારો, ન બોલો. બુરા મત સોચો, બુરા મત કહો.

તમે જ્યારે કંઈપણ વિચારો છો તો એ વિચાર તમારા મગજમાં, તમારી ખોપરીમાં પુરાઈ રહેતો નથી. એ તમારા મગજમાંથી નીકળીને દૂર દૂર સુધી ફેલાય છે અને આખા જગતના જીવોને અસર કરે છે. જેને જેને એની અસર થાય એ બધા જ તમારા વિચારનો એવો જ પડઘો પાડે છે. ભય, ક્રોધ, ધિક્કાર, ઈર્ષ્યા વગેરે નબળા અને નકારાત્મક વિચાર છે, લાગણી છે. એ નકારાત્મક તત્ત્વોને ઝંકૃત કરે છે અને નકારાત્મક ક્રિયાઓને સક્રિય બનાવે છે. એટલે જ વડીલો કહે છે, જેવું વિચારશો એવું જ પામશો. આ એક વ્યક્તિના વિચારની વાત થઈ. હવે આપણે બાબરી મસ્જિદ કહેવાતા બાંધકામને તોડી પાડનાર લોકોના સમુહના વિચાર તરંગોને સમજીએ.

શા માટે આટલા બધા લોકો એકસરખો વિચાર કરવા લાગ્યા હશે?

આપણે જોયું તેમ આપણા શરીરના કરોડો કોષ સ્વતંત્ર રીતે કામ કરે છે. એનો અર્થ એ થયો કે દરેક કોષમાં એક લેવલની બુદ્ધિ છે. પરંતુ બધા કોષ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરે તો શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી જેવી સ્થિતિ સર્જાઈ જાય. દરેક કોષ પોતાની રીતે કામ કરે તો શરીરનું તંત્ર ખોરવાઈ જાય!

આવું ન થાય એ માટે શરીરના બધા કોષ એક વસાહતની રીતે કામ કરે છે. બધા જ કોષ પોતાની આગવી બુદ્ધિ જતી કરે છે અને વસાહતનું સંચાલન કરનાર એક મધ્યસ્થ આદેશને અનુસરે છે. જેવો આદેશ આપવામાં આવે એનું પાલન કરે છે. એમાં પોતાનો વ્યક્તિગત અભિપ્રાય કે તર્ક જરાય આવવા દેતા નથી. એટલે જ સેંકડો જાતના કરોડો કોષનો સમુહ હોવા છતાં આપણું શરીર પોતાની આગવી રીતે કામ કરી શકે છે. કારણ કે દરેક કોષ મધ્યસ્થ આદેશને માને છે. આદેશ મળે કે મૃત્યુ પામો તો કોષ મૃત્યુ પામે છે.

આ મધ્યસ્થ આદેશ આપનાર કોણ છે? એ આપણું મગજ છે. મગજ તરફ્થી શરીરના દરેક કોષને આદેશ મળતો રહે છે અને દરેક કોષ એ પ્રમાણે આદેશનું પાલન કરતો રહે છે. હવે આપણે જોઈએ કે મજગ શી રીતે કામ કરે છે. આપણે આખા જગતમાં આપણા વીજતરંગોથી હલચલ કરતા રહીએ છીએ એક આખી સૃષ્ટિના એકેએક કણ પણ તરંગો જન્માવે છે અને એ અખંડ બ્રહ્માંડ એટલે કે સમગ્ર સૃષ્ટિમાં ફેલાતા રહે છે. આપણું મગજ એ તરંગોને ઝીલે છે અને એને પોતાની પાસેના પ્રોગ્રામિંગ (સંસ્કાર) પ્રમાણે ઉકેલીને વિચારને જન્મ આપે છે. જેવું પ્રોગ્રામિંગ હોય એટલે કે જેવા સંસ્કાર હોય એવો વિચાર ઘડાય છે. એ વિચાર પ્રમાણે મગજ આખા શરીરના દરેક કોષને જેતે કામ કરવાના આદેશ આપે છે

અને શરીરનો દરેક કોષ એ જ પ્રમાણે કામ કરે છે. સાદી ભાષામાં કહીએ તો મગજના દરેક વિચારનો અમલ કરે છે.

અહીં પ્રોગ્રામિંગ એટલે કે સંસ્કાર ખુબ જ અગત્યનો શબ્દ છે. દરેક માનવ એટલે કે કરોડો કોષની વસાહત દરેક વાતને પોતાની આગવી રીતે ઉકેલે છે, સમજે છે અને જવાબ આપે છે. એવામાં કોઈ માનવ અને એથીય આગળ વધીને લાખ્ખો-કરોડો લોકો એક જ વિચારને અનુસરતા શી રીતે થઈ જાય? એ વિષે આવતા અઠવાડિયે વાત કરીશું.

makhan.cc@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોઈના વિચારનો જવાબ દરેકના સંસ્કાર પ્રમાણે મળે! appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/someones-idea-answer-answer/
via Best Gujarati News